ગુજરાતની કેરી અમેરિકામાં નિકાસ કરી શકાશે, વિદેશમાં 4 હજાર કરોડની નિકાસ થાય છે

PC: https://www.hindustantimes.com

(દિલીપ પટેલ) કેરી ઉત્પાદકો અને નિકાસકારો  આ વર્ષે જૂનમાં અમેરિકાને કેરીની નિકાસ કરી શકશે, કારણ કે અમેરિકાએ  લીલી ઝંડી આપી છે. ગુજરાત સરકાર જો  ઈરેડીશયન અને જંતુમુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરાવે તો હાલ 4 હજાર કરોડની નિકાસ થાય છે તે વધીને 3 ગણી થઈ શકે તેમ છે.

ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં 1.66થી 1.70 લાખ હેક્ટરમાં કેરીના બગીચા છે. જેમાં 12 લાખ મેટ્રિક ટન કેરી પાકતી હોય છે. 2006માં રાજ્યનું 72300 હેક્ટરમાં વાવેતર હતું, જે આજે 1.70 લાખ હેક્ટર થયા છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DAC&FW) અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA) વચ્ચે થયેલા એમઓયુ બાદ આ વર્ષે કેરીની નિકાસનો માર્ગ મોકળો થયો છે.

ગુજરાતની નિકાસ

ગુજરાતની ગયા વર્ષે જૂનમાં 4 હજાર કરોડ રૂપિયાની 3,000 મેટ્રિક ટન કેરી નિકાસ થઈ હતી.કંડલા બંદરેથી 500 ટન કેરી નિકાસ થાય છે અને પેકીંગ કરીને નિકાસ કરવામાં ગુજરાતનું કૃષિ વિભાગ મદદ કરે છે.  રાજ્યમાંથી લગભગ રૂા. 100 કરોડનાં ફળોની નિકાસ થાય છે. 

ડીસા-પાલનપુરથી 100 ટ્રકો પાકિસ્તાન જતી હતી. જે વેપાર ભારત સરકારે બંધ કરાવીને મોટું નુકસાન કરાવ્યું છે. કેરી માટે 1 કરોડના રોકાણથી ઇરેડશયનની વ્યવસ્થા ગોઠવાય તો આફૂસ અને કેસરની નિકાસ બમણી થઈ શકે છે. આ વ્યવસ્થા માત્ર મહારાષ્ટ્રમાં છે.

કેરીને ઈરેડીશયન અને જંતુમુક્ત કરવાની પ્રક્રિયામાં જવું પડે છે. અમદાવાદના વેપારીઓ મુંબઈમાં જરૂરી પ્રોસેસ કરી ફ્રૂટસનો મોટો ધંધો વિદેશથી મેળવી રહ્યા છે. પ્રોસેસ નહીં થતી કેરીનો પલ્પ અને સ્લાઈસમાં કનર્વટ કરવાનો પણ ખુબ મોટો બિઝનેસ દક્ષિણ ગુજરાતમાં ડેવલપ થઈ રહ્યો છે.

ભારત છેલ્લા બે વર્ષથી અમોરિકામાં કેરીની નિકાસ કરી શક્યું ન હતું. દેશના કેરીના વાવેતર કરનારા અને નિકાસના વેપારીઓ માટે સારા સમાચાર છે. અમેરિકાના લોકો 2022માં ભારતની કેરી ખાઈ શકશે. કેન્દ્ર સરકારે નવી સિઝનમાં યુએસમાં ભારતીય કેરીની નિકાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ) પાસેથી મંજૂરી મેળવી છે. યુએસએ દ્વારા ભારતીય કેરીની નિકાસ પર 2020 થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

ભારત અને યુએસ ભારતમાંથી કેરી અને દાડમની યુએસમાં નિકાસ કરશે. જ્યારે યુએસમાંથી ચેરી અને આલ્ફલ્ફા ભારતમાં આવી શકશે. ભારતમાં રેડિયેશન ટ્રીટમેન્ટની પૂર્વ મંજુરીનું મોનિટરિંગ તબક્કાવાર ટ્રાન્સફર સહિત એક સુધારેલ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

દેશમાં લગભગ 700 પ્રકારના આંબાનો પાક થાય છે. જેમાં હાફુસ, પાયરી, લંગડો, દશેરી, તોતાપુરી, રાજાપુરી, કેસરનો સમાવેશ થાય છે. અમેરિકામાં ભારતીય કેરીની ખૂબ માંગ છે.ભારતે 2017-18માં યુએસમાં 800 મેટ્રિક ટન (MT) કેરીની નિકાસ કરી હતી. 2018-19માં 951 ટન કેરીની યુએસમાં નિકાસ કરવામાં આવી હતી. 2019-20માં 1,095 ટન કેરીની યુએસમાં નિકાસ કરવામાં આવી હતી.

અનુમાન મુજબ, 2022માં કેરીની નિકાસ 2019-20ના આંકડા કરતાં વધુ હોઈ શકે છે. કેસર, હાફૂસ, લંગડા, ચૌસા, દશરી, ફાઝલી વગેરે જેવી કેરીની અન્ય સ્વાદિષ્ટ જાતોની નિકાસ માટેની તકો પણ પૂરી પાડે છે. ભારતમાં મુખ્ય કેરી ઉત્પાદક ઉત્તર પ્રદેશ છે, દેશના કુલ કેરી ઉત્પાદનમાં 23.86% છે. ભારતમાંથી કેરીની કુલ નિકાસ 59.22 હજાર ટન છે. ભારત વિશ્વના 40 થી વધુ દેશોમાં કેરીની નિકાસ કરે છે. જૂનમાં પૂરા થતા 2020-21 પાક વર્ષમાં કેરીનું ઉત્પાદન 4.24 ટકા વધીને 2011.2 મિલિયન ટન થવાનો અંદાજ હતો. 2019-20 કેરીનું ઉત્પાદન 2.26 મિલિયન ટન રહ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp