ખેડૂત આંદોલનને કારણે આ નેતાઓની ખુરશી ખતરામાં

PC: indianexpress.com

દિલ્હીની સીમાઓ પર કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડુતોએ હરિયાણાના રાજકરણમાં હલચલ પેદા કરી છે. ખેડુત આંદોલનને કારણે હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારને ઘણી મુશ્કલીનો સામનો કરવો પડી રહ્યો છે.પોતાની ખુરશી ખતરામાં દેખાતા હરિયણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ઉપ મુખ્યમંત્રી દુષ્યત ચૌટાલા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આજે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરવાના છે. નેતાઓ સામે એવા સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી અને જનનાયક પાર્ટીના ધારાસભ્યો દબાવમાં છે?

દુષ્યત ચૌટાલા, અમિત શાહને મળવા પહેલાં દિલ્હીમાં પોતાના ફાર્મ હાઉસમાં પાર્ટીના ધારાસભ્યોને મળવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાના ધારાસભ્યોને વિશ્વાસમાં રાખવા માટે ચૌટાલા આ બેઠક કરી રહ્યા છે.

સોમવારે ઇનેલોના પ્રમુખ અભય ચૌટાલાએ એક પત્ર લખીને મનોહર લાલ ખટ્ટરનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે જો 26 જાન્યુઆરી સુધીમાં ખેડુતોની વાત નહીં માનવામાં આવે તો આ પત્રને રાજીનામું સમજી લેવું. તેમણે પત્રમાં જણાવ્યું છે કે તેઓ આવી સંવેદનહીન વિધાનસભામાં રહેવા માંગતા નથી. અભય ચૌટાલાની ધમકીને કારણે ધારાસભ્યોમાં દબાવ ઉભો થયો છે.

 હરિયાણામાં ગઠબંઘનની સાથે જે લોકો જોડાયેલા છે તેઓ ખેડુતોના વિરોધનો સામનો કરી રહ્યા છે. હરિયાણાની સરકારમાં બીજેપીની 40 સીટ, જેજપીની 10 અને  5 અપક્ષ ધારાસભ્યની સીટ છે.

મુસીબત એટલા માટે પણ છે કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસ ખટ્ટર સરકાર વિરુધ્ધ વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવશે. તેમણે અભય ચૌટાલાનું સમર્થન પણ કર્યું હતું.

ખેડુત આંદોલનને કારણે બીજેપી અને જેજેપીના ધારાસભ્યો ઘણાં ગામોમાં વિરોધનો સામનો કરી રહ્યા છે. કેટલાંક ગામમાં તો તેમને પ્રવેશવાની મુશ્કેલી ઉભી થઇ છે. રવિવારે આંદોલનકારી ખેડુતોએ કરનાલના કેમલા ગામમાં કિસામ મહાપંચાયતના સ્થળ પર તોડફોડ કરીને હંગામો મચાવ્યો હતો, જયાં હરિયાણાના મુખ્યમંત્રી વિવાદાસ્પદ કેન્દ્રીય કૃષિ કાયદાના ફાયદા બતાવવાના હતા.

છેલ્લાં 48 દિવસથી ખેડુતો દિલ્હીની સીમા પર આંદોલન કરી રહ્યા છે અને હવે ધીમે ધીમે રાજકારણીઓને તેમની ખુરશી જોખમમા આવી રહી હોવાનું લાગી રહ્યું છે. ખેડુતોનં આંદોલન એટલું અડગ રીતે ચાલી રહ્યું છે કે હરિયાણાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp