26th January selfie contest

નર્મદાની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું

PC: Youtube.com

નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં પાઈપલાઈન બની નથી ત્યાં રૂ.66.25 કરોડ ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે.

નર્મદા બંધની મુખ્ય નહેર અને બ્રાંચ નહેરો બની છે. પણ પેટા શહેર હજુ પૂરી થઈ શકી નથી. અનેક સ્થળે પેટા નહેર ફાટી રહી છે. નર્મદાની સિંચાઈ માટે 3.11 લાખ હેક્ટરમાં સિંચાઈ કરવા માટે પાઈપલાઈન નાંખવાનું કામ 10 વર્ષથી થઈ રહ્યું છે.  હવે ખેડૂતોના ખેતરમાં નાંખવામાં આવી રહેલી પાઈપલાઈનમાં કરોડો રૂપિયાની ખાયકી બહાર આવી છે.

300 એમએમની પહોળાઈની પાઈપ લાઈન નંખાઈ ત્યાં 250 એમએમની પાઈપ નાંખવામાં આવી હોવાનું જણાયું છે. જ્યાં પાઈપ નંખાઈ છે ત્યાં જોડાણ આપવામાં આવ્યું નથી. એક પાઈપ લાઈનના એકથી વધું વખત નાણાં ઠેકેદારોને આપી દેવાયા છે.

કૌભાંડ બહાર આવ્યા બાદ નર્મદા નિગમ દ્વારા ઠેકેદાર પાસેથી પૈસા જમા કરાવી જવા કહેવાયું છે. પણ કોઈની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

નિગમે તાપી જિલ્લાના સોંગાધના કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.12.27 કરોડ, અમદાવાદના પ્રહલાદનગરના એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.27.95 કરોડ, અમદાવાદના સીજી રોડ સ્થિત કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.6.23 કરોડની વસુલાત કરવા આદેશ કર્યો છે. જ્યારે મહેસાણા શહેરના એક કોન્ટ્રાક્ટરને રૂ.6.26 કરોડ આપી જવા કહેવાયું છે. આ ઠેકેદારો રાજકીય નેતાઓ સાથે જોડાયેલાં છે.

લાંચ કેસમાં કૌભાંડ બહાર આવ્યું

ધ્રાંગધ્રાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ.બી.પટેલ નવેમ્બર 2018માં લાંચ લેતા પકડાયા બાદ એમના ઘરેથી રૂ.45 લાખ રોકડ મળ્યા હતા. જો નાગરિકે તેમને લાંચ લેતા પકડ્યા ન હોત તો આ કૌભાંડ બહાર આવ્યું ન હોત. પછી સરકારને ફરજ પડી હતી કે તેમના સમયમાં કેટલા કામો થયા છે તે શોધી કાઢવાની.  

ક્યાં કેટલી પાઈપલાઈન નંખાઈ હેક્ટર વિસ્તારમાં

મહેસાણા – 1,17,076

રાજકોટ – 1,08,173

વડોદરા – 33,462

પાટણ – 39,327

અમદાવાદ – 11,633

કુલ – 3,11,671

નહેરનું માળખું

2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા નર્મદા મહોત્સવ અને નર્મદા રથ ગામડાઓમાં ફેરવ્યો હતો. પણ તે સમયે જ સરકારે મંજૂરી મેળવ્યા વિના 18,641 કિમી નર્મદા કેનાલ નેટવર્ક ઘટાડી દીધું છે. 17.92 લાખ હેક્ટરમાં સિંચાઇ શરૂ થઈ જવી જોઈતી હતી. પણ 2 લાખ હેક્ટરમાં જ સિંચાઈ થાય છે. 2013-14-15માં સિંચાઈ વધી ન હતી. જ્યાં પાઈપ લાઈન નાંખવાની આવશ્યતા હતી.

નર્મદા યોજના મંજૂર થઇ ત્યારે 90,389 કિમીની નહેર બનવાની હતી. હવે સરકારે 71,748 કિમી નહેર જ હોવાનું બતાવે છે. વર્ટિકલ ઇન્ટ્રીગેશન અભિગમને જોખમમાં મૂકી દેવાયુ છે. 41,311 કિમી નહેરોનું બાંધવાની બાકી છે તે બાંધતા જ 11 વર્ષનો સમય લાગી શકે છે. ગુજરાત સરકાર દર વર્ષે રૂ.9થી 10 હજાર કરોડ નર્મદા યોજના પાછળ ખર્ચે છે. 6 હજાર કરોડની નર્મદા યોજના હતી તે હવે રૂ.1 લાખ કરોડ થઈ ગઈ છે.

સરદાર સરોવર નિગમના કરોડોના હિસાબો મળતા નથી. આટલો જંગી ખર્ચ કેમ વધી ગયો તેનો કોઈ ઉત્તર મળતો નથી. છેલ્લા બે વર્ષમાં સરકારે રૃા.18,050 કરોડનો ખર્ચ કર્યો છતાં નહેરો પૂરી બાંધી નથી. નાની વહન ક્ષમતાવાળી સબ માઇનોર નહેરોના કામો 2010માં પૂરા થઈ જવા જોઈતા હતા તે પૂરા થયા નથી. હવે કૌભાંડ બહાર આવતાં કામ અટકશે.

નર્મદા બંધ જેટલો ખર્ચ નહેર અને પાઈપલાઈનમા થયો

પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ 2003, 2007, 2013ની વિધાનસભા દરમ્યાન સૌની અને સુજલામ સુફલામ યોજના જાહેર કરી હતી. બન્ને યોજનાઓ પાછળ ભાજપ સરકારે રૂ.20,000 કરોડ અને રૂ.6,000 કરોડનો ખર્ચ કર્યો છે. જે વધારાનો ખર્ચ છે. નેવાના પાણી મોભ પર ચઢાવવાનું તે ખર્ચ છે. નર્મદા નદીમાં પાણીનો ફ્લો ઘટી ગયો હોવાનું સરકાર જાણતી હોવા છતાં તે તળાવોનો ભરવા અને રિચાર્જ માટે યોજના બનાવી હતી. હવે ખેડૂતોને પાણી આપવાના બદલે બંધો ભરવા અને રિચાર્જ માટે પાણી આપવામાં આવે છે. સૌની યોજના એટલે નર્મદાનું જુનું પાણી નવી બોટલમાં ભરવા જેવી છે.

નર્મદામાંથી પાણી અને પાઈપલાઈન

ગુજરાત માટે 9 મિલિયન એકર ફીટ પાણીમાંથી 0.86 મિલિયન એકર ફીટ પીવાના પાણી માટે અને 0.20  મિલિયન એકર ફીટ ઔદ્યોગિક વપરાશ માટે ફાળવેલું છે. જ્યારે 8 મિલિયન એકર ફીટ પાણી સિંચાઈ માટે વપરાવું જોઈતું હતું કે બંધ ભરવા માટે મોટા ભાગનું વાપરી નાંખવામાં આવે છે.

10 હજાર ગામ અને 178 શહેરોની પાઈપલાઈન

25 જીલ્લાના 167 તાલુકાઓના 10,473 ગામો અને 178 શહેરોને પિવાનું પાણી આપવામાં આવે છે. જેની કરોડો રૂપિયાની પાઈપ લાઈન નાંખવામાં આવી છે. હવે જો એક એન્જીનિયર પાસેથી રૂ.45 લાખ ઘરેથી પકડાતાં હોય તો એક જ ઈજનેરે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે. તો પછી બીજા અધિકારીઓ અને રાજકારણીઓએ પણ ભ્રષ્ટાચારમાં હાથ નાંખ્યો હશે.

આમ એક લાખ કરોડની નર્મદા યોજના અને બીજા કરોડો રૂપિયાની પિવાના પાણીની યોજનાઓમાં અકલ્પનીય ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. આમ નર્મદા યોજના એક ભ્રષ્ટ યોજના બની ગઈ છે. જેને ગુજરાતના લોકો પવિત્ર માનતાં હતા અને નર્મદા યોજનામાં તો ભ્રષ્ટાચાર કોઈ ન કરે એવું કહેવામાં આવતું હતું પણ તે મોટી ભ્રષ્ટ યોજના બની ગઈ છે.

(દિલીપ પટેલ)

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp