રૂપાણી સરકારને ફાળ પડી, ખેતીનો હિસ્સો ઘટતો જાય છે- ખેડૂતો ઘટે છે, મજૂરો વધે છે

PC: youtube.com

 ગુજરાત સરકાર 2020-21ના વર્ષનું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવા જઇ રહી છે ત્યારે એક ચોકાવનારી વિગત બહાર આવી છે. આ વિગત જોઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફાળ પડી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના જીડીપીમાં કૃષિ સેક્ટરનો હિસ્સો ઘટતો જાય છે. જો આવી સ્થિતિ રહી તો 2022 સુધીમાં રાજ્યની કૃષિ આવકોમાં મોટો ઘટાડો નોંધાવાનો ભય છે.

રાજ્ય કૃષિ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ખેતીપ્રધાન ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીવાડીનો જીડીપીમાં ફાળો ઘટતો જાય છે. સરકારી દસ્તાવેજમાં જણાવાયું છે કે રાજ્યમાં ખેતીથી આજીવિકા મેળવનારી વસતી 59 ટકા છે પરંતુ ખેતીનો રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનની આવકમાં ફાળો ઘટતો જાય છે જે અતિ ગંભીર ઘટના છે.

 રાજ્યમાં ખેતી પર નભતા લોકોની સંખ્યા વધારે છે જેમાં જમીન ધારકો 48 લાખ જેટલા છે અને જમીન વિહોણાં માત્ર ખેતમજૂરોની સંખ્યા 68 લાખ જેટલી થઇ છે. ગુજરાતમાં આ પ્રમાણ વધારે ચોંકાવનારૂં એટલા માટે છે કે ખેડૂતો મટી રહ્યાં છે અને ખેતમજૂરો વધી રહ્યાં છે.

 ગુજરાત રાજ્યમાં વિવિધ વ્યવસાયમાં કામ કરનારા પૈકી 59 ટકા કામદારો પ્રાથમિક ક્ષેત્રમાં છે. જ્યારે દ્વિતીય ક્ષેત્ર એટલે કે કારખાના અને મેન્યુફેક્ચરીંગ વીજળીગેસપાણી સપ્લાય અને બાંધકામ વગેરે ઉત્પાદન કામમાં 16 ટકા કામદારો કામ કરે છે જ્યારે ત્રીજા ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્રમાં રોકાયેલાઓની સંખ્યા 25 ટકા જેટલી છે.

ગુજરાતમાં જો ગરીબી દૂર કરવી હોય તો પ્રાથમિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની સંખ્યા ઘટાડવાની આવશ્યકતા છે તેવું નિષ્ણાંતો માને છે. રાજ્યમાં પ્રાથમિક ક્ષેત્રના 59 ટકા લોકોનો જીડીપીમાં ફાળો 23 ટકા છે જ્યારે દ્વિતીય ક્ષેત્રના 16 ટકા કામદારોનો 45 ટકા અને ત્રીજા ક્ષેત્રના 25 ટકા કામદારોનો ફાળો 36 ટકા જોવા મળે છે. જીડીપીમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો 23.20 ટકા હતો તે ઘટીને 19 ટકા થયો છે.

ગુજરાતમાં ખેતીની જમીનમાં હેતુફેર થઇ રહ્યો છે. ખેડૂતો ઘટતાં જાય છે અને ખેતમજૂરો વધતાં જાય છે. રાજ્ય સરકાર તેના આગામી બજેટમાં કૃષિ ક્ષેત્રને ઉપર લાવવામાં જો કોઇ નવી જોગવાઇ નહીં કરે તો આવનારા ત્રણ વર્ષમાં ગુજરાતમાં મોટી મુશ્કેલી ઉભી થશે. કોઇપણ રાજ્યમાં કૃષિ ક્ષેત્રે જીડીપીનો હિસ્સો જ્યારે ઘટે ત્યારે તેની સીધી અસર રાજ્ય સરકારની આવક અને જાવકના હિસાબો પર પડતી હોય છે. લોકોના જીવનધોરણ પણ બદલાય છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp