26th January selfie contest
BazarBit

ડુંગળી રુ.150ની કિલો, આવતા અઠવાડિયાથી સસ્તી થવાના એંધાણ

PC: www.indiatoday.in

ડુંગળીના ભાવ અત્યારે સાતમા આસમાને છે. પરંતુ, આવતા અઠવાડિયે આ ભાવ પર લગામ ખેંચાઈ શકે એમ છે. કેન્દ્ર સરકારે દેશની પ્રજાના મોંઘવારીના આસું લૂંછવા માટે બીજા દેશમાંથી ડુંગળીના આયાત કરી છે. વિદેશમાંથી 1.10 લાખ ટન ડુંગળીની આયાત કરવામાં આવી છે. જેનું પ્રથમ કંટેનર તા.10 ડિસેબ્મબરથી આવવાનું શરુ થઈ જશે. રુ.52થી55ના કિલો લેખે સરકારે આ ડુંગળીની આયાત કરી છે. મંગળવારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં ડુંગળીની કિંમત રુ.120ની કિલો રહી હતી. ડુંગળીના કુલ ઉત્પાદનમાં 30 ટકા ડુંગળીનો જથ્થા મહારાષ્ટ્રથી આવે છે. જે પછીથી આસપાસના રાજ્યમાં નિકાસ થાય છે.

સરેરાશ ઉત્પાદન ઘટ્યું

કમોસમી વરસાદને કારણે આ વખતે ડુંગળીનો પાક ધોવાઈ ગયો હતો. જેના કારણે સમગ્ર ઉત્પાદન પર માઠી અસર થઈ છે. ગત વર્ષે એકલા મહારાષ્ટ્રમાંથી જ ડુંગળીનું કુલ ઉત્પાદન 80.47 લાખ ટન થયું હતું. જે આ વખતે ઘટીને 65 લાખ ટને આવીને અટક્યું. એટલે કે, સરેરાશ 15.47 લાખ ટન ઉત્પાદન ઓછું થયું છે. મુંબઈના JNPT પોર્ટ પર 10 ડિસેમ્બરના રોજ 1160 ટન ડુંગળીનું કંટેનર લોડ થવાનું છે. જે પછીથી સમગ્ર દેશમાં મોકલવામાં આવશે. તા. 17 ડિસેમ્બર સુધીમાં કુલ 1450 ટન, 24 ડિસેમ્બર સુધીમાં 2030 ટન અને 31 ડિસેમ્બર સુધીમાં 1450 ટન ડુંગળી મુંબઈ આવી પહોંચશે. મુંબઈ બાદ દેશના બીજા મોટા પોર્ટ ઉપર પણ ડુંગળીના કંટેનર લોડ કરવામાં આવશે.

ક્યાંથી આવે છે ડુંગળી?

ઓનિયન એક્સપોર્ટ એસો.ના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, મિસર, તુર્કી અને નેધરલેન્ડથી દેશ માટે ડુંગળી મંગાવવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 6000 ટન ડુંગળી પહોંચી છે. ત્રણ અઠવાડિયામાં 6000 ટન ડુંગળીની આયાત હોવા છતા ડુંગળીની ઘટ વર્તાય રહી છે. હજું 1000 ટન ડુંગળી આવવાની બાકી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આયાત કરેલી ડુંગળી માટે વેપારીઓએ રુ.45-55 કિલે લેખે ચૂકવવાના રહે છે. જેથી આવતા અઠવાડિયે ડુંગળીના ભાવમાં ઘટાડો થાય એવી પૂરી શક્યતાઓ છે. કારણ એ આ અઠવાડિયે ડુંગળીના ભાવ રુ. 150 સુધી પહોંચી ગયા છે.

શા માટે વધી કિંમત?

આ વખતે મહારાષ્ટ્રમાં સીઝન કરતા વધારે વરસાદ પડવાને કારણે ડુંગળીના પાકને સીધી અસર થઈ છે. મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક વર્ષમાં ત્રણ વખત ઊતરે છે. વર્ષ 2016-17માં કુલ ઉત્પાદન 4.71 લાખ હેક્ટર થયું હતું. જેની સામે ઉપજ 89.36 લાખ રુપિયા થઈ હતી. વર્ષ 2017-18માં 5.27 લાખ હેક્ટરમાં વાવેતર સામે ડુંગળીની ઉપજ 72.16 લાખ ટન થઈ હતી. બે વર્ષથી ડુંગળીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો. ત્યારે ફડનવીસ સરકારે ખેડૂતોને આર્થિક મદદ કરવાનું એલાન પણ કર્યું હતું. આ રીત ડુંગળીના ભાવ ગગડતા આ વર્ષે ગત વર્ષ કરતા વાવેતર ઓછું થયું અને વરસાદને કારણે ઉત્પાદન પણ ઘટી ગયું. ખાસ કરીને મુંબઈ સિવાય દિલ્હી, જયપુર અને ચેન્નઈ જેવા મહાનગરમાં સૌ પ્રથમ કિંમત ઘટશે. પછી નાના શહેરમાં તેની અસર થશે.

નાણામંત્રી કહે છે કે....

નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, સરકારે દેશમાં ડુંગળીની કિંમત પર લગામ ખેંચવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કર્યા છે. જેમાં સ્ટોરેજ માટેના કેટલાક મુદ્દાઓ પણ સમાવી લેવાયા છે. ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. જેને ધ્યાને લઈને સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. સાંસદમાં શિયાળું સત્ર દરમિયાન ડુંગળીના મુદ્દે હોબાળો થયો હતો. જેમાં સાંસદ સૌગત રોયે પૂછેલા પ્રશ્નોમાં જણાવ્યું હતું કે, શું તમારે ત્યાં જમવામાં ડુંગળીનો ઉપયોગ થતો નથી? ત્યારે નિર્મલા સીતારામણે કહ્યું કે, અમારે ત્યાં જમવામાં ડુંગળીનો અને લસણનો ઉપયોગ નહીંવત છે એટલે મને આવું કંઈ લાગું પડતું નથી. હું એક એવા પરિવારમાંથી આવું છું જ્યાં ડુંગળી કે લસણનું ખાસ કોઈ મહત્ત્વ નથી.

વિરોધ પ્રદર્શન

દેશભરમાં વધી રહેલા ડુંગળીના ભાવ સામે દિલ્હીની આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું છે. કાર્યકરોએ ડુંગળીનો હાર બનાવીને પહેર્યો હતો અને વધતા જતા ભાવ અંગે સરકાર સામે નારેબાજી કરી હતી. કોંગ્રેસે પણ ભાજપ સામે આ મુદ્દે યોગ્ય સ્પષ્ટતા કરવા માટે દબાણ ઊભું કર્યું હતું. ડુંગળીની કિંમત મોંઘવારી પર માર સમાન છે. ખાસ કરીને ગરીબ અને મઘ્યમ વર્ગને આ મુદ્દે સીધો ફટકો પડ્યો છે. જો સરકારે આયાત માટેનું વ્યવસ્થિત આયોજન કર્યું હોત તો આ દિવોસ જોવા ન પડત. આ ઉપરાંત કિંમતમાં પણ કાબું કરી શકાયો હોત.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp