PM મોદીએ કૃષિ કાયદા પાછા લેતા પ્રકાશ રાજ બોલ્યા- ખેડૂતોએ રાજાને નમાવી દીધા

PC: ndtv.com

પ્રકાશ રાજને સોશિયલ મીડિયા પર પોતાની વાત નીડરતાથી રજૂ કરવા માટે ઓળખવામાં આવે છે. પ્રકાશ રાજે કૃષિ કાયદાઓને પાછા લેવાના પ્રધાનમંત્રી મોદીના એલાન પર ટ્વીટ કરી છે. પ્રકાશ રાજે આ ટ્વીટમાં ખેડૂતોના સંઘર્ષની પ્રશંસા કરી છે. આની સાથે જ સિંઘમ ફેન કલાકારે ખેડૂત આંદોલનનાં સમર્થનમાં એક કવિતાનો વીડિયો પણ શેર કર્યો છે. આ રીતે ખેડૂતોની જીત પર તેમની આ ટ્વીટ ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો આ કવિતાને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

પ્રકાશ રાજે પ્રધાનમંત્રી મોદીના આ એલાન પર ટ્વીટ કરતા લખ્યું કે, મારા દેશના સંઘર્ષ કરનારા ખેડૂતોએ રાજાને નમવા માટે મજબૂર કરી દીધા. અનિયા નાયરની આ કવિતા મેં વાંચી હતી જે કૃષિ કાયદાઓ સામે ખેડૂત આંદોલનના પક્ષમાં હતી. પ્રકાશ રાજ દ્વારા અંગ્રેજીમાં વાંચવામાં આવેલી આ કવિતાના શબ્દો પણ ખાસ્સા ઊંડા છે. પ્રકાશ રાજની આ ટ્વીટ ખૂબ વાંચવામાં આવી રહી છે અને તેના પર લોકોના ખૂબ રિએક્શન પણ આવી રહ્યા છે.

પ્રકાશ રાજ ઉપરાંત બોલિવુડના ઘણાં કલાકારોએ પણ આને લઇ ટ્વીટ કરી છે. જેમાં શયાની ગુપ્તા, ગુલ પનાગ, સોનૂ સૂદ વગેરેનો સમાવેશ થાય છે. આ કલાકારોએ પ્રધાનમંત્રીના આ નિર્ણયને લઇ ટ્વીટ કરી છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગયા વર્ષે 3 કૃષિ કાયદાઓ લાવી હતી. જેનો દેશભરના ખેડૂતોએ ખૂબ વિરોધ કર્યો. દેશના અન્નદાતાઓ પાછલા એક વર્ષથી આ કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. આખરે તેમનો આ શાંતિપૂર્ણ વિરોધ કામ આવ્યો અને કેન્દ્ર સરકારે આ ત્રણ કાયદા પાછા ખેંચી લીધા છે.

પ્રધાનમંત્રીએ ગુરુનાનક જયંતીના અવસરે સવારે દેશને સંબોધિત કરતા એલાન કર્યું કે કૃષિ સુધારા માટે ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. જેથી ખેડૂતોને વધુ તાકત મળે. વર્ષોથી આ માગણી દેશના ખેડૂત, વિશેષજ્ઞ અને અર્થશાસ્ત્રી કરી રહ્યા હતા. જ્યારે આ કાયદા લાવવામાં આવ્યા તો સંસદમાં ચર્ચા થઈ. દેશના ખેડૂતો, સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ ખૂબ આભારી છું. સરકાર સારી નિયતથી આ કાયદા લઈને આવી હતી. આટલી પવિત્ર વાત પૂર્ણ રૂપે ખેડૂતોના હિતની વાત છે પણ, અમે કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા. કદાચ અમારી તપસ્યામાં ઓછી પડી. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાતચીતનો પ્રયાસ કર્યો. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો. અમે કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp