ગુજરાતમાં મહેસૂલ વિભાગ રૂ. 1ના ટોકન દરે ભાડે જમીન ફાળવશે

PC: khabarchhe.com

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના ભાગરૂપે યોજાયેલા ગુજરાત અને ભારતમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનની તકો વિષયક પરિસંવાદમાં રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ તેમજ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ ઊર્જા નિગમો તેમજ ડેવલપર્સ વચ્ચે રૂ. એક લાખ કરોડના મૂડી રોકાણથી સૌર પવન અને પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનના પ્રોજેક્ટ્સ તેમજ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની સ્થાપનાના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. મંત્રી સૌરભભાઈ પટેલે ગુજરાત સરકારે રીન્યુએબલ એનર્જીના માધ્યમથી ઊર્જા ઉત્પાદનના કરેલાં ભવિષ્યલક્ષી આયોજનની વિગતવાર માહિતી આપવાની સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની મોદીની બિન પરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર રહેવાની પરિકલ્પનાઓ સાકાર કરવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે.

સૌર ઊર્જા પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવા અંગેની જાણકારી આપતા ઊર્જા મંત્રીએ કહ્યું કે, 66 કે.વી. સબસ્ટેશન આસપાસની સરકારી ખરાબાની જમીનોનો સૌર ઊર્જા ઉત્પાદન માટે ઉપયોગ કરાશે તેમ જ પસંદ કરાયેલાં 50 સબસ્ટેશનોની આસપાસની જમીનોમાં સૌર ઊર્જાના પ્લાન્ટ દ્વારા ત્રણ હજાર મેગા વોટ ઉર્જા ઉત્પાદિત કરાશે. સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર્સ સોલાર પ્રોજેક્ટ દેશભરમાં ગુજરાતનું નવતર કદમ છે. કોઈ વ્યક્તિ, પેઢી, સહકારી મંડળી અડધા મે.વો.થી ચાર મે.વો. સૌર ઊર્જા ઉત્પાદિત કરે તો, તેને ખરીદવા માટે સરકાર 25 વર્ષનો કરાર કરશે. આ ઉપરાંત પોતાની જમીનમાં સૌર ઊર્જા ઉત્પાદન કરવામાં આવે તો, છેલ્લાં ટેન્ડરના ભાવ પ્રમાણે વીજળી ખરીદાશે. તેમણે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સહયોગી અભિગમને બિરદાવ્યો હતો.

હાઈબ્રિડ પાર્કની તકો અંગે પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું કે, સોલાર અને હાઈબ્રિડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિન ખેતીની જમીન ગણાશે એવો રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. આ પાર્કમાં ઓછામાં ઓછા એક હજાર મે.વો.નું ઉત્પાદન થઈ શકે તેટલી જમીન ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારની કંપની સેકી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જે દેશભરમાં અન્ય રાજયો માટે સૌર ઊર્જા અને પવન ઊર્જા માટેની પ્રક્રિયા હાથ ધરે છે તેને પણ રાજ્યના હાઈબ્રિડ પાર્કમાં જગ્યા ફાળવી શકશે.

ઊર્જા મંત્રીએ કચ્છમાં વિન્ડ સોલાર પાવરના ઉત્પાદન માટેના હાઈબ્રિડ પાર્કની રૂપરેખા આપી હતી. તેમણે રાજ્યના 66 કે.વી. સબસ્ટેશનની સરકારી માલિકીની પડતર જમીનો સોલાર પ્રોજેક્ટની સ્થાપના માટે રૂ. એકના ટોકન દરે ભાડે આપવાના મહેસૂલ વિભાગે લીધેલાં નિર્ણય માટે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલને ખાસ અભિનંદન આપવાની સાથે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઊર્જા મંત્રીએ રિન્યુએબલ એનર્જી એટ્રેક્ટિવનેશ ઈન્ડેક્સ-2017 અન્વયે ભારત વિશ્વમાં બીજા ક્રમે હોવાની વિગતો પૂરી પાડતા આગામી વર્ષ-2020 સુધીમાં ભારત સમગ્ર વિશ્વમાં પુન:પ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનના ક્ષેત્રે અગ્રેસર બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઊર્જા મંત્રીએ જેમની પાસે પડતર જમીન હોય તેવાં લોકોને વ્યક્તિગત ધોરણે સોલર પાવર પ્રોજેક્ટસની સ્થાપનામાં સહભાગી બનવા આમંત્રિત કર્યાં હતા. ગુજરાતમાં ઓફ શોર વિન્ડ પાવર પ્રોજેક્ટ્સની સ્થાપનાને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. ઊર્જા મંત્રીએ ગુજરાતના વિન્ડ સોલાર હાઈબ્રિડ પાર્ક્સમાં પોતાના પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે અન્ય રાજ્યોને ઈજન પાઠવ્યું હતું અને આ રીતે પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવા આહ્વવાન કર્યું હતું.

પરિસંવાદના પ્રારંભમાં ગુજરાત સરકારના ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ રાજગોપાલને સૌને આવકારતા કહ્યું હતું કે, પુન:પ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનની સવલતોની બાબતમાં ગુજરાત અગ્રેસર રહેશે અને પ્રધનમંત્રી તેમજ મુખ્યમંત્રીની અપેક્ષાઓ પ્રમાણે લક્ષ્યાંકો સાકાર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ભારત સરકારના એમ.એન.આર.ઈ.ના સચિવ આનંદકુમારે પવન અને સૌર ઊર્જા સહિતના પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના સુચારુ વિનિયોગ દ્વારા દેશમાં ક્લિન અને ગ્રિન એનર્જીના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાની તેમના મંત્રાલયની નીતિઓની વિગતવાર જાણકારી આપી હતી. આ પરિસંવાદમાં દરિયાકાંઠે પવન ઉર્જાના ઉત્પાદનની બાબતમાં યુરોપિયન દેશોનો અનુભવ, ભારતમાં ઉત્પાદિત ઉર્જાની પડતર કિંમત અને ટેરિફ્સ, ઈમોબિલિટી ટેક્નોલોજી અને બિઝનેશ મોડલ તેમજ આર.ઈ. અને સ્ટોરેજના ક્ષેત્રમાં નવતર ટેક્નોલોજી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રીએ સંભવિત રોકાણકારો અને તજજ્ઞો સાથે આંતરસંવાદ કર્યો હતો અને ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જાના વિકાસની ક્ષમતા અને સંભાવનાઓની જાણકારી આપવાની સાથે તેમની સાથે પ્રશ્નોતરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp