ગુજરાતમાં અહીં ગાયના છાણમાંથી બનેલી CNGનું વેચાણ શરૂ

PC: youtube.com

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે સસ્તા સીએનજીનો વિકલ્પ સરકારે અપનાવ્યો છે પરંતુ હવે તો સીએનજીમાં પણ ભાવવધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાતે બાયો સીએનજી તરફ નજર દોડાવી છે. રાજ્ય સરકારે એવી કંપનીઓ કે જેઓ બાયો સીએનજીનું ઉત્પાદન કરવા માગતી હોય તેમને પ્રોત્સાહન આપીને પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે.

ગુજરાતમાં બાયો સીએનજી માટેની ચોક્કસ નીતિ બનાવીને સરકાર આ દિશામાં આગળ વધવા માગે છે. રાજ્યમાં હાલ બાયો સીએનજીનો એક કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે. આણંદ નજીક સુંદરપુરા ગામ પાસે બનતા બાયો સીએનજીનું વેચાણ આણંદના નજીકના ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પમ્પ પર શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટમાં પ્રાણી, ખાસ કરીને ગાયનાં મળમૂત્રમાંથી મેળવેલો બાયો ગેસ-સીએનજી સ્વરૂપે છે, જે ઊર્જાના સ્રોત તરીકે વાહનો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અમદાવાદના એક ડોક્ટરે ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું છે. તેમણે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેમાં બાયો સીએનજી પમ્પ પર બાયો સીએનજીનું વેચાણ શરૂ કરવાનું વિચાર્યું છે. આ સીએનજી વેચવા માટે કેન્દ્ર સરકાર સાથે કરાર કરવામાં આવ્યા છે.

તમામ ચકાસણી બાદ આઇઓસીએ ગેસ લેવા માટે સીએનજી પમ્પના સંચાલકોએ તૈયારી દર્શાવી છે. ગાયના છાણમાંથી બનેલા આ ગેસના ઉપયોગ બાદ વધેલી સ્લરી (લિક્વિડ)માંથી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવવામાં આવ્યું છે. આ ખાતર સ્થાનિક સ્તરે ખેતીમાં ઉપયોગમાં લેવાય છે અને સેનેગલ જેવા દેશમાં તેની નિકાસ પણ થાય છે.

ઉર્જા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં આવા વધુ પ્રોજેક્ટની જરૂરિયાત છે. જેના દ્વારા ખેતરોમાં જંતુનાશકોનો ઉપયોગ ઘટશે અને આખરે લોકોના આરોગ્યમાં સુધારો થશે. આને કારણે કેન્સર જેવા મહારોગ સામે લડી શકાશે. પ્રોજેક્ટ સ્થળે રિસર્ચ લેબ પણ સ્થાપવામાં આવી છે.

આણંદ નજીક 220 જેટલી ગાયો સાથે કાઉ ફાર્મ શરૂ કરવામાં આવ્યું હતું. 2014માં ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ સ્થાપવામાં આવી હતી. ગાયના છાણનો ઉપયોગ કરીને બાયો સીએનજી સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. નજીકના પેટ્રોલ પંપ તે ખરીદી શકે તે માટે ટ્રાન્સપોર્ટેશનની મુશ્કેલી હાલ પૂરતી નિવારવામાં આવી છે.

દેશના ગામડે ગામડે આવા ગ્રીન એનર્જી પ્લાન્ટની જરૂર હોવાનું આ બાયોગેસ એનર્જીના સંચાલક માને છે. હાલમાં 14,000 ક્યુબિક મીટર રો-ગેસનો જથ્થો નજીકના છ કિમી દૂર આવેલા પેટ્રોલ પમ્પ પર વેચવાનું શરૂ કરવામાં આવ્યું છે. હવે આ પ્રકારના પ્રોજેક્ટને કોમર્શિયલ ધોરણે ઉત્પાદન કરવા માટે રાજ્ય સરકારે આગ્રહ કર્યો છે અને તેના માટે નીતિ બનાવવામાં આવે તેવી સંભાવના છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp