ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ખેડૂતોને મળશે 10 કલાક વીજળી

PC: Khabarchhe.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બુધવારના રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી.

કોરોનાની મહામારીના કારણે કેબિનેટ બેઠકમાં તમામ નેતાઓ અને અધિકારીઓ માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. કેબિનેટ બેઠકમાં અધિકારીઓ અને મંત્રીઓની હાજરીમાં રાજ્યના ખેડૂતોને કઈ રીતે રાહત આપી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક સુધી વીજળી આપવામાં આવશે. 10 કલાક વીજળીનો લાભ ખેડૂતોને 7 ઓગસ્ટથી આપવામાં આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ખેડૂતોને આ લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ચોમાસું લંબાયુ હોવાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. જો કે કેટલીક જગ્યાઓ પર વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઊત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. વરસાદ ઓછો પડતાં ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સંભાવના વર્તાઈ રહી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોના હિતમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં અત્યાર સુધીનો 45 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકારે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેતા ખેડૂતોને આંશિક રાહત મળશે કારણ કે, રાજ્ય સરકારના નિર્ણયથી જે ખેડૂતોના ખેતરમાં ટ્યુબવેલની સુવિધા છે તેઓ તેમના ખેતરમાં રહેલા ઉભા પાકને પિયત કરીને બચાવી શકશે.

ખેડૂતોને પાકનો આધાર ચોમાસામાં પડેલા વરસાદ પર જ હોય છે. ચોમાસામાં વરસાદ સારો પડે છે, તો આખું વર્ષ ખેડૂતોને પાણીની તકલીફ નથી પડતી પરંતુ જો વરસાદ ઓછો પડે તો ખેડૂતોને તકલીફોનો સામનો કરવો પડે. આવી જ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp