26th January selfie contest

પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટશે એ ચિંતા છોડો, તેનાથી ખેડૂતોની આવક વધશેઃ રાજ્યપાલ

PC: Khabarchhe.com

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના આત્મા પ્રોજેક્ટ દ્વારા અડાલજના ત્રિ-મંદિર ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિની સાત દિવસીય તાલીમ કાર્યશાળાનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે જેના યશભાગી ગુજરાતના ખેડૂતોને બનશે.

રાજ્યપાલે સાત દિવસીય તાલીમ કાર્યશાળામાં ઉપસ્થિત આત્મા અને કૃષિ વિભાગના અધિકારી-કર્મચારી, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટશે એ ચિંતા છોડી દો. ગુરુકુળ કુરુક્ષેત્રમાં તેમના માર્ગદર્શન હેઠળ 200 એકર જમીનમાં થઈ રહેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને દોહરાવતા જણાવ્યુ હતુ કે, પૂરી પ્રમાણિકતાથી વિધિપૂર્વક પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો કૃષિ ઉત્પાદન ઘટતું નથી એટલું જ નહીં પાણીની બચત થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, પર્યાવરણની રક્ષા થાય છે. તેમજ કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય છે. રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, દેશી ગાયના છાણ અને ગૌ મુત્રને કૃષિ માટે મિત્ર સુક્ષ્મજીવોનો અને ખનીજોનો ભંડાર ગણાવી એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. રાજ્યપાલે કૃષિ વૈજ્ઞાનિકોના તારણોને રજૂ કરી પ્રાકૃતિક કૃષિની અસરકારકતા ખેડૂતોને સમજાવી હતી.

રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત અને ઘનજીવામૃત જેવા દેશી ખાતરોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટાડતા અને સ્વાસ્થ્ય માટે હાનીકારણ રાસાયણિક ખાતરોનો વપરાશ અટકશે. જેનાથી કરોડો રુપિયાની સબસીડીની બચત થશે. ઉપરાંત ઝેરી જંતુનાશક દવાઓને બદલે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ જેવા પ્રાકૃતિક કીટનાશકોના છંટકાવને કારણે મળતાં સ્વાસ્થ્યપ્રદ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને કારણે લોકોની તંદુરસ્તી જાળવણી થશે. રાજ્યપાલે મલ્ચીંગ-આચ્છાદનના મહત્ત્વને સમજાવતા જણાવ્યુ હતુ કે, મલ્ચીંગથી જમીનનું તાપમાન અને ભેજ જળવાશે, મિત્રજીવોના કાર્ય માટે યોગ્ય વાતાવરણ અને ખોરાક મળશે તેમજ નિંદામણનું નિયંત્રણ થશે.

રાજ્યપાલે એમ પણ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. તેને સિદ્ધ કરવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ બની રહેશે. ગુજરાતમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. એટલું જ નહીં ડાંગ જિલ્લાને સરકારે રાસાયણિક કૃષિથી મુક્ત જિલ્લો જાહેર કરીને દેશભરના ખેડૂતોને પ્રેરણા આપી છે. રાજ્યપાલે તાલીમ લઈ રહેલાં ખેડૂતોને તાલીમાર્થી નહિં પરંતુ માસ્ટર ટ્રેનર્સ બની અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન આપવા પણ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કૃષિ સચિવ મનીષ ભારદ્વાજે તાલીમ લઈ રહેલાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જન-જન સુધી લઈ જનારા સૈનિકો ગણાવ્યા હતા. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને કૃષિ યુનિવર્સિટીઓમાં ખેડૂતો પ્રેરણા લઈ શકે તેવા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની રચના અંગે માહિતી આપી હતી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની બજાર વ્યવસ્થા માટે ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન-FPOની મહત્તા સમજાવી હતી. જ્યારે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર મહેશ સિંહે પ્રાકૃતિક કૃષિને માનવ કલ્યાણનું કાર્ય ગણાવી ખેડૂતોની મહેનત અને આવક વચ્ચેની વિસંગતતા દૂર કરવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની બજાર વ્યવસ્થા માટે રાજ્યમાં 90 જેટલાં ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના થઈ ગઈ હોવાનું અને તેમાં પ્રાકૃતિક કૃષિ કરી રહેલાં મહત્તમ ખેડૂતોને સાંકળવાના પ્રયાસની અને FPO ને આર્થિક સહાય સંદર્ભે પણ માહિતી આપી હતી.

આ પ્રસંગે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જન અભિયાનના ગુજરાત પ્રદેશના સંયોજક પ્રફુલ્લ સેંજલિયાએ પ્રાકૃતિક કૃષિના તાલીમાર્થી ખેડૂતોને જગતને જગાડનારા કૃષિના તત્ત્વચિંતકો ગણાવ્યા હતા. જ્યારે દિક્ષીત પટેલે તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની શરુઆતમાં આત્માના ડાયરેક્ટર ધાર્મિક બારોટે સાત દિવસીય ખેડૂત તાલીમ કાર્યશાળાની વિગતો રજૂ કરી હતી. આ તાલીમ કાર્યશાળામાં નિલકંઠધામ પોઈચાના કૈવલ્યસ્વરુપ સ્વામીજી ખેડૂતોને અને કૃષિ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિનું અનુભવ આધારિત જ્ઞાન પીરસશે. સંત દ્વારા કૃષિ માર્ગદર્શન, સત્સંગ, તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અને પ્રાકૃતિક કૃષિ કરનારા પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ દ્વારા આ તાલીમ કાર્યશાળામાં ઉપસ્થિત ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું સાત દિવસ સુધી પ્રશિક્ષણ મેળવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp