ઉમરપાડાના ખેડૂતે એક હેકટરમાં 600 મણ કોબીજ પકવી

PC: Khabarchhe.com

રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીને લગતી અનેકવિધ યોજનાઓ અમલી છે. ખેડૂત આ યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લઇ આજે ખેતી ક્ષેત્રે આગળ વધી દેશના અર્થતંત્રને વેગવાન બનાવવા મહત્વનું યોગદાન આપી રહ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસારપુર ગામ ખાતે રહેતા 40 વર્ષીય ખેડૂત જીતુભાઈ રૂપસિંગભાઈ વસાવાએ એક હેકટર જમીનમાં કોબીજનું વાવેતર કરી 600 મણ કોબીજનું ઉત્પાદન કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી છે.

જીતુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કોબીજની ખેતી કરવા નવી પધ્ધતિ અપનાવી હતી. જેમાં પાણી માટે ટપક પદ્ધતિ અપનાવી તેમજ કોબીજનું સારી એવી ઇન્દુ જાતિનું બિયારણ અને વોટર સોલ્યુબલ ખાતર, વેસ્ટ ડિકમ્પોસ્ટર, વર્મીકોમ્પોસ્ટ જેવી બાબતોમાં બદલાવ કર્યો હતો તેમજ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીવત કરી સેન્દ્રિય ખાતરમાં મુખ્યત્વે અળસીયાના ખાતરનો ઉપયોગ વધારે કર્યો હતો જેના પરિણામે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયો છે.

જીતુભાઈ વસાવા વધુમાં જણાવે છે, કોબીજનું એક હેકટરમાં વાવેતર કર્યું હતું. મણદીઠ રૂા.170નો ભાવ મળતા એક લાખની આવક થઈ છે. જેમાં બિયારણ, દવા, ખાતર અને મજુરી મળી રૂ.20 હજારનો ખર્ચ બાદ કરતા ચોખ્ખો નફો રૂ. 82 હજાર થયો છે.

રાજ્ય સરકારનો ઋુણ સ્વીકાર કરતા જીતુ કહે છે કે, બાગાયતી ખાતાના અધિકારીઓ દ્વારા સમયસર જરૂરી માર્ગદર્શન મળી રહેવાથી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો છે. સરકારની સહાય સાથે મારી મહેનત ફળી અને મારી આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો છે. રાજ્ય સરકારનો અને બાગાયત વિભાગના સૌ અધિકારીઓનો આભાર વ્યક્ત કરું છુ.

બાગાયત વિભાગના નાયબ નિયામક દિનેશ પડાલિયા જણાવે છે કે, બાગાયત વિભાગ દ્વારા જીતુભાઈ વસાવાને કોબીજ ઉત્પાદનના હાઈબ્રીડ બિયારણ માટે અનુસુચિત જનજાતિ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત નેશનલ હોર્ટીકલ્ચર મિશન HRT-14 યોજના અંતર્ગત રૂ.12 હજાર તથા વોટર સોલ્યુબલ ખાતર માટે HRT-3 અંતર્ગત રૂ.10 હજારની સહાય એક હેકટર જમીન વિસ્તાર માટે આપવામાં આવી હતી. દિનેશ પડાલીયા વધુમાં જણાવે છે કે, ઉમરપાડા વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાના કારણે બાગાયત ખાતા તરફથી ડ્રીપ ઈરીગેશન માટે પાણીનો ટાંકો બનાવવા માટે પણ HRT-3 અંતર્ગત રૂ. 75,000ની સહાય આપવામાં આવી હતી. જેથી તેમને ખેતી ખર્ચમાં સારી એવી રાહત થઇ છે.

આમ, રાજ્ય સરકાર ખેડૂતો વધુ આવક મેળવી સ્વનિર્ભર બને તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના સારા પરિણામો મળી રહયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp