26th January selfie contest

વાયબ્રન્ટ સમિટમાં સસ્ટેનેબલ ટેક્નોલોજી આધારિત કૃષિ સેમિનાર યોજાશે

PC: knnindia.co.in

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ – 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે હેતુથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ઓછા વ્યાજની લોન સહાય જેવી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ વાળી ગુજરાત સરકાર પણ ખેડૂતોના આર્થિક વિકાસ માટે કટિબદ્ધ છે. ગુજરાતે પણ કૃષિલક્ષી વિવિધ યોજનાઓ-નિર્ણયો થકી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અનેકવિધ કદમ ઉઠાવ્યા છે. જેમાં ખેડૂતોની પ્રગતિ અને કલ્યાણ માટે શૂન્ય ટકાના વ્યાજે પાક ધિરાણ, ખેડૂત અકસ્માત વીમો, ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદી, કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા 23 લાખ મેટ્રિક ટનથી વધારીને વર્ષ 2022 સુધીમાં 30 લાખ મેટ્રીક ટન કરવાનો નિર્ણય, સૌની યોજના, કૃષિ યાંત્રિકીકરણ, સ્કાય યોજના, સુજલામ સુફલામ યોજના, જળ સંચય, સરદાર સરોવર યોજના અને કલ્પવૃક્ષ યોજના જેવી અનેક યોજનાને અમલી બનાવી છે.

ગુજરાતમાં કૃષિ ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ 20 જાન્યુઆરી, 2019 ના રોજ ‘સસ્ટેનેબલ ટેક્નોલોજી ડ્રીવન એગ્રીકલ્ચર ફોર ન્યૂ ઈન્ડિયા’ વિષયક સેમિનારનું આયોજન કરાશે.

રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, “સેમિનારમાં વૈશ્વિક સામાજિક-આર્થિક વિકાસના વિવિધ એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ઉપરાંત દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા તેમજ રાજ્ય અને દેશ દ્વારા વિશ્વના દેશોને ભાગીદારી માટે ઓફર કરવામાં આવેલ વિવિધ તકો પ્રદર્શિત પણ કરાશે”. રાજ્યના કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય અને પરિવહન મંત્રી આર.સી. ફળદુ સત્રમાં વિશેષ સંબોધન કરશે. સેમિનારમાં કૃષિ આધારિત નવીન ટેક્નોલોજી પ્રદર્શિત કરાશે જે ખેડૂતોના ટકાઉ આર્થિક વિકાસ માટે લાભદાયી બનશે. બે સત્રોમાં આયોજિત સેમિનારમાં રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ મુખ્ય વક્તવ્ય આપશે. ઉપરાંત ઉદઘાટન સત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ વિચાર-ગોષ્ઠિ કરશે. આ સત્રમાં વિવિધ દેશો સાથે પરસ્પર સમજૂતી કરવામાં આવશે.

સેમિનારમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત, કૃષિ, ખેડૂતોના કલ્યાણ અને પંચાયતી રાજના કેન્દ્રીય-રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રના ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના સચિવ પુષ્પા સુબ્રમણ્યમ, પશુપાલન, ડેરી, મત્સ્ય અને પરિવહન વિભાગના સચિવ તરૂણ ધર ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર દેશમાં કપાસ, મગફળી, નારંગી, જીરૂ જેવા પાકોના ઉત્પાદનની સાથે સાથે બાગાયત, ડેરી અને મત્સ્યઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પણ ગુજરાત અગ્રેસર છે. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત કરી શૂન્ય ખર્ચ આધારિત ખેતીને બળ આપવા રાજ્ય સરકારે 'કૃષિ માટે ટેક્નોલોજીકલ ઇનોવેશન' પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરીને પાક મેપિંગ પર ભાર મૂકવામાં આવશે. સોઈલ હેલ્થ મેનેજમેન્ટના માઘ્યમથી જમીનનું સંરક્ષણ, ટેક્નોલોજીના ઉપયોગથી જળ વ્યવસ્થાપન, પાક ઉત્પાદનના અંદાજ તેમજ પાક નુકશાની-આકારણીના વિકાસ અને અમલીકરણ માટે એડવાન્સ રીમોટ સેન્સિંગનો તથા પોસ્ટ હાર્વેસ્ટ ટેક્નોલોજી પર વિચાર વિમર્શ થશે.

ઉલ્લેખનીય છે કે, સેમિનારમાં ‘સસ્ટેનેબલ ટેક્નોલોજી ડ્રીવન એગ્રીકલ્ચર ફોર ન્યૂ ઈન્ડિયા’ વિષયક ટેકનિકલ સત્ર અને પેનલ ડિસ્કશન યોજાશે, જેનું સંચાલન નેશનલ રેઈનફેડ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડૉ. અશોક દલવાઈ કરશે. જેમાં ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ ચર્ચા-વિચારણા કરશે. રસના ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર પિરુઝ ખંભાતા, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢી, અદાણી વિલ્મરના સીઈઓ અતુલ ચતુર્વેદી, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દેવાશું ગાંધી સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓએ પોતાની ઉપસ્થિતિ માટે સંમતિ દર્શાવી છે.

નયા ભારતના નિર્માણના વિઝન સાથે ભારત સરકાર દ્વારા દેશની સૌપ્રથમ એગ્રીકલ્ચર-એક્સપોર્ટ પોલિસી 8 ડિસેમ્બર 2018ના રોજ જાહેર કરવામાં આવી છે. આ પોલીસી વિશે ચર્ચા-વિચારણા માટે આ સેમિનાર યોગ્ય ફોરમ બની રહેશે. આ ઉપરાંત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર કે.એસ.રંધાવા, નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના એમડી સંજીવકુમાર ચઢ્ઢા, ઈરમાના ડાયરેક્ટર પ્રો. હિતેશ ભટ્ટ, ભારત બોયોગેસ એનર્જી લિમિટેડના એમડી ભરત પટેલ, નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફૂડ ટેક્નોલોજી એન્ટ્રપ્રિન્યરશિપ એન્ડ મેનેજમેન્ટના ચેરમેન-વાઈસ ચાન્સેલર ડૉ. ચિંદિ વાસુદેવપ્પા અને ગુજરાતના પશુપાલન વિભાગના સચિવ મોહમ્મદ શાહિદ સત્રમાં સહભાગી થશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp