26th January selfie contest

રાજ્ય સરકારનો મોટો નિર્ણય: આ પ્રકારની જમીન આપોઆપ ગણાશે બિનખેતીની જમીન

PC: newsmarathi.in

ગુજરાત રાજ્યમાં અવિરત મળતો સૂર્ય પ્રકાશ તેમજ પવનની પૂરતી ઝડપને ધ્‍યાને લેતાં અહીં પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન માટે વિશાળ તકો રહેલી છે. ગુજરાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ પુનઃ પ્રાપ્ય ઊર્જા ના પ્રોત્સાહન માટે અનેક નવી નીતિઓ બનાવી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે ખુબ મોટી સફળતા મેળવી છે. છેલ્લા 10 વર્ષમાં ચારણકા સોલાર પાર્ક, વીન્ડ પોલીસી, સોલાર પોલીસી, સ્‍કાય અને રૂફટોપ જેવી યોજનાઓ દ્વારા પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદનને એક જન આંદોલન બનાવ્‍યું છે, ત્‍યારે હવે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ વખત એક જ જગ્યા પર પવન ઊર્જા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન થાય એ માટે સોલાર વીન્ડ હાઇબ્રીડ પાર્કની સ્થાપનાની જાહેરાત કરી છે.

આ સંદર્ભે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને ઊર્જા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે, રાજ્યમાં સૌર ઊર્જાની સાથે સાથે જ પવન ઊર્જાનું પણ ઉત્‍પાદન થાય અને બંને પ્રકારની પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદનને એકસમાન પ્રોત્‍સાહન મળે તે માટે રાજ્ય સરકારે વિન્‍ડ સોલાર – હાઇબ્રીડ પોલીસી – 2018 બહાર પાડી છે. આ પોલીસી અંતર્ગત રાજ્યમાં આવનારા 10 વર્ષમાં ઓછામાં ઓછી 30 હજાર મે.વો. પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્‍યો છે. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, જયાં સોલાર પાર્ક છે તે જ જમીનમાં સોલારની સાથે જ પવનચક્કી સ્‍થાપીને પવન ઊર્જા ઉત્‍પન્‍ન કરી શકાશે. આ જ રીતે વિન્‍ડ એનર્જી પાર્ક છે ત્‍યાં જ ખાલી જમીનમાં સોલાર પેનલો મૂકી, સૌર ઊર્જા ઉત્‍પન્‍ન કરી શકાશે. આ પોલીસીના કારણે જમીનની બચત થશે. એટલું જ નહીં પણ સોલાર અને વિન્‍ડ એનર્જી દ્વારા એકજ જમીનનો જુદા જુદા પ્રકારની પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પન્‍ન કરવા ઉપયોગ કરી શકાશે. ઉપરાંત રાજ્યની વણવપરાયેલી બીનઉપજાઉ અને ખરાબાની પડતર જમીનનો રાજ્યના વિકાસ માટે ફળદાયી ઉપયોગ થશે. તેમજ વીજળીના પ્રવહન માટેની વીજ લાઇનોનો પણ તેની મહત્તમ ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરી શકાશે.

રાજ્ય સરકારની આ નીતિ સંદર્ભે મંત્રીએ વધુ માહિતી આપી હતી કે, રાજ્ય સરકાર દ્વારા આવા હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન 40 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવશે. આવા ડેવલપરે 10 વર્ષમાં ભાડાપટ્ટે ફાળવાયેલ જમીન ઉપર તેમના પ્રોજેકટના 100 ટકા ક્ષમતા ઉભી કરી, પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત કરવાની રહેશે.

પાર્ક ડેવલપરને સરકારી જમીનના ઉપયોગ બદલ પ્રતિ હેકટર રૂા.15000/- વાર્ષિક ભાડુ સરકારને ચુકવવાનું રહેશે તથા દર ત્રણ વર્ષે આ ભાડામાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. પાર્ક ડેવલપર આ જગ્યા સબલીઝ કરે તો પણ આ દરો ચુકવવાના રહેશે. વધુમાં, પ્રતિ હેકટર રૂા.15000/- પ્રતિ વર્ષ માળખાકીય સુવિધા માટે ચુકવવાના રહેશે.

તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, હાઇબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજ્ય સરકારે મહત્ત્‍વપૂર્ણ નિર્ણય પણ લીધો છે.

પાર્ક ડેવલપરની પસંદગી માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે. જે પાર્ક ઙેવલપરની પસંદગી તથા અન્ય મહત્વના નીતિવિષયક નિર્ણયો લેશે.

પાર્ક ડેવલપરની પસંદગી કરતી વખતે સમિતિ ડેવલપરની નાણાંકીય ક્ષમતા, રીન્યુએબલ ક્ષેત્રે ટર્નઓવર, નેટવર્થ, ઉત્પાદન ક્ષમતા, તાંત્રિક ક્ષમતા, અનુભવ, ગુજરાતમાં રીન્યુએબલ મેન્યુફેકચરીંગ બેઝ, રીન્યુએબલ ક્ષેત્રમાં ગુજરાતમાં મુડી રોકાણ, રીન્યુએબલ સિવાય ઊર્જા ક્ષેત્રે કરેલ અન્ય કામગીરી વગેરે, ટેક્નોફાઇનાન્સીયલ માપદંડોને ધ્યાને લેશે. ઓછામાં ઓછા 1000 મેગા વોટનું ઉત્પાદન થઇ શકે તેટલી જમીન ફાળવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, ભારત પ્રદુષણમુક્ત તથા સ્વચ્છ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરે. આ પાર્કમાં દેશના કોઇપણ રાજ્ય પોતાના રીન્યુએબલ પાવર પર્ચેઝ ઓબ્લીગેશન પુરા કરવા માટે પોતાના રીન્યુએબલ પ્લાન્ટ સ્થાપી શકશે તથા ઉત્પન્ન થયેલ વીજળી પોતાના રાજ્યમાં લઇ જઇ શકશે. દેશના ઘણાં રાજ્યો એવા છે જ્યાં આ રાજ્યોના ભૌગોલિક સ્થાનના કારણે પવન ઊર્જા કે સૌર ઊર્જા ઉત્પન્ન કરવાનું શક્ય નથી. આ રાજ્યો આ પોલીસી હેઠળ સ્થપાનાર રીન્યુએબલ પાર્કમાં હિસ્સેદાર બની પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન કરી પોતાના રાજ્યોમાં લઇ જઇ શકશે.

કેન્‍દ્ર સરકારની કંપની સેકી – સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા જે દેશભરમાં અન્ય રાજ્યો માટે સૌર ઊર્જા અને પવન ઊર્જા માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરે છે તેને પણ રાજ્યના હાઇબ્રીડ પાર્કમાં જગ્‍યા ફાળવી શકાશે. ભારત સરકારે રીન્યુએબલ પાર્કમાં ઉત્પન્ન થયેલ વીજળી અન્ય જગ્યાએ લઇ જવા માટે જરૂરી ટ્રાન્સમીશન નેટવર્કની સ્થાપના માટેનો સંપૂર્ણ ખર્ચ ભોગવવાની તૈયારી દર્શાવેલ છે.

રાજ્ય સરકારે હાઇબ્રીડ પાર્ક પોલીસી જાહેર કરીને 10 વર્ષમાં 30 હજાર મે.વો. પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત કરવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે, જેમાં પણ સોલાર અને વિન્‍ડ એનર્જીમાં કચ્‍છની ક્ષમતાનો મહત્‍તમ ઉપયોગ કરાશે. મુડી રોકાણ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યુ હતુ કે, 10 વર્ષમાં સ્થપાનાર આ 30 હજાર મેગા વોટના પ્રોજેક્ટ માટે અંદાજે 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાનું મુડી રોકાણ રાજ્યમાં થશે. તદ્ઉપરાંત ઉત્પાદિત થનાર વીજળીને પ્રવહન કરવા માટેની વીજ લાઇનો માટે અંદાજે 10 હજાર કરોડનું મુડી રોકાણ થવાનો અંદાજ છે. જેને કારણે રાજ્યમાં રોજગારીના અનેક અવસરો ઉભા થશે.

ઊર્જા મંત્રીએ ઉમેર્યુ હતું કે, રીન્‍યુએબલ એનર્જી એટ્રેકટીવનેસ ઇન્ડેક્સ 2017 અન્‍વયે ભારત વિશ્‍વમાં બીજા ક્રમે છે. આગામી 2022 સુધીમાં ભારત સમગ્ર વિશ્‍વમાં પુનઃ પ્રાપ્‍ય ઊર્જાના ઉત્‍પાદન ક્ષેત્રે અગ્રેસર બનશે ત્‍યારે રાષ્‍ટ્રના વિકાસ માટે રાજ્યના વિકાસના મંત્રને સાકાર કરી, ગુજરાત પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે શિરમોર બની રહેશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp