26th January selfie contest

સુરત છોડી ગામમાં ખેતી શરૂ કરી ત્યારે લોકો ગાંડો કહેતા, આજે સલામ કરે છે

PC: khabarchhe.com

સુરતના લોકોની વૈભવી જીંદગી જોઈને અમરેલીના તળાજાના ખેડૂત જગદીશભાઈ વઘાસીયા સુરત ગયા હતા. ત્યાં તેમને જીવનની મજા ન આવતાં અને આરોગ્યના પ્રશ્નો ઊભા થતાં તેઓ ફરી પોતાના ગામ સોભાવડ જઈને 2006માં રહેવા લાગ્યા હતા. આજે તેને 14 વર્ષ થયા છે. તેઓ સુરત શહેરને જીવનનું નર્ક કહે છે. તે કહે છે કે હું સુરતના નર્કમાંથી નિકળી હવે ગામના સ્વર્ગમાં રહું છું. નર્કમાંથી સ્વર્ગમાં આવી ગયો છું.

જગદીશભાઈ વઘાસીયા કહે છે કે, ગામ આવીને ખેતી શરૂ કરી હતી. પણ 2010માં ગાય આધારિત ખેતીની ઝૂંબેશ ચલાવતાં મનસુખભાઈ સુવાગીયાની વાતો સાંભળીને બીજા જ દીવસે એક વાછરડી ખરીદીને લાવ્યા હતા. એક વાછરડી પછી આજે 10 વર્ષ પછી તેમની પાસે 60 ગાયો છે.

જગદીશભાઈ વઘાસીયા કહે છે કે, 10 વર્ષથી ગાય આધારીત અને જીવામૃત આધારિત ખેતી કરે છે.

5 ફૂટ ઊંચા ઘઉં

તેમના ખેતરમાં ઘઉં વાવેલા છે. ઘઉંની ઊંચાઈ 4થી 5 ફૂટની થઈ છે. તેમના ઘઊં જોવા માટે અનેક લોકો જોવા આવી રહ્યાં છે. આટલી ઊંચાઈના ઘઉં તો જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓના ખેતરમાં થઈ શકતા નથી. તેથી બધાને આશ્ચર્ય થાય છે કે જગદીશભાઈના ઘઉં આટલા ઊંચા કઈ રીતે થયા છે. ઘઉં પણ 20 કિલોના રૂપિયા 1 હજારના ભાવેથી બુક થઈ ગયા છે. તે ખાવામાં શ્રેષ્ઠ છે. વેચાણ પછી પણ તેઓ સેવા આપે છે.

ઊંચા ઘઊંનું એક જ રહસ્ય છે. જીવામૃત, છાસ, ઉકાળા, ગાયનું છાણ અને ગૌમૂત્ર છે. તેઓ 10 વર્ષથી કોઈ રાસાયણીક ખાતર કે જંતુનાશક દવા છાંટતા નથી.  તેથી જેમની જમીન સજીવ બની ગઈ છે. માટે ઘઉં અને મગફળીનું તેઓ શ્રેષ્ઠ ઉત્પાદન મેળવે છે. તેની મીઠાશ પણ એવી આવે છે.

શરૂઆતમાં કપાસ ઉગાડતાં હતા. પણ પછી ગુલાબી ઈયળ આવતાં તેમણે કપાસની ખેતી છોડી દીધી છે. ખેડૂતો માટે કપાસ એ બરબાદીનું સાધન બની જશે એવું તેમને લાગે છે.

મગફળીનું તેલ

જગદીશભાઈ વઘાસીયા ઔર્ગેનિક મગફળીનું વાવેતર કરીને તેનું જ તેલ કાઢીને લોકોને 15 કિલો ડબાના રૂપિયા 2800ના ભાવે આપે છે. હવે મગફળીના તેલનું અગાઉથી બુકીંગ થઈ જાય છે. 200 મણ મગફળી હતી. મારું તેલ કાઢીને જ માર્કેટીંગ કરું છે.

જીવામૃત

જગદીશભાઈ વઘાસીયા કહે છે કે, બાજરાનો લોટ જીવામૃતમાં ન નાંખવા તેઓ ખેડૂતોને વારંવાર કહે છે. કારણ કે બાજરીનો લોટ જંતુનાશક બનાવવા માટે જ વાપરવો જોઈએ. બાજરીનો લોટ જો જીવામૃતમાં વાપરે તો જીવામૃત ઝેર બની જાય છે. તેથી અસર કરતું નથી. 

200 લિટરના બેરલમાં બાજરીનો લોટ જંતુ દૂર કરવા માટે છાસમાં નાંખીને 10 દિવસ પછી તેનો છંટકાવ તેઓ કરે છે.

જીવામૃત્ત ગાળવું પડે તેથી ખેડૂતોને મુશ્કેલી થાય છે. પહેલાં એક એકરમાં ગાય આધારિત ખેતી શરૂં કરો પછી જ બીજા વિસ્તારમાં કરો. એવું તે દરેક ખેડૂતને કહે છે. આવા અનેક ખેડૂતોએ કર્યું છે.

અંગત ફાયદો

સજીવ ખેતીથી જગદીશભાઈ વઘાસીયાના પરિવારને પારિવાર ફાયદો થયો છે. સાત્વિક જીવન અને સુખી સંસાર તેમને મળ્યો છે. તેમના બે બાળકો 8 વર્ષના હતા ત્યારથી ખેતી કરે છે. ટ્રેકટર ચલાવે છે. આખો પરીવાર સુધ્ધ અને સાત્વિક ખોરાક ખાય છે. બાળકોને ગાયના દૂધ અને સાત્વિક ખોરાકથી ફાયદો થયો છે. તેઓ અભ્યાસમાં હોંશિયાર છે. ક્યારેય 90 ટકાથી નીતે માર્ક નથી આવ્યા. 8 વર્ષના બાળકો હતા ત્યારથી ખેતી કરે છે, ટ્રેક્રટર ચલાવે છે. તેમનું કુટુંબ આધ્યાત્મીક અને ધાર્મિક જીવન જીવે છે.   

ઘીનો ભાવ 2500 રૂપિયા   

તેમની ગાયોનું શુદ્ધ ઘી 2500 રૂપિયના ભાવે ઘરેથી લોકો લઈ જાય છે. મોટા ભાગે શહેરના લોકો તે લે છે.

3 વર્ષ મહેનત કરો 

જગદીશભાઈ વઘાસીયા કહે છે કે, ખેડૂતોને પૈસા અને ભાવ જોઈએ છે પણ શ્રેષ્ઠ ઉત્પાદન અને શ્રેષ્ઠ ગુણવત્તા આપવી નથી. ખેડૂતોને ઓછી મહેનતે વધું પૈસા જોઈએ છે. મહેનત વગર રૂપિયા જોઈએ છે. તે બરાબર નથી. ખેડૂતોએ મહેનત તો કરવી જ પડે છે. 3 વર્ષ પછી ઉત્પાદન વધશે, ખેતી ખર્ચ અડધુ થઈ જશે. દવા અને ખાતર ખરીદવા નહીં પડે. તમારું ખેતર જ ખાતરની ફેક્ટરી અને જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી બની જશે. તમે તમારા રાજા હશો.

27 વીઘા જમીન

તેમની પાસે પોતાની 27 વીઘા અને ભાડે પડ્ડેથી 15 વીઘા જમીન પર ખેતી કરે છે.

બંસી ઘઊં

વીઘે 35 મણ બંસી જાતના ઘઉંનું ઉત્પાદન મળશે. ગયા વર્ષે પાણી ન હોવાથી 22 મણ ઘઉં થયા હતા. ગયા ચોમાસામાં મગફળીનું ઉત્પાદન વીઘે 20 મણ થયું હતું. ઘઉં નીંદામણનું માત્ર 4 હજારનું ખર્ચ થયું છે. તે શિવાય બીજું કોઈ ખર્ચ થયું નથી.

ગોળ

શેરડીનો ગોળ બનાવીને વેચે છે. પોતાનું જ પેકીંગ ગ્રાહકોને સીધું આપવું જોઈએ એવું તેઓ માને છે.

બિયારણો પોતાના

તેઓ પોતાના ખેતરના જ બિયારણો વાપરે છે. બજારમાંથી તેઓ બિયારણ ખરીદ કરતાં નથી. મગફળી, ઘઉં, શેરડી, કઠોળ, અનાજ જેવા તમામ બિયારણ પોતાના ખેતરના જ વાપરે છે.

હું ગાંડો નથી

10 વર્ષ પહેલાં મેં સજીવ ખેતી શરૂ કરી ત્યારે લોકો મને ગાંડો કહેતા હતા. મગજ વગરનો કહેતા હતા. આવી રીતે ખેતી ન થાય એવી શિખામણ આપતાં હતા. પણ હવે લોકો મારા ખેતરે ખેડૂતો અને સરકારી અધિકારીઓ પાક જોવા આવે છે. રાજ્ય સરકારે પણ તેની ખેતીની નોંધ લીધી છે. તે કહે છે કે, ખેડૂતોને નવું કરવું નથી. 3 વર્ષની મહેનત કરે તો ખેતીનો ખર્ચ માંડ 10 ટકા થઈ શકે છે. હજું મારી જેમ બીજા ખેડૂતો ખેતી કરતા નથી. જોકે, ગાય ઘણાં લોકોએ લીધી છે. પણ 5 વર્ષમાં ખેડૂતોએ આ પદ્ધતિ જ અપનાવવી પડશે. કારણ કે તેમને મોંઘી દવા, ખાતર અને મજૂરી પરવડે તેમ નથી.

કનુભાઈ કળસરીયાની ઝૂંબેશ

પૂર્વ ધારાસભ્ય કનુ કળસરીયાની હોસ્પિટલથી સજીવ ખેતીનો પ્રચાર થાય છે. તેમાં જગદીશભાઈ વઘાસીયાની ખેતી અને પ્રયોગોનો તેઓ સૌથી વધું પ્રચાર કરી રહ્યાં છે. કનુભાઈનો ખ્યાલ એવો છે કે લોકો બિમાર જ ન પડવા જોઈએ. બિમાર પડે તો જ દવાખાનાનું ખર્ચ કરવું પડે. તેથી શુદ્ધ અને રસાયણો વગરનો ખોરાક લેવા તેઓ પ્રચાર કરે છે.

દંતમંજન

જગદીશભાઈ વઘાસીયાએ અનોખું દંતમંજન બનાવ્યું છે. 40 રૂપિયાની ડબ્બી વેચે છે. રોજ 200 ડબ્બી વેચાય છે.  ગયા વર્ષે રૂપિયા 1.75 લાખનું વેચાણ કરેલું હતું. તેઓ ગોબર સુકવીને તેને કોલસો બનાવી બીજા ઓસડીયા નાંખી દળી નાંખે છે. દંત મંજન બનાવે છે.

એક એકરથી શરૂ કરો

જગદીશભાઈ વઘાસીયા સલાહ આપતાં કહે છે કે, ખેડૂતોએ એક એકરથી સજીવ ખેતી શરૂ કરવી જોઈએ. આખું ખેતર સજીવ ખેતીમાં ન લઈ જતાં જ્યાં ચોમાસાના વરસાદનું બહારનું પાણી ન આપે તે રીતે ખેતરના ઉપરના ભાગે ખેતી શરૂ કરવી જોઈએ. જમીન સજીવ થઈ ગઈ. છાણીયું ખાતર અને પંચામૃત્ત વાપરો. રાસાયણીક ખાતર બંધ કરી દેવું જોઈએ. ડીએપી નાંખવાના બદલે પંચામૃત્ત બનાવીને નાંખો તમાનો અડધો ખર્ચ થઈ જશે. સજીવ ખેતીની પહેલા એક એકરમાં શરૂં કરો પછી સારું લાગે તો આખા ખેતરમાં કરો.

મહેનત કરો

ખેડૂતોને ખર્ચ ઘટાડવો છે, પણ તેમની હિંમત ચાલતી નથી. પેસ્ટીસાઈઝ નાંખવું નથી, પણ જીવામૃત્ત વાપરવું નથી. ખેડૂતોને ઝડપથી પૈસાવાળું થવું છે, પણ તેમ કરવાના બદલે તેમણે મહેનત કરવી જોઈએ. હવે કાપસ ઉગાડવાનું ખેડૂતોએ બંધ કરી દેવું જોઈએ. નહીંતર તે પતનનું કારણ બની શકે છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp