ગુજરાતમાં ફૂલોનું ઉત્પાદન તળીયે કેમ છે, જાણો મુખ્ય કારણ

PC: amazonaws.com

ગુજરાતમાં ફૂલોનો જેટલા પ્રમાણમાં વપરાશ છે તેટલા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી પરિણામે ફૂલોની આયાત કરવી પડે છે. અનુકૂળ હવામાન છતાં પાકના બગાડના કારણે રાજ્યમાં ફૂલોનું ઉત્પાદન ઓછું થાય છે. ગુજરાત સરકારે કૃષિ સેક્ટરને મહત્ત્વ આપ્યું હોવા છતાં ફ્લોરીકલ્ચરના ઉત્પાદનમાં રાજ્યના ખેડૂતોને અન્ય રાજ્યની તુલનાએ સફળતા મળી શકી નથી. દેશમાં આજે પણ ફૂલોના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તામિલનાડુ જેવા રાજ્યો ટોચ પર છે, જ્યારે ગુજરાતની ગણતરી તળીયેથી કરવી પડે તેવી છે.

ભારતના કૃષિ મંત્રાલયના એક સર્વેક્ષણ પ્રમાણે બે પ્રકારના ફૂલોના ઉત્પાદન પૈકી કટ ફ્લાવરનું સૌથી વધુ 27 ટકા વિક્રમી ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. ત્યારબાદ 13 ટકા સાથે કર્ણાટક અને 11 ટકા સાથે ઓરિસ્સાનો નંબર આવે છે. ગુજરાતમાં ફૂલોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ નથી. નિકાસની વ્યવસ્થા નથી. ખેડૂતોને મોટું બજાર મળતું નથી. લાંબા અંતરે ફૂલો લઈ જવા વાહનની પણ વ્યવસ્થા નથી પરિણામે ખેડૂતો ફૂલોની ખેતી કરતાં ખચકાય છે.

કટ ફ્લાવરમાં ગુજરાત રાજ્યનું સ્થાન નકશામાં નથી, બીજી તરફ લુઝ ફ્લાવરના ઉત્પાદનમાં તામિલનાડુ 19 ટકા હિસ્સા સાથે પ્રથમ છે. કર્ણાટકનો હિસ્સો 12 ટકા તેમજ મધ્યપ્રદેશનો હિસ્સો 11 ટકા જોવા મળે છે. લુઝ ફ્લાવરની કેટેગરીમાં ગુજરાતનો નંબર 9 ટકા સાથે પાંચમો રહ્યો છે. ગુજરાત સરકારના કૃષિ અહેવાલ પ્રમાણે ફૂલોનો વાવેતર વિસ્તાર માત્ર 0.18 લાખ હેક્ટર જોવા મળે છે, જેમાં 1.70 લાખ મેટ્રીક ટન ફૂલોનું ઉત્પાદન થાય છે. સરકારે બનાવેલા એકશન પ્લાનમાં પણ 2019 સુધીમાં ફૂલોનો વાવેતર વિસ્તાર વધીને 0.20 લાખ હેક્ટર થાય તેમ છે અને તેમાં ફૂલોનું ઉત્પાદન 2.02 લાખ મેટ્રીક ટન અંદાજવામાં આવ્યું છે.

ગુજરાતમાં જિલ્લાની કેટેગરી પ્રમાણે જોઈએ તો- ફ્લાવરના ઉત્પાદનમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતે મેદાન માર્યું છે. ગુલાબની ખેતી માટે આણંદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લા મશહૂર છે. ગલગોટામાં પણ વડોદરા ઉપરાંત ગાંધીનગર, નવસારી, ભરૂચ અને ખેડા જિલ્લાનો દબદબો છે. મોગરામાં અમદાવાદ જિલ્લો ટોચ પર છે. એ સાથે ભરૂચ, ખેડા, વડોદરા અને દાહોદનો નંબર આવે છે. લીલીના ઉત્પાદનમાં નવસારી જિલ્લો અગ્રક્રમે છે. લીલીનું ઉત્પાદન આણંદ, વલસાડ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં પણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp