મહેસાણા જિલ્લામાં રવિ વાવેતર ઘટવાની શક્યતા

PC: prameyanews7.co

મહેસાણા જિલ્લામાં આ વર્ષના નબળા ચોમાસાની સીધી અસર શિયાળુ ખેતી ઉપર પડવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે. કારણ કે આ વર્ષે ચોમાસામાં મહેસાણા જિલ્લાના દસ તાલુકામાં સરેરાશ વરસાદ કરતા ચાલીસ ટકા વરસાદ ઓછો નોંધાયો છે. આથી રવિ સિઝનમાં મુખ્ય ગણાતા ઘઉં અને રાયડાનું વાવેતર ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ હાલમાં લાગી રહી છે. મહેસાણા જિલ્લામાં કુલ 1.76 લાખ હેક્ટરમાં સરેરાશ રવિ સિઝનનું વાવેતર થાય છે, જેની સામે હજુ સુધી ફક્ત 86,363 હેક્ટરમાં રવિ વાવેતર સરકારી દફતરે નોંધાયું છે.

નબળા ચોમાસાની સીધી અસર ચાલુ સાલે રવિ સિઝન ઉપર જોવા મળે એવી શક્યતાઓ લાગી રહી છે. નબળા ચોમાસાના કારણે રવિ વાવેતર હજુ સુધી ફક્ત 50 ટકા સુધી જ પહોંચી શક્યું છે. રવિ પાકમાં ભેજવાળું વાતાવરણ અત્યંત જરૂરી માનવામાં આવે છે, ત્યારે ઓછા વરસાદની અસર ખેતી ઉપર વર્તાઈ રહી છે. આથી શિયાળુના મુખ્ય પાક ગણાતા ઘઉં, તમાકુ, રાઈ અને બટાકા જેવા મુખ્ય પાકોના વાવેતર સાથે ઘાસચારાનું પણ વિશેષ વાવેતર થયું છે. જો કે ગત વર્ષે રવિ પાક ના વાવેતર સામે ચાલુ સાલે રવિ પાકનું વાવેતર પ્રમાણમાં ઘણું ઓછુ નોંધાયું છે.

ચોમાસાની સીધી અસરની સાથે શિયાળુ પાક માટે અતિ મહત્વની માનવામાં આવતી ઠંડી પણ મોડે-મોડે શરૂ થઈ હોવાનું ખેતીવાડી વિભાગ માની રહ્યું છે. આથી ચાલુ વર્ષે રાયડા અને ઘઉંનું વાવેતર ઘટ્યું છે અને સરેરાશ વાવેતરના પ્રમાણે રવિ સિઝન દરમિયાન પણ મુખ્ય રવિ પાક એવા રાયડો અને ઘઉંનું વાવેતર ઘટી શકે છે.

ચોમાસાની અસર અને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ ન હોવાથી રવિ વાવેતર ઓછું થવાની સાથે પાક પદ્ધતિ પણ બદલાવવાનું ખેતીવાડી વિભાગ માની રહ્યું છે. રાયડા અને ઘઉંનું વાવેતર ઘટશે તેની સામે ઘાસચારનું વાવેતર વધવાની શક્યતાઓ રહેલી છે. જોકે સરેરાશ રવિ વાવેતર કરતા ચાલુ વર્ષે વાવેતર ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ નકારી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp