26th January selfie contest

10 દિવસમાં જાણો કેટલા સુરતીઓએ હુનર હાટની મુલાકાત લીધી, કરોડો રૂપિયાની ખરીદી થઈ

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું હતું કે, સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.11 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા 'હુનર હાટ' સુરતીઓના અદ્દભૂત પ્રતિસાદ સાથે પુર્ણ થયો. ભવ્ય ઉદ્દઘાટનથી શરૂ કરી આજે સુરતીઓના પ્રેમ સાથે સમાપન પામેલા 'હુનર હાટ'ની લાખો સુરતવાસીઓએ મુલાકાત લઈ કરોડો રૂપિયા ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ ઓનલાઈન ઓર્ડર આપીને પણ ચીજવસ્તુઓ ઘર બેઠા મંગાવી હતી. સુરતમાં પ્રથમ વખત આયોજિત આ 'હુનર હાટ'ના સ્ટોલધારકો, કલાકારીગરો, શિલ્પકારોને અઢળક ખરીદી કરીને તેમજ વિવિધ વ્યંજનોનો આસ્વાદ માણીને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત સર્કસના કાર્યક્રમો, સાંજના સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પૂરા ઉત્સાહ અને જોશથી ભાગ લઈને 'હુનર હાટ'ને ભરપૂર સમર્થન આપ્યું હતું. 10 દિવસ દરમિયાન આસ્શ્રે 17 લાખ લોકો વનિતા વિશ્રામ પહોંચ્યા અને કરોડો રૂપિયાની ખરીદી તેમજ ઓનલાઈન ઓર્ડર બુક કરાવ્યા હતાં.

 10 દિવસીય 'હુનર હાટ'માં દેશભરમાંથી કલાકારો, શિલ્પકારો અને કારીગરોના 300 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં 2 ફૂડ કોર્ટમાં 60 સ્ટોલનો સમાવેશ થાય છે. એક તરફ, જ્યાં ઘરની રોજિંદી જરૂરીયાતની વસ્તુઓના સ્ટોલ લોકોને આકર્ષિત કરી રહ્યા હતા, ત્યાં ફૂડ કોર્ટ પણ વિવિધ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા ફૂડ સ્ટોલધારકોની સ્વાદિષ્ટ પરંપરાગત વાનગીઓ લોકોની પ્રથમ પસંદ બની હતી. લોકોએ વિવિધ પકવાનોની ખૂબ મજા માણી.

હુનર હાટના સમગ્ર કેમ્પસમાં સ્વચ્છતા જાળવવા માટે 200 સફાઈ કામદારોને તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 200 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરાયા હતા. કાર્યક્રમના સ્થળ નજીક પાર્કિંગની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. હુનર હાટમાં, આયોજક સમિતિના 10 લોકો સ્ટોલની દરેક ગલીમાં હાજર હતા, જેઓ દુકાનદારો અને સામાન્ય લોકો સાથે સંપર્ક અને મદદમાં ખડેપગે હતા. વનિતા વિશ્રામ કોલેજની 20 વિદ્યાર્થીનીઓએ હુનર હાટમાં સ્વયંસેવકો તરીકે ફરજ નિભાવી હતી. માસ્ક અને સેનિટાઈઝરની ખાસ કાળજી રાખવામાં આવી હતી. માસ્ક વગર પ્રવેશ લેનાર લોકોને આયોજકો દ્વારા માસ્ક આપવામાં આવ્યા હતા, વિવિધ સ્થળો પર સેનિટાઈઝરની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાથી પણ સતત દેખરેખ રાખવામાં આવી હતી. ક્યાંય કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી.

ધીમે ધીમે અદૃશ્ય થઈ રહેલા સર્કસના ચલણને પુનર્જીવિત કરવા અને સર્કસના ખેલોને પુનઃસ્થાપિત કરવા માટે રેમ્બો સર્કસના કલાકારોએ અદ્દભુત પરાક્રમો કરીને સુરતવાસીઓનું મનોરંજન કર્યું હતું. સાંજે સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના નામાંકિત કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. સુરેશ વાડેકર, પંકજ ઉધાસ, અમિત કુમાર, સુદેશ ભોંસલે, અલ્તાફ રાજા, ભૂમિ ત્રિવેદી અને અન્નુ કપૂર જેવી બોલીવુડની ખ્યાતનામ હસ્તીઓએ પોતાની કલાકસબ પ્રસ્તુત કર્યા હતાં. ઐતિહાસિક સિરીયલ મહાભારતના પ્રસિદ્ધ અભિનેતા પુનિત ઈસ્સાર, ગૂફી પેન્ટલ, સુરેન્દ્ર પાલ અને અન્ય કલાકારો દ્વારા મહાભારતનું જીવંત મંચન કરવામાં આવ્યું હતું. ક્રાફ્ટ, ક્યુઝીન અને કલ્ચરના સંગમ સમા હુનરબાજો અને કૌશલ્યકુબેરોમાં સમગ્ર ભારતની ઝલક જોવા મળી હતી, હુનર હાટ દ્વારા હસ્તકલા, ભોજન અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp