લ્યો હવે રાજ્ય કલાકુંભ યોજાશે, કલાકારો તૈયાર થઇ જાવ

PC: kumarans.org

રાજ્ય સરકારે રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા-સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ-અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલી કૃતિઓની તાલુકા કક્ષાએથી શરૂ કરીને તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પેર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્યકલા મહાકૂંભનું આયોજન કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે.

રાજ્યમાં ચાર કક્ષાએ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવશે તેમાં તાલુકા કક્ષાએ કે નગરપાલિકા, મહાનગર પાલિકાના વોર્ડ, સમૂહ ઝોન, જિલ્લા કક્ષાએ, પ્રાદેશિક કક્ષાએ અને રાજ્યકક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. આ કલા મહાકૂંભ ૧૦ વર્ષથી નાના કલાકારો, ૧૧ થી ર૦ વર્ષ સુધીની વયજૂથના અને ર૧ વર્ષ ઉપરના ઓપન જૂથના કલાકારો એમ ત્રણ વય જૂથ માટે યોજવામાં આવશે. આ મહાકૂંભ માટે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની માર્ગદર્શન સમિતિ રચવામાં આવી છે, જેમાં શિક્ષણ રાજ્યમંત્રી ઉપરાંત સંબંધિત અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

આ માર્ગદર્શક સમિતિના સભ્યસચિવ પદે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર રહેશે. આ ઉપરાંત આ કલા મહાકૂંભના આયોજન માટે રાજ્ય સરકારે રમગ-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિની પણ રચના કરી છે. આ જ રીતે પ્રદેશ અને જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને અમલીકરણ સમિતિની રચના કરવામાં આવશે. આ ઉપરાંત જે તે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની અમલીકરણ સમિતી કાર્યરત રહેશે.

કલા મહાકુંભમાં ભાગ લેવા માટેનું અરજીપત્ર તથા રજીસ્ટ્રેશન વગેરેની માહિતી જેતે જિલ્લાના રમતગમત અધિકારીની કચેરીમાંથી મળી રહેશે. આ કલા મહાકુંભમાં કુલ ૨૦ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ ત્રણ વય જુથમાં સમાવેશ કરાશે. ભાઇ-બહેનો માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

આ કલા મહાકુંભમાં સુગમ સંગીત, ગીત, શાસ્ત્રીય કંઠય સંગીત, લોક ગીત, ગરબા, રાસ, ભરતનાટ્ટ્યમ, કથ્થક, લોક નૃત્ય, વાંસળી, તબલા, હાર્મોનિયમ, પખાવજ, ઓરગન, વાયોલીન, ગીટાર, સિતાર, સ્કુલ બેન્ડ, મૃદંગમ, એકપાત્રીય અભિનય નો સમાવેશ થાય છે. પ્રદેશ કક્ષાએ તમામ જિલ્લા કક્ષાના પ્રથમ નંબરના વિજેતા ભાગ લેશે, જ્યારે રાજ્યકક્ષામાં પ્રથમ અને દ્વિતિય ક્રમ મેળવનાર વિજેતાઓ ભાગ લેશે. જિલ્લા, રિજિયોનલ અને રાજ્યકક્ષાના વિજેતા કલાકારોનું રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરએ યાદીમાં જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp