26th January selfie contest
BazarBit

ગુજરાતમાં અહીં 1000 કરોડના ખર્ચે 25 એકરમાં બુદ્ધનગર બનશે

PC: khabarchhe.com

રાણીની વાવ નજીક 25 એકર જમીનમાં રૂ.1000 કરોડના ખર્ચે બુદ્ધનગર બનશે. નેપાળ અને ભૂતાનથી બૌદ્ધિસ્ટ વિજય સિંઘ અને શંકર મહાર્જને પાટણની મુલાકાત લીધી હતી. બુદ્ધ વિહાર, ધ્યાન યોગ કેન્દ્ર, 51 ફૂટની બુદ્ધ પ્રતિમા, આધુનિક હોલ, આંતરરાષ્ટ્રીય બુદ્ધિજમ શોધ કેન્દ્ર, બગીચો , બુદ્ધિજમ વિશ્વ વિદ્યાલય, શાળા બનશે.

પણ 2009માં 10 વર્ષ પહેલાં ભાજપની મોદી સરકારે બનાવેલી અગાઉની બુદ્ધ સર્કિટ અને બુદ્ધની યોજના કેમ અભેરાઈએ મૂકી દેવામાં આવી છે તેનો ફોડ પાડવામાં આવ્યો નથી. 

બૌદ્ધ સર્કિટનું નિર્માણ કરવા અને પાટણ ખાતે બૌદ્ધ ધર્મના ધર્મગુરુ દલાઈ લામાની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બુદ્ધિજમ કોન્ફરન્સ બોદ્ધ ધર્મનાં આંતરરાષ્ટ્રીય ધર્મ ગુરુઓ, એક લાખ ભક્તગણ લોકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય બુદ્ધિજમ કોન્ફરન્સ યોજાશે.

કાલ ચક્ર પુજા 1 મહિના સુધી પાટણમાં યોજવા વિચારણા છે. ગુજરાત કક્ષાએ બુદ્ધ સર્કીટ ઉત્તર ગુજરાતમાં ઉત્ખનન દરમ્યાન મળેલ બૌદ્ધ અવશેષોના સ્થળો વડનગર, તારંગા, દેવની મોરી વિગેરે સમાવવા નક્કી કરાશે.

પ્રોજેક્ટનું ડિજિટલ અને ડિઝાઇનનું કામ ઈટલીની કંપની કરશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્થાઓ અને રાજ્ય અને કેન્દ્ર સરકારના આર્થિક સહયોગ મેળવાશે. ભીલડીનું રેલવે સ્ટેશન બની શકે તેમ છે. પણ હજુ બન્યું નથી.

હિંમતનગર ભૂલી જવાયું

હિંમતનગરના શામળાજી ખાતે ભગવાન બુદ્ધનો દાંત જ્યાંથી મળ્યો હતો તે દેવની મોરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવની જાહેરાત મોદીએ કરી હતી. પણ હવે આ કામ સરકાર ભૂલી ગઇ છે. અહીં ખોદકામ દ્વારા એક દાબડામાં ભગવાન બુદ્ધનો દાંત મળ્યો હતો. તેથી ગુજરાત અને વિશ્વનો ઈતિહાસ બદલાયો હતો. વિશ્વમાં માત્ર પાંચ સ્થળે જ ભગવાન બુદ્ધના આવા શારીરિક ભાગ મળ્યા છે, તે પૈકીનું દેવની મોરી એક છે. આર.એન. મહેતાએ ૧૯૫૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નેજા હેઠળ ઉત્ખનન કર્યું ત્યારે આ દાંત મળી આવ્યો હતો.

સમિતિનું શું થયું ?

બુદ્ધ સર્કિટ અંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તજજ્ઞોની સમિતિ રચાઈ હતી, જેમાં વેન લામાં લોબઝંગ (સેક્રેટરી જનરલ, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન) અને ડો. હર્ષાકુમાર નવરત્ને (શ્રીલંકા, ડેપ્યુટી સેક્રેટરી જનરલ, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન) સભ્ય હતા.  આ સમિતિમાં સરકારના પાંચ અધિકારી અને એક ખાનગી આર્કિટેક્ટની નિયુક્તિ ઉદ્યોગ અને ખાણ વિભાગે કરી હતી.

ગુજરાતનાં પ્રાચીન કાપડ ઉદ્યોગની સાબિતી

કપાસ અને રેશમમાંથી બનેલું કાપડ દેવની મોરીના કાસ્કેટ-પથ્થરના દાબડામાંથી મળ્યું હતું.  એ જમાનામાં કાંતવાના સાધનો હતા, સીવવાની સોય હતી. 1700 વર્ષ પહેલાં ગુજરાતમાં કાપડ ઉદ્યોગ ધમધમતો હતો. આ પરથી જણાય છે. ગુજરાતનો 1700 વર્ષના ઈતિહાસનો આ પ્રથમ પુરાવો છે કે, જ્યાં કાપડ મળ્યું હોય. જે ગુજરાતમાં બનતું કાપડ વિશ્વમાં અનેક સ્થળે મોકલાતું હોવાનું પ્રસ્થાપિત કરે છે. અહીંથી કપડા પહેરેલાં હોય તેવા શિલ્પો મળ્યા છે.

વર્લ્ડ ક્લાસ બુદ્ધ મંદિરનો પ્રોજેક્ટ

નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી-2013માં જાહેર કર્યું હતું કે, શામળાજી ખાતે વિશ્વ કક્ષાનું બુદ્ધનું ટેમ્પલ બનાવવામાં આવશે. હવે દેવની મોરી પણ ભૂલાઈ ગયું છે.

આંતરરાષ્ટ્રીય કરાર

આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન અને ગુજરાત સરકાર વચ્ચે 12 જાન્યુઆરી 2015ના રોજ ટૂરિસ્ટ સર્કિટ બનાવવા સમજૂતી કરાર થયા હતા.

13 સ્થળ પ્રવાસન જાહેર

ગુજરાતમાના તેર જેટલાં સ્થળોને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વર્લ્ડ-ક્લાસ પર્યટનસ્થળ તરીકે એકરૂપતા સાથે વિકસાવી બુદ્ધિસ્ટ પ્રવાસન સર્કિટ બનાવવાની હતી. જેમાં દેવની મોરી,  જૂનાગઢના ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાના મહેલ, અશોકના સ્તંભ માર્ગ, ગીર સોમનાથની સાના ગુફાઓ, પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ, ભરૂચનો કડિયા ડુંગર, કચ્છની સિયોત ગુફાઓ, ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ, રાજકોટની ખંભાલિડા ગુફાઓ, વડનગરના બુદ્ધિસ્ટ સ્થળો, મહેસાણાના તારંગા હિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓનો સમાવેશ હતો. 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp