પરંપરાગત હસ્તકલા-હાથશાળ કારીગરીને વૈશ્વિક મંચ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે પરંપરાગત હસ્તકલા-હાથશાળ કારીગરીને સમયાનુકુલ બદલાવ સાથે વૈશ્વિક મંચ આપવા ગુજરાત સરકાર સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓના નિર્માણ માટે પ્રતિબધ્ધ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની ભાતીગળ હસ્તકલા હાથશાળ કારીગરીના ગ્રામીણ કુશળ કારીગરો-કસબીઓને સ્વનિર્ભરતાના અવસરો આપવા સરકારે રૂ. 4પ0 કરોડ કુટિર અને ગ્રામોદ્યોગ તહેત બજેટમાં ફાળવ્યા છે.

મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરમાં ગરવી ગુર્જરી-ર018 આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનો પ્રારંભ કરાવતાં આ પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

આ મીટમાં હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના 100થી વધુ આંતરરાષ્ટ્રીય બાયર્સ ર00થી વધુ રાષ્ટ્રીય બાયર્સ, 1પ0થી વધુ એકઝીબીટર્સ-કારીગરો 3 થી 6 ઓગસ્ટના ચાર દિવસ સુધી હસ્તકલા-હાથશાળના વિવિધ પાસાંઓ અંગે પરામર્શ, બી-ટુ-બી મિટીંગ, સેમિનાર તથા પ્રદર્શની-વેચાણમાં સહભાગી થવાના છે.

CM વિજય રૂપાણીએ આ અવસરે ગરવી ગુર્જરીના ઉત્પાદનોની ઓન લાઇન વેચાણ માટેની એપ અને સાઇટનું પણ લોન્ચીંગ મંત્રી જયેશ રાદડીયા, રાજ્યમંત્રી વાસણ આહિર, વિભાવરીબહેન દવેની ઉપસ્થિતીમાં કર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની હસ્તકલા-હાથશાળ કારીગરી વિવિધતાથી ભરપૂર છે. કચ્છ-જામનગરની બાંધણી, પાટણના પટોળા, કચ્છી ભરતકામ, રોગાન પેન્ટીંગ, પિઠોરા ચિત્રકલા આવી અનેકાનેક બેનમૂન કારીગરીએ વિશ્વમાં ગુજરાતની કલા-સંસ્કૃતિને ઊજાગર કરી છે.

તેમણે વિશ્વાસ દર્શાવ્યો કે, આ બાયર સેલર મીટ રાજ્યના નાના-ગ્રામીણ કારીગરો માટે એક ઉત્તમ મંચ બનશે અને તેમની ચીજવસ્તુઓને વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.

મુખ્યમંત્રીએ આ મીટ ગુજરાતના વેચાણકારો અને ઇન્ટરનેશનલ ખરીદદારો બેય માટે વિન-વિન સીચ્યુએશન બનશે તેમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યું કે, બી-ટુ-બી મિટીંગને પરિણામે નેટવર્કીંગનો પણ વ્યાપક લાભ અને અવસરો ગ્રામીણ કારીગરોને ઘર આંગણે બેઠા પ્રાપ્ત થશે.

CM વિજય રૂપાણીએ આ પરંપરાગત અને પેઢીગત વ્યવસાયનો વારસો હવેની યુવા પેઢી જાળવી રાખે સાથોસાથ ઇન્ટરનેટ, ગુગલ જેવા માધ્યમોથી વિશ્વના પ્રવાહોને અનુરૂપ ઇનોવેશન્સ અને ઉત્પાદનોમાં ચેન્જ લાવે તે સમયની માંગ છે તેમ પણ યુવા હસ્તકલા કારીગરોને પ્રેરણા આપતાં જણાવ્યું હતું.

ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અન્વયે ગ્રામીણ પરંપરાગત વ્યવસાયો-હસ્તકલા કારીગરોને 6 ટકા વ્યાજ સબસીડી યોજનાની ભૂમિકા પણ તેમણે આપી હતી.

CM વિજય રૂપાણીએ આદિજાતિ બંધુઓના હસ્તકલા ઉત્પાદનોના વેચાણ માટે વાયબ્રન્ટ સમિટમાં એમેઝોન સાથે થયેલા MoUની વિશેષતાઓ પણ સમજાવી હતી.

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ભૂતાન, દૂબઇ, ચાયના, યુ.કે.ના વિવિધ વ્યવસાયકારોએ ગુજરાત હેન્ડલૂમ હેન્ડીક્રાફટ કોર્પોરેશન સાથે MoU પણ કર્યા હતા.

કુટિર ગ્રામોદ્યોગ મંત્રી જયેશ રાદડિયાએ ઈન્ટરનેશનલ બાયર સેલર મીટનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, હાથશાળ અને હસ્તકળા ક્ષેત્રે ગ્રામ્યસ્તરે કામ કરતા કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે ત્યારે આપણી પરંપરાગત કળા તેમજ વારસો ચોક્કસ વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થશે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગ્રામ્યસ્તરે કારીગરોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે કારીગરોને ઉચ્ચકક્ષાની તાલીમ તેમજ ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે અનેકવિધ યોજનાના લાભો સરકારે પૂરા પાડ્યા છે.

રાદડિયાએ ઉમેર્યું કે, રાજયમાં હસ્તકળા અને હાથશાળ ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે ત્યારે આ કળાના આદાન પ્રદાન માટે આ બાયર સેલર મીટ અનેરૂ માધ્યમ બની રહેશે. હસ્તકળાના કારીગરો સ્વ મહેનતથી આગળ વધી રહ્યાં છે ત્યારે, રાજય સરકાર પણ આવનારા સમયમાં તેમના માલના વેચાણ માટે તેમજ વધુ ઉત્પાદન માટે પૂરતો સહયોગ આપીને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડશે.

કુટિર અને ગ્રામોદ્યોગ સચિવ સંદિપકુમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજ તા.3જી ઓગસ્ટથી 6ઠ્ઠી ઓગસ્ટ સુધી યોજાનાર આ ઈન્ટરનેશનલ બાયર સેલર મીટમાં વિશ્વના 20 જેટલાં દેશોમાંથી 100 બાયર્સ તેમજ દેશભરમાંથી 200 નેશનલ બાયર્સ ભાગ લઈ રહ્યાં છે. 150 જેટલા કલાકારો દ્વારા તેમના હસ્તકળા અને હાથશાળના વિવિધ ઉત્પાદનો પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા છે. ઓનલાઈન વેબ પોર્ટલના માધ્યમથી આજે ગરવી ગુર્જરી એક વૈશ્વિક ઓળખ બની છે.

ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમ લિમીટેડના એમ.ડી. એ.કે.જહાએ આભારવિધિ કરીને તમામને ઈન્ટરનેશનલ બાયર સેલર મીટની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમના ચેરમેન શંકર દલવાડી, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાનના ચેરમેન દલસુખ પ્રજાપતિ અને ગુજરાત ગ્રામ્ય ઉધોગ બજારના ચેરમેન મેઘજી કણઝારીયા, હાથશાળ અને હસ્તકળા સાથે જોડાયેલા કારીગરો સહિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp