નવરાત્રીના તહેવારમાં ગોધરાના મુસ્લિમોનો શું ફાળો છે, જાણો

PC: BBC

જ્યારે પણ નવરાત્રીની વાત કરવામાં આવે ત્યારે ગરબા અને દાંડિયાનો ઉલ્લેખ થયા વગર ન રહે. નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘરમાં ઘટસ્થાપન અંગે તૈયારીઓ થઈ રહી છે. આ વર્ષે કોઈ મોટા આયોજન નથી એટલે આમ તો અનેક નાના-મોટા ઉદ્યોગને માઠી અસર થતી છે. એમાંથી માટીના ગરબા અને દાંડિયા બનાવતા નાના ઉદ્યોગ પણ બાકાત નથી.

ગુજરાતના ગોધરા જિલ્લામાં મોટાપાયે દાંડિયા તૈયાર કરવાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે. અહીંના મુસ્લિમ ભાઈઓ તનતોડ મહેનત કરીને દાંડિયા તૈયાર કરે છે. માત્ર ગુજરાતના જ જિલ્લાઓમાં નહીં પણ દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં દાંડિયા તો ગોધરામાંથી જ તૈયાર થઈને જાય છે. ઓખાથી લઈને અમેરિકા સુધી ગોધરાના કારીગરોએ તૈયાર કરેલા દાંડિયાથી ગરબા રમાય છે. દાંડિયા બનાવતા કારીગર અબ્દુલભાઈ કહે છે કે, અમે અમેરિકાને દાંડિયા પૂરા પાડીએ છીએ. નવરાત્રીને ગુજરાતીઓનો પ્રિય તહેવાર માનવામાં આવે છે. નવરાત્રી નજીક આવતા પારંપરિક પરિધાન અને દાંડિયાની ખરીદી શરૂ થાય છે. દાંડિયાની બનાવટ માટે ગોધરા ખૂબ જ પ્રખ્યાત છે. અહીં 100થી વધારે મુસ્લિમ ભાઈઓ દાંડિયા બનાવવાનું કામ કરે છે. પરંતુ, કોરોના વાયરસને કારણે આ વર્ષે દાંડિયાના ઉત્પાદનને રીતસરનું ગ્રહણ લાગ્યું છે. જેના કારણે આ કારીગરોની રોજીરોટી પર મોટું સંકટ ઊભું થયું છે. કોરોના વાયરસને કારણે રાજ્ય સરકારે ગરબાના મોટા આયોજન બંધ રાખવાનો આદેશ કર્યો છે. દાંડિયા બનાવતા કારીગર અનસભાઈ ગબ્બર કહે છે કે, કોરોના વાયરસને કારણે ઘણો માલ આ વખતે પડી રહ્યો છે. જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું છે.

ફેબ્રુઆરી મહિનાથી જથ્થાબંધ દાંડિયાઓ પડી રહ્યા છે. ઈસાકભાઈ કહે છે કે, માલ વેચાતો નથી એટલે ઉત્પાદન ઘટી ગયું છે. હવે બેરોજગાર થઈ ગયા છીએ. ગોધરામાં આ કારીગરો અનેક પ્રકારના દાંડિયા બનાવે છે. જેમાં દાંડિયાની કિંમત રૂ.13થી લઈને 30 રૂપિયા સુધીની હોય છે. જેમ જેમ દાંડિયામાં કલર્સ વધે એમ એની કિંમત વધે. બે કલરમાં આવે, ત્રણ કલરમાં આવે. ઓઈલપેન્ટના 25થી 30 રૂ. હોય છે. ગોધરાના આ કારીગરો માત્ર દાંડિયા જ નહીં પણ વેલણ અને આડણી માટે પણ જાણીતા છે. આ કારીગરોએ બનાવેલી આ તમામ વસ્તુ માત્ર ગુજરાતના જિલ્લાઓમાં જ નહીં પણ ભારતભરમાં અને છેક અમેરિકા-દુબઈ સુધી વેચાય છે. અબ્દુલભાઈ કહે છે કે, અમેરિકા ભલે બધાને બધું આપે પણ અમે ભારતીય-ગુજરાતી કારીગર દુનિયાને વેલણ અને દાંડિયા આપીએ છીએ.

માત્ર અમેરિકા જ નહીં દુબઈ, હોંગકોગ, સિંગાપુર, લંડન આ તમામ જગ્યાએ દાંડિયા, વેલણ અને આડની જાય છે. માત્ર અમે જ કમાતા નથી પણ સરકારને પણ આ કોમોડિટીમાંથી ફાયદો થાય છે. કેટલાક કારીગરો સરકારને વિનંતી કરે છે કે, નવરાત્રીમાં થોડી છૂટછાટ આપવામાં આવે. કારણ કે માલ પડી રહ્યો છે. આ વર્ષ એવું ગયું કે, અમે નવરા થઈ ગયા. નફો પણ નથી અને પૈસા પણ નથી એટલે પૈસા રોકયા પણ નથી. માલિકો કારીગરોને સાચવે છે. કામ આપે છે. થોડા પૈસા પણ આપે છે. જેથી એમનું ઘર ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp