આ મંદિર છે સૂર્યનું પણ મંદિરમાં સૂર્યની પૂજા વર્જિત છે, જાણો કેમ?

PC: kevinstandagephotography.com

મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના પાટણ નામના સ્થાનથી 30 કિમી દૂર દક્ષિણ તરફ મોઢેરા ગામમાં સ્થિત છે. આ સૂર્ય મંદિર અદ્દભૂત સ્થાપત્ય અને શિલ્પ કળાનું અનેરું ઉદાહરણ છે. આ મંદિરના નિર્માણમાં ક્યાંય ચૂનાનો ઉપયોગ કરાયો નથી. 

ઈરાની શૈલીમાં બનેલ આ મંદિરને સોલકી વંશના રાજા ભીમદેવ પ્રથમે 1026 ઈ.સ માં બે ભાગમાં બનાવડાવ્યું હતું. જેમાં પહેલા ભાગમાં મંદિરનું ગર્ભગૃહ અને બીજા ભાગમાં સભામંડપ બનાવવામાં આવ્યો હતો. ગર્ભગૃહની અંદરની લંબાઈ 51 ફૂટ 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચ છે. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો અંકિત કરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં મહાભારત અને રામાયણના સમયના ચિત્રો અંકિત કરાયા છે. 

આ સ્તંભો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે જેમાં નીચેની બાજુ જોઈએ તો અષ્ટકોણાકાર અને ઉપરની બાજુએથી જોઈએ તો તે ગોળ દેખાય છે. મંદિરનું નિર્માણ કંઈક એવી રીતે કરવામાં આવ્યું છે કે તેમાં સૂર્યોદય નીકળતાની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ બનાવવામાં આવ્યો છે જે સૂર્યકુંડના નામે પણ ઓળખાય છે.

ખંડિત થયું મંદિર, ત્યારથી પૂજા નહીં 

સોલંકી રાજા સૂર્યવંશી હતા, તેથી તેઓ સૂર્યની પૂજા પોતાના કુળદેવતા તરીકે કરતા હતા. જો કે બાદમાં વિદેશી આક્રમક અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કરી આ મંદિરને નુકશાન પહોંચાડ્યું હતું. તેથી આ ખંડિત મંદિરમાં પૂજા કરવાની મનાઈ છે. હાલમાં આ મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ હસ્તક છે. 

પુરાણોમાં પણ છે આ મંદિરનો ઉલ્લેખ 

મોઢેરાના સૂર્યમંદિરનો ઉલ્લેખ ઘણા જૂના પુરાણોમાં પણ છે. સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણ જેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાચીન કાળમાં મોઢેરાની આસપાસનો આખો વિસ્તાર ધર્મરન્ય મનાતો હતો. પુરાણ પ્રમાણે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યાં બાદ બ્રહ્મહત્યાના પાપમાંથી બચવા અને આત્મશુદ્ધિ કરી શકાય તેવી જગ્યા પોતાના ગુરુ વશિષ્ઠને બતાવવા કહ્યું હતું ત્યારે તેમણે પણ આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp