આજની યુવા પેઢી માટે જાણવા જેવું કે કોણ હતા ઝવેરચંદ મેઘાણી

PC: e-shabda.com

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને 'રાષ્ટ્રીય શાયર' તરીકેનું બિરુદ આપ્યુ છે, તેવા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતિ છે. સૈકાઓથી મેઘાણી સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે, અને સાંપ્રત સમયમા પણ મેઘાણીજીનુ સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે. પાળિયાને પણ બેઠા કરનાર, અને લોકસાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનુ ધાવણ, માણસાઈના દિવા વિગેરે રચનાઓ, આજે પણ લોકોને વિરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ, અને ખાનદાનીના પાઠ શીખવે છે.

કવિ, લેખક, પત્રકાર, વિવેચક, અને લોકસાહિત્યના સંશોધક, સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ તા.28/8/1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો. તેઓના પિતાનુ નામ કાળીદાસ, અને માતાનુ નામ ધોળીબાઈ હતુ. મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની જૈન વણિક પરિવારના આ કવિના પિતા કાળીદાસ મેઘાણી, બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમા ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા.

તેઓએ નવલકથા, નવલિકા, નાટક, જીવન ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ વર્ણન, તેમજ સંશોધિત, સંપાદિત લોક સાહિત્ય, વિવેચન, લોકકથા, અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે 88 જેટલા પુસ્તકોનુ લેખન કર્યું છે. લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

ઝવેરચંદ મેઘાણી એ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અને અનુવાદક હતા. સાથે તેઓ એક સમાજ સુધારક, અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તેમને લોકો દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, અને શાણો જેવા હુલામણા નામે પણ ઓળખે છે.

સંસ્કૃત સાથે બી.એ.નો અભ્યાસ કરનારા ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી, ભાવનગર વિગેરે જગ્યાઓએ થયુ. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમા સને 1910 થી 1912 સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને 1912 મા મૅટ્રીક થયા હતા. ઇ.સ. 1916મા તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમા સ્નાતકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. 1917મા તેઓ કોલકાત્તા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમા કામે પણ લાગ્યા. આ કંપનીમા કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનુ થયુ હતુ. 3 વર્ષ આ કંપનીમા કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા.

સને 1922મા જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનુ ધણુ ચિંતન રહ્યું હતુ, અને તેમના કલકત્તા વાસ દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમા પણ આવ્યા હતા. બગસરામા સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતા 'સૌરાષ્ટ્ર' નામના છાપામાં લખવાની શરુઆત કરી હતી. સને 1922 થી 1935 સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'મા તંત્રી તરીકે રહ્યા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાની ની કથાઓ' ની રચના કરી. જે તેમનુ પહેલુ પ્રકાશીત પુસ્તક પણ રહ્યુ. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્ર ની રસધાર' નુ સંકલન કર્યુ, તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમા તેમણે 'વેણીનાં ફુલ' થી ઇ.સ. 1926મા પગરણ માંડ્યા. ઇ.સ. 1928મા તેમને લોકસાહિત્યમા તેમના યોગદાન બદલ 'રણજિતરામ સુવર્ણ ચંદ્રક' આપવામા આવ્યો. તેમના સંગ્રામ ગીતોના સંગ્રહ 'સિંઘુડો' એ ભારતના યુવાનોને પ્રેરીત કર્યા હતા, અને જેને કારણે ઇ.સ. 1930મા ઝવેરચંદજીને બે વર્ષ માટે જેલમા પણ રહેવુ પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર'ના બિરુદથી નવાજ્યા હતા.

તેમણે ફુલછાબ નામના છાપામા લઘુકથાઓ લખવાનુ પણ ચાલુ કર્યુ હતુ. ઇ.સ. 1933મા તેમના પત્નીનાં દેહાંત બાદ તેઓ 1934મા મુંબઈ સ્થાયી થયા. અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામના છાપામા 'કલમ અને કીતાબ' ના નામે લેખ લખવાની, તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી.

ઇ.સ. 1936 થી 1945 સુધી તેઓએ ફુલછાબના સંપાદકની ભુમીકા ભજવી. જે દરમ્યાન 1942મા 'મરેલાના રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી.

ઇ.સ. 1946મા તેમના પુસ્તક 'માણસાઈ ના દીવા' ને 'મહીડાં પારિતોષિક' થી સન્માનવામા આવ્યુ, અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નીમવામા આવ્યા.

મેઘાણીજીએ ચાર નાટક ગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનુ "માણસાઇના દીવા"મા વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમા સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા, અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસી ક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનુ નોંધપાત્ર સર્જન છે.

તા.9 માર્ચ 1947ના દિવસે, 50 વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામા તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયુ હતુ.

'ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર' : 'ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર' અથવા 'ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર' એ ગુજરાતી લોકસાહિત્યમા ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર છે. તેની સ્થાપના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા કરવામા આવી હતી. આ પુરસ્કારનુ નામ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી પરથી જ તેમના માનમા અપાયુ છે.

ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય કે યોગદાન માટે વિજેતાને સને 2012 થી ₹ 1,00,000 ની રકમ, અને પ્રશસ્તિપત્ર આ પુરસ્કારના રૂપમા આપવામા આવે છે.

સને 2012 ભગવાનદાસ પટેલ, 2013મા હસુ યાજ્ઞિક, 2014મા શાંતિ આચાર્ય, સને 2015મા જોરાવરસિંહ જાદવ, સને 2016મા શિવદાન ગઢવી, સને 2017મા બળવંત જાની, સને 2018 મા જયાનંદ જોષીને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

ટપાલ ટિકિટ : ટપાલ ટિકિટ દેશના બહુમૂલ્ય તેમજ ભવ્ય પાસાંઓ જેવા કે ઇતિહાસ, ભૂગોળ, કલા અને શિલ્પ, ઉદ્યોગ અને સંચાર, કૃષિ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ઘટનાઓ તેમજ ઐતિહાસિક મહાપુરુષોને પ્રતિબિંબિત કરે છે. સાર્વજનિક સંદેશાઓ સમગ્ર રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુકવાનુ કામ પણ ટપાલ ટિકિટ મારફત કરવામા આવે છે.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા તા.14 સપ્ટેમ્બર 1999ના રોજ મેઘાણીજીના માનમા રૂપિયા ત્રણની ટપાલ ટિકિટ બહાર પાડવામા આવી હતી.

(સંકલનઃ મનોજ ખેંગાર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp