અંગ્રેજો દેશ છોડી ગયા, પરંતુ અંગ્રેજી ભાષાની ગુલામી આપણે હજુ છોડી નથી: રાજ્યપાલ

PC: khabarchhe.com

‘કરોડો દેશવાસીઓને એકસૂત્રમાં બાંધનારી હિન્દી ભાષા રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે. વિશ્વની મહાસત્તાઓ અને વિકસિત દેશોએ પોતાની ભાષા અને સંસ્કૃતિના બળે આગવી ઓળખ બનાવી છે. વિદ્યાર્થીઓમાં માતૃભાષાનો પ્રભાવ અતિ પ્રગાઢ હોય છે, ત્યારે આપણે અંગ્રેજી ભાષાનું આકર્ષણ અને પશ્ચિમી સંસ્કૃતિનું વળગણ છોડી માતૃભાષાનું સન્માન કરવું જોઈએ.’ એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત વેસુ-આભવા રોડ સ્થિત અગ્રવાલ વિદ્યાવિહાર ઈંગ્લીશ મિડીયમ કોલેજ દ્વારા આયોજિત ‘14મી સપ્ટેમ્બર-હિન્દી દિવસ’ના કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું.

14મી સપ્ટેમ્બર, 1949 ના દિવસથી હિન્દી ભાષાને બંધારણમાં રાષ્ટ્રભાષા તરીકેનું સ્થાન મળ્યું છે. સમગ્ર દેશમાં દર વર્ષે 14મી સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઊજવવામાં આવે છે. જે સંદર્ભે સુરત ખાતે હિન્દી દિવસની ઊજવણીમાં સહભાગી બનેલા રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, ભાષા એ કોઈપણ રાષ્ટ્રના લોકોને જોડતું સૌથી સક્ષમ અને અસરકારક માધ્યમ છે. હિન્‍દી દિવસ ઉજવણીનો ઉદ્દેશ્‍ય હિન્‍દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કેળવવાનો અને આંતરરાષ્‍ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે.

લાખો વર્ષ પુરાણી ભારતીય સભ્યતા, પરંપરા અને જીવનશૈલીથી ભારતે પ્રાચીનકાળમાં વિશ્વગુરૂ બની વિશ્વને વિજ્ઞાન અને શિક્ષણનો સંદેશ આપ્યો હતો એ ભવ્ય ભૂતકાળનું સ્મરણ કરતાં આચાર્યજીએ કહ્યું કે, એક સમય હતો કે દુનિયાના દેશો ભારતમાં આવીને શિક્ષણ મેળવવામાં પોતાનું સૌભાગ્ય સમજતા હતા, જ્યારે આજે ભારતીયોમાં વિદેશ જવાની અને વિદેશી રહેણીકરણીના આડંબરયુક્ત જીવન જીવવા માટેની હોડ લાગી છે. અંગ્રેજો દેશ છોડી ચાલ્યા ગયા, પરંતુ અંગ્રેજી ભાષાની ગુલામી આપણે હજુ છોડી નથી.

રાજ્યપાલે તેમના 35 વર્ષના શિક્ષક તરીકેનો સ્વાનુભવ વર્ણવતા જણાવ્યું કે, માતૃભાષામાં શિક્ષણ આપવાથી ગ્રહણશક્તિ ખૂબ વધે છે. ગુજરાતની ધરતી પર મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી જેવી મહાન વિભૂતિઓ અવતરી હોવાનું જણાવી ઉમેર્યું કે, સ્વામી દયાનંદ સરસ્વતીએ કુલ 4૦ ગ્રંથો હિન્દી ભાષામાં લખ્યા હતા. મહાત્મા ગાંધીજીએ હિન્દીને દેશની એકતાની ભાષા કહી હતી. ચીન, રશિયા, જાપાન, ઇઝરાયલ, જર્મની પોતાની માતૃભાષામાં સંપૂર્ણ વ્યવહાર કરે છે.

આચાર્યજીએ આજ સુધી રાજભવનનું તમામ કાર્ય અંગ્રેજી ભાષામાં થતું હતું એમ જણાવી આ પરંપરાને બદલતા તેમણે રાજ્યપાલ બન્યા બાદ અંગ્રેજીના સ્થાને રાજભવનના તમામ વ્યવહાર હિન્દીમાં થાય તેવો નિર્ણય કર્યો હોવાનું ગર્વભેર કહ્યું હતું. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશોના પ્રવાસો દરમિયાન હિન્દીમાં ભાષણ આપે છે, જે દેશ માટે ગૌરવની બાબત છે એમ જણાવતાં રાજ્યપાલે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન, પ્રાકૃતિક ખેતી તેમજ ગૌ પાલનના મહત્ત્વ પર વિસ્તૃત છણાવટ કરી હતી.

શાળાના સ્કાઉટ ગાઈડ અને એન.સી.સીના વિઘાર્થીઓ દ્વારા રાજ્યપાલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. શાળા પરિવાર દ્વારા આચાર્યજીનું શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને 'સોચ નઈ, લોગ વહી' એકાંકી રજૂ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, દેશમાં હિન્‍દીનો પ્રસાર-પ્રચાર કરવા માટે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ પણ નિમાઇ છે. ભારતીય બંધારણના 17 મા અનુચ્‍છેદની કલમ 343 (1) માં વર્ણન કરાવમાં આવ્‍યું છે કે, રાષ્‍ટ્રીય ભાષા હિન્‍દી અને લિપિ દેવનાગરી રહેશે. વિદેશમાં ભારતીય એલચી કચેરીઓ દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિષયો પર હિન્‍દી ભાષામાં વ્‍યાખ્‍યાનો યોજીને હિન્‍દી ભાષાના વિકાસ અને પ્રચાર પર ભાર મૂકવામાં આવે છે. ચીની ભાષા પછી હિન્દી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશમાં થઇને કુલ 6૦ કરોડથી વધુ લોકો હિન્‍દી બોલે છે, વાંચે છે અથવા લખે છે.

આ પ્રસંગે કલેકટર ડો.ધવલ પટેલ, ઈ.પોલિસ કમિશનર હરિકૃષ્ણ પટેલ, વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા, અગ્રવાલ વિદ્યા વિહાર ટ્રસ્ટના અધ્યક્ષ વિનોદ ગોયલ, પૂર્વાધ્યક્ષ પ્રમોદ ચૌધરી, ઉપાધ્યક્ષ ગોકુલચંદ બજાજ, ઉપાધ્યક્ષ સુભાષજી મિતલ, કોષાધ્યક્ષ બ્રિજમોહન અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp