ગુજરાતના રક્ષિત સ્મારકો રામભરોસે, જાળવણી માટે સ્ટાફ નથી

PC: sandeepachetan.com

ગુજરાતના રક્ષિત સ્મારકોનો કોઇ ધણી નથી, કેમ કે આ સ્મારકોની જાળવણી માટેનો સ્ટાફ નથી. સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતા સ્મારકોની રખેવાળી માટે સ્ટાફની નિયુક્તિ કરવામાં આવતી નથી. અંદાજ પ્રમાણે 200થી વધુના સ્ટાફની અછત વર્તાઇ રહી છે. રાજ્યમાં કેન્દ્ર અને રાજ્યના કુલ 362 રક્ષિત સ્મારકો આવેલા છે. આ સ્મારકો પૈકી 210 તો એકલા સૌરાષ્ટ્રમાં છે. આ વિસ્તારના આરક્ષિત સ્મારકોની જાળવણી માટે માત્ર એક જ જુનિયર ક્લાર્ક છે, જે રાજકોટમાં આવેલી રિકેટી બિલ્ડીંગમાં બેસે છે. પાછલા એક દાયકાથી વિભાગમાં 10 જેટલી પોસ્ટ ખાલી પડી છે, જેમાં સૌથી જરૂરી એવી આસિસ્ટન્ટ ડિરેક્ટરની પોસ્ટ પણ છે.

સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આવેલી પુરાતત્વ સાઈટ્સના મેન્ટેનન્સ અને નિભાવવાની જવાબદારી ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ઓફિસરોને આપવામાં આવી છે. પ્રાચીન સ્મારકોનું રક્ષણ કરવામાં મુખ્ય ભૂમિકા નીભાવતા ટેકનિકલ અને રિપેરિંગ સ્ટાફની પોસ્ટ ખાલી પડેલી છે. એકલા સૌરાષ્ટ્રમાં જ 70 ટકા સ્ટાફની ઘટ વર્તાઇ રહી છે. ફુલટાઇમ આસિસ્ટન્ટ ડિરેક્ટરની પોસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી ખાલી પડી છે. આ જગ્યા એક એવા અધિકારી જુએ છે કે જેમની પાસે બીજી બે જગ્યાનો વધારાનો ચાર્જ છે. એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે પૂરતા સ્ટાફ વિના રક્ષિત સ્મારકોની જાળવણી શક્ય નથી. આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટના સૌરાષ્ટ્ર ડિવિઝનમાં રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ-દ્વારકા, મોરબી, સુરેન્દ્ર નગર, ભાવનગર અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.

આર્કિયોલોજી ડિરેક્ટર કહે છે કે અમે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જીપીએસસી દ્વારા જાહેરાત આપી છે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં બધી ખાલી પડેલી જગ્યાઓ ભરાઇ જશે. તેમણે કહ્યું હતું કે સ્મારકોની જાળવણી માટે અત્યારે અમે પ્રાથમિકતા નક્કી કરી છે પરંતુ સ્મારકોની સંખ્યા વધારે હોવાથી ઓછા સ્ટાફથી મેનેજ થઇ શકે તેમ નથી. ગુજરાતના 362 સ્મારકોની રખેવાળી કરવાની હોય છે ત્યારે તેમાં જો સ્ટાફ નહીં હોય તો સ્મારકોના અવશેષોને મોટી હાનિ પહોંચી શકે છે. મોટાભાગના સ્મારકોની ફરતે વોલ અથવા તો તારની વાડ બનાવી છે પરંતુ તેમાં છીંડા પાડીને લોકો આવતા હોય છે તેથી અવશેષો ગૂમ થવાની ઘટનાઓ પણ વારંવાર બનતી હોય છે. રાજ્યમાં જે સ્મારકો લોકપ્રિય નથી તેની રખેવાળી કરવા માટે વધારાનો સ્ટાફ પણ વિભાગ પાસે હોવો જોઇએ.

સ્મારકો સંરક્ષણ અને જાળવણી માટે ક્યા પગલા લેવાય છે...

Ø  રક્ષિત જાહેર કરતું સૂચનાત્મક પાટીયુ સ્મારકની નજીક બનાવવામાં આવે છે.

Ø  સ્મારકની મહત્તા બતાવતી ઐતિહાસિક નોંધ રાખવામાં આવે છે.

Ø  પરિચય પુસ્તિકાઓ છપાવી પ્રગટ કરવામાં આવે છે.

Ø  અસામાજીક તત્વોથી બચાવવા માટે ચોકીદારોને નિમવામાં આવે છે.

Ø  સ્મારકોની નિયમિત સફાઇ માટે કર્મચારી રાખવામાં આવ્યા છે.

Ø  સ્મારકો ફરતે વાડ અથવા તો દિવાલ બનાવવામાં આવે છે.

Ø  સ્મારકોને ક્ષતિ પહોંચે તો તેનું ઓરિજનલ ડિઝાઇન પ્રમાણે મરામત કરવામાં આવે છે. 

આટલા બધા કામ હોવા છતા સ્ટાફ નહીં હોવાથી સ્મારકોની રખેવાળી થઇ શકતી નથી. ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે સ્મારકોની નજીક રાતવાસો કરવામાં નહીં આવતો હોવાથી અસામાજીક પ્રવૃત્તિ પણ થતી હોય છે. બહુ પ્રખ્યાત નથી તેવા સ્મારકોમાં સ્ટાફના અભાવે જાળવણી થઇ શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp