26th January selfie contest

કનૈયાલાલ માણેકલાલ મુનશી-કોઇ માણસ એક જીવનમાં આટલું કામ કરી શકે ખરો?

PC: khabarchhe.com

હું જયારે શાળામાં ભણતી હતી ત્યારે ગુજરાતી વિષયનાં અભ્યાસક્રમમાં એક અત્યંત લોકપ્રિય અને ઐતિહાસિક નવલકથાનું છેલ્લું પ્રકરણ આવતું 'પૃથિવીવલ્લભ કેમ ખંચાયો ??' અને ત્યારથી આ નવલકથાનાં પાત્રો 'માલવપતિ મુંજ' અને 'મૃણાલવતી' જે મુખ્ય પાત્રો હતાં એના પ્રેમમાં પડી જવાયું.

આટલું સાંભળીને તમારી નજર સમક્ષ કોનું નામ તરવરી રહ્યું હશે એ હું કલ્પી શકું છું. પછી તો જ્યાં સુધી આખી નવલકથા ન વંચાઈ ત્યાં સુધી ચેન ન પડ્યું. એ પહેલવહેલી વાર જયારે આ અદભુત નવલકથાકારને મેં વાંચ્યા અને એ હતાં ગુજરાતનાં આગવાપણા માટે ‘અસ્મિતા’ જેવો શબ્દ પ્રયોજનાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી.

આજે અસ્મિતા શબ્દ નવો નથી. પરંતુ, અસ્મિતા શબ્દ આજે જે સંદર્ભમાં પ્રયોજાય છે તેનો પ્રથમ ઉપયોગ કરવાનું શ્રેય શ્રી કનૈયાલાલ મુનશીને જાય છે. તેમણે ફક્ત એ શબ્દનો ઉપયોગ જ નથી કર્યો પણ ગુજરાતની અસ્મિતાને ઈતિહાસનાં પૃષ્ઠોમાંથી બહાર લાવી ઉજાગર કરી છે. પોતાનાં સર્જન દ્વારા પૂરી જિંદગી અસ્મિતાની આરાધના કરી છે. જેના ધબકારમાં ગુજરાતી પ્રજા એની અસ્સલ ઓળખ છુપાવીને બેઠી છે તેવા સોલંકીયુગનાં, ગુજરાતનાં વૈભવી ભૂતકાળને તેમણે જીવંત કર્યો છે.

'પૃથિવીવલ્લભ' વાંચ્યા પછી તો આ અદભુત નવલક્થાકારની શોધખોળ મેં રીતસર આદરી એમ કહી શકાય. એ પછી તો યાદી લાંબી થતી ચાલી અને એવામાં હાથ આવવા લાગી એમની સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓ. 'વેરની વસુલાત', 'સ્વપ્નદ્રષ્ટા', 'પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ', 'જય સોમનાથ', 'ભગ્ન પાદુકા', 'લોપામુદ્રા', 'લોમહર્ષિણી' અને બસ હું વાંચતી ગઈ વાંચતી ગઈ અને વાંચતા-વાંચતા ક.માં.મુનશીનાં સાહિત્યમાં ક્યારે ઊંડી ઉતરીને ખોવાઈ ગઈ એની મને જ જાણ ન રહી. આજે આ બધું અચાનક અતીતની બારીએથી ઉડીને વર્તમાનમાં ડોકાઈ રહ્યું છે.

અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં અતિ સમર્થ લેખક શ્રી. કનૈયાલાલ મુનશીની કલમનો કસબ આજસુધી આપણે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં માણતા આવ્યા છીએ. આજે એમની જન્મજયંતિ પર સાદર વંદનનાં એ અધિકારીથી વિશેષ દેશપરદેશમાં વસતો એક-એક ગુજરાતી મારી જેમ એમનો ઋણી બની આજે એમને મનોમન વંદન કરી રહ્યો હશે.

૩૦ ડિસેમ્બર, ૧૮૮૭નાં રોજ ભરૂચ ખાતે જન્મેલા કનૈયાલાલ મુનશી ‘ઘનશ્યામ વ્યાસ’ તરીકે પણ જાણીતા છે. એમણે લેખનની શરૂઆત આજ નામથી કરી હતી જે ભાગ્યે જ કોઈ જાણે છે. નવાઈની વાત એ છે કે પ્રથમ શિષ્ટ – સંસ્કારી સાપ્તાહિક ‘ગુજરાતી’એ જ્યારે તેના લેખકને ગુજરાતી વાચકવર્ગ સમક્ષ પ્રથમ વાર રજૂ કર્યા, ત્યારે તેઓ પોતાનું ખરું નામ જાહેર કરતાં ડરતાં હતા કે તેમની કૃતિને ગુજરાતી વાચકવર્ગ સ્વીકારશે કે તેને સફળતા મળશે કે કેમ ! તેથી તેમણે ‘ઘનશ્યામ’ તખલ્લુસ ધારણ કર્યું હતું.

તેમના માતાનું નામ તાપી બા અને પિતાનું નામ માણેકલાલ મુનશી હતું. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯ વર્ષની ઉંમરે ‘એલિસ પ્રાઈઝ’ સાથે તેમણે વિનયનનાં સ્નાતકની પદવી મેળવી. એલ.એલ.બી.ની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા બાદ ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.

૧૯૨૨માં તેઓએ ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, વર્ષ ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી.

તેમણે રાજકીય ક્ષેત્રે પણ પોતાની સેવા આપી. તેઓ ગાંધીજી સાથે સ્વતંત્રતાનાં આંદોલનમાં જોડાણા અને તેના કારણે તેમને જેલવાસ પણ ભોગવ્યો. ભારત આઝાદ થયું ત્યારે હૈદ્રાબાદના વિલિનીકરણમાં અને બાદમાં ગુજરાતના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આ બધું ટૂંકાણમાં એટલે ટાંક્યું છે કેમકે ક.માં.મુનશી એ કાગળ પર ઉતારી શકાય એવી પ્રતિભા જ નથી. એમના વિશે જો લખવા બેસું તો સમય અને સ્થળની તમામ મર્યાદાઓ અતિક્રમી જવાય અને તોય એમ લાગે કે અમારી જનરેશન જો ક.માં.મુનશી વિશે લખવા બેસે તો એ સાહિત્યની ભાષામાં અવિવેક જ ગણાય. ક.માં.મુનશી એટલે એક અજોડ સપ્તર્ષિ. જેમ સપ્તર્ષિ એટલે સાત અમૂલ્ય તારાઓનું ગઠબંધન એમ ક.માં.મુનશી એટલે સાત અલગ અલગ પ્રતિભા ધરાવતા નોખી માટીના અનોખા માનવી.

એમાં સહુથી પહેલી પ્રતિભા એક સ્વાતંત્ર્ય સેનાની તરીકેની. બીજી પ્રતિભા એક વિદ્વાન ધારાશાસ્ત્રીની જે કાયદાનો ખૂબ ઊંડા અભ્યાસી હતાં. ત્રીજી પ્રતિભા એક શિક્ષણવિદ્ તરીકેની જેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. એમની ચોથી પ્રતિભા એક પત્રકાર તરીકેની જેમણે એક ગુજરાતી માસિક ભાર્ગવ પણ શરૂ કરેલ. તેઓ યંગ ઈન્ડિયાનાં સહતંત્રી પણ રહ્યા. તો ભારતીય વિદ્યાભવને ભવન્સ જર્નલ પણ શરૂ કરેલ જે આજ સુધી ચાલે છે.

એમની પાંચમી પ્રતિભા એક રાજકારણી તરીકેની. ભારતની બંધારણ સભાનાં તેઓ સભ્ય હતા. ભારત સ્વતંત્ર બન્યું એટલે નવાં રાષ્ટ્ર માટેનું બંધારણ કેવું હોવું જોઈએ તે માટે બાબાસાહેબ આંબેડકરની આગેવાની હેઠળ બંધારણ સભાની રચના થઈ જેના સભ્ય તરીકેનું સન્માનનીય સ્થાન તેમને મળ્યું હતું. તેઓ સંસદ સભ્ય બન્યા એટલું જ નહિ, પણ કૃષિ અને ખાદ્ય મંત્રાલય પણ સંભાળ્યું. પાછળનાં વર્ષોમાં તેમણે ઉત્તરપ્રદેશનાં ગવર્નર તરીકે પણ સેવા આપી. મુંબઈ રાજ્યનાં ગૃહ મંત્રી, હૈદરાબાદ સ્ટેટનાં એજન્ટ જનરલ ઓફ ઈન્ડિયા તરીકે સેવાઓ આપી.

છઠ્ઠી પ્રતિભા એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેની જે એક પ્રખર મુત્સદ્દી, ઉત્તમ રાજપુરુષ, ગુર્જર અસ્મિતાનાં આરાધક અને ભારતીય સંસ્કૃતિનાં જ્યોતિર્ધર તરીકે ખ્યાતિ પામ્યાં. સાતમી અને સહુથી શિરમોર પ્રતિભા એક સાહિત્યકાર તરીકેની. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ પણ હતા. તો વળી હિન્દી સાહિત્ય સંમેલનનાં પ્રમુખ પણ હતા. તેમણે માત્ર ગુજરાતી જ નહિ પણ હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લેખન કર્યું છે. માત્ર કવિતા સિવાય સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે પછી એ નવલકથા, નાટક, નિબંધ, ચરિત્ર, આત્મકથા, કે સાહિત્યિક ઈતિહાસ બધામાં એમણે મહત્વનું પ્રદાન કર્યું છે. ઐતિહાસિક નવલકથાનાં ક્ષેત્રે એમણે ચિરંજીવ અને સીમાસ્તંભરૂપ પ્રદાન કર્યું છે.

વકીલાત અને રાજકારણમાં અતિવ્યસ્ત હોવા છતાં આ સમર્થ સર્જકે ગુજરાતી સાહિત્યમાં પચાસેક પુસ્તકોનું પ્રદાન કર્યું છે તો કેટલાંક અંગ્રેજી પુસ્તકો પણ લખ્યાં છે. તેમના સમગ્ર સાહિત્ય સર્જનમાં તેમનો સુક્ષ્મ ભાવદેહ પ્રતીત થયા વિના રહેતો નથી. અર્વાચીન ગુજરાતનાં સર્વ સર્જકોમાં કથા અને રસની દૃષ્ટિએ વિચારતા મુનશી શ્રેષ્ઠ સર્જક બની રહે છે. મુનશી કદાચ મારાં જ પ્રિય છે એવું નથી એ સૌને ગમે છે કારણ કે; તેમના લેખનમાં રસની વિવિધતા છે, બુદ્ધિની કુશાગ્રતા છે તો હ્રુદયની સુકુમારતા પણ છે, રાજકારણના આટાપાટા છે તો પ્રેમની છાલકો પણ છે, તેમનાં પાત્રો તેજસ્વી ને ધારદાર છે તો મહત્વાકાંક્ષી ને માનવતાસભર પણ છે.

બન્ને વિરોધાભાસી પાત્રોને લીધે લોકહૃદયમાં ‘પૃથ્વીવલ્લભે’ એવું સ્થાન જમાવી દીધું છે કે ઊત્તરોત્તર તેની ખ્યાતિ વધતી ચાલી છે. છેક ૨૦૧૮માં પણ આ કથા પરથી ટી.વી. ધારાવાહિકનું નિર્માણ અને પ્રસારણ થાય છે એ તેનો પુરાવો છે. આ અગાઉ તેના પરથી ‘માલવપતિ મુંજ’ નામે નાટક તેમજ ગુજરાતીમાં ફિલ્મ અને ‘પૃથ્વીવલ્લભ’ના નામે હિન્‍દીમાં ફિલ્મનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ નવલકથા હિન્‍દી, મરાઠી, બંગાળી, કન્નડ તેમજ અંગ્રેજીમાં પણ અનુવાદિત થઈ છે.

મુંજનું પાત્ર એટલું આકર્ષક બની રહ્યું છે કે તેને તખ્તા પર કે ફિલ્મનાં પડદે રજૂ કરનાર અભિનેતાઓની તે ઓળખ સમાન બની રહ્યું છે. તખ્તા પર માસ્ટર અશરફખાન, ગુજરાતી ફિલ્મમાં ઊપેન્‍દ્ર ત્રિવેદી તેમજ હિન્‍દી ફિલ્મમાં સોહરાબ મોદીએ ‘પૃથ્વીવલ્લભ’ની ભૂમિકા એટલી બખૂબી ભજવી છે કે તેમની અભિનય કારકિર્દીમાં આ કૃતિ ટોચનું સ્થાન ધરાવે છે. હું આજે પણ 'માલવપતિ મુંજ' યાદ કરું એટલે શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનો છટાદાર અને મોભાદાર ચહેરો આંખ સામે તાદ્રશ થઈ ઉઠે છે.

તેઓએ ભાર્ગવ અને સમર્પણ માસિક પુસ્તકોનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ ભરૂચમાં નિ:શુલ્ક પુસ્તકાલયની સ્થાપના કરી હતી. વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના પણ તેઓએ કરી હતી. તેઓ કરાચી ખાતે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. વર્ષ ૧૯૮૮માં ભારત સરકારે તેમના નામની ટપાલ ટીકીટ બહાર પાડી હતી. ભારતીય વિદ્યાભવન દ્વારા તેમના માનમાં સામાજિક કલ્યાણ માટે ‘કુલપતિ મુનશી પુરસ્કાર’ એનાયત કરવામાં આવે છે.

સાહિત્યસર્જક ક. મા. મુનશીને વિશેષ ખ્યાતિ નવલકથાકાર તરીકે મળી છે. ‘સ્વપ્નદૃષ્ટા’ જેવી કૃતિમાં તેમણે આઝાદીની ચળવળનાં નેતાઓના પ્રભાવ હેઠળ નવયુવકોનાં માનસનો ચિતાર અપાયો છે, તો ‘સ્નેહસંભ્રમ’ એક વ્યંગકટાક્ષ કરતી ફાર્સકૃતિ છે. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’, ‘પૃથિવીવલ્લભ’, ‘ભગવાન કૌટિલ્ય’, ‘જય સોમનાથ’ વગેરે જેવી ઐતિહાસિક નવલકથાઓ અને લઘુનવલોની પણ તેમણે ભેટ આપી છે.

‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’, ‘બે ખરાબ જણ’, ‘આજ્ઞાંકિત’, ‘બ્રહ્મચર્યાશ્રમ’, ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’, વગેરે જેવા પ્રહસનો અને વિવિધ વિષય પર તેમણે લખેલા નાટકો છે તો ‘ધ્રુવસ્વામિની દેવી’ એમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. ‘અડધે રસ્તે’માં એમણે પોતાનાં બાલ્યકાળ અને કૉલેજજીવનનાં ૧૮૮૭થી ૧૯૦૬ સુધીનાં સંસ્મરણો; ‘સીધા ચઢાણ’માં ૧૯૦૭થી ૧૯૨૨નાં સમયખંડને, તો ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’માં ૧૯૨૩થી ૧૯૨૬નાં સમયખંડને આવરીને આત્મકથારૂપે તેમણે પોતાના જીવનના સંસ્મરણો આલેખ્યાં છે.

એમની પાસેથી અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથો સાંપડ્યા છે. પૌરાણિક ઇતિહાસને વણી લઈને તેમણે ‘લોકમહર્ષિણી’, ‘ભગવાન પરશુરામ’ જેવી રચનાઓ પણ કરી. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના ‘કૃષ્ણાવતાર’ છે, તેના કુલ આઠ ભાગ છે અને આઠમો ભાગ બાકી રહી ગયો હોવાથી જ તે રચના અપૂર્ણ છે.

ડ્યૂમાની અસર નીચે તેઓ પોતાની નવલકથાઓમાં ત્વરિત ગતિથી વહેતો રસપૂર્ણ વસ્તુપ્રવાહ, સજીવ પાત્રાલેખન, નાટ્યાત્મકતા, ચમકદાર સંવાદરચના આદિ નવલકથાનાં અંગોને આકર્ષક રીતે વિકસાવે છે. ચેતનથી તરવરતાં, અસાધારણ શક્તિવાળા-પ્રભાવશાળી પાત્રો એમણે સજર્યાં છે. બોલાતી જીવંત ભાષાનો રણકાર એમની ભાષામાં સંભળાય છે.

એમના એક એક સર્જન પર એક આખો લેખ અલગથી લખી શકાય એટલું વિશાળ સર્જન એમનું રહ્યું છે. અત્યારે જ મને લાગે છે કે શબ્દોની તમામ મર્યાદાઓ અતિક્રમી જઈને આ લેખ ઘણો લાંબો થયો જ હશે પણ મેં અગાઉ કહ્યું એમ મુનશી ને કાગળ પર ઉતારવા શક્ય જ નથી એ તો કદાચ સાહિત્યનાં અભ્યાસુ માટે પી.એચડી. કરી શકાય એવી પ્રતિભા છે. એક સિદ્ધહસ્ત કે સ્વનામધન્ય જેવા તમામ વિશેષણો ખૂટી પડે તોય મુનશીને શબ્દોમાં બાંધી ન શકાય.

તોય આ શબ્દાંજલિ એમના માટે તો દરિયામાં ડોલ સમાન જ છે એટલે અહીં જ વિરમું છું. ગુજરાતી સાહિત્યમાં ઝળહળતાં સપ્તર્ષિ સમાન આ બહુમુખી પ્રતિભાને મારાં સાદર વંદન..!!

- વૈભવી જોશી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp