આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના 7 નવા સર્કલ બનશે, ગુજરાતનું પણ એક શહેર

PC: PIB

સંસ્કૃતિ મંત્રાલયે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ)ના 7 નવા સર્કલ બનાવવાની ઘોષણા કરી છે. આ જાણકારી રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રહલાદ સિંહ પટેલે આજે ટ્વીટ કરેલા વીડિયો સંદેશમાં આપી હતી. પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું હતું કે, સંસ્કૃતિ મંત્રાલયે સ્વ-ઘોષણા દ્વારા કળાકૃતિઓની નોંધણીની પ્રક્રિયાને તેમજ પુરાતત્ત્વીય સ્મારકોની જાળવણી અને નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા પ્રધાનમંત્રીના આહવાન અનુસાર આ કાર્ય કર્યું છે. મંત્રીએ જાણકારી આપી હતી કે, મધ્યપ્રદેશ, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં નવા સર્કલ ઊભા કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ત્રિચી, રાયગંજ, રાજકોટ, જબલપુર, ઝાંસી અને મેરઠની નવા સર્કલ તરીકે જાહેરાત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, પુરાતત્ત્વના દ્રષ્ટિકોણથી કર્ણાટકમાં સ્થિત ઐતિહાસિક હમ્પી શહેર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ હોવાથી હમ્પી મિનિ સર્કલને પૂર્ણ કક્ષાના સર્કલમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. અગાઉ દેશમાં એએસઆઈના કુલ 29 સર્કલ હતા.

પ્રહલાદ સિંહ પટેલે કહ્યું હતું કે, તામિલનાડુ જેવા મોટા રાજ્યમાં હજારોની સંખ્યામાં મંદિરો છે અને ચોલ સામ્રાજ્યની ભવ્ય યાદગીરીરૂપ સ્મારકો છે એટલે ચેન્નાઈ સર્કલની સાથે ત્રિચીને નવું સર્કલ બનાવવામાં આવ્યું છે. ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કર્ણાટક મહત્ત્વનું રાજ્ય છે. આ રાજ્યમાં હમ્પી શહેર પુરાતત્ત્વીય વારસાના દ્રષ્ટિકોણથી આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનું કેન્દ્ર છે એટલે હમ્પી સબ-સર્કલને હવે પૂર્ણ કક્ષાનું સર્કલ બનાવવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતાની સાથે રાયગંજને નવું સર્કલ બનાવવામાં આવ્યું છે. આથી બંગાળ જેવા મોટા રાજ્યમાં ભૌગોલિક અસુવિધાઓ દૂર થશે. ગુજરાતમાં વડોદરાની સાથે રાજકોટને નવું સર્કલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રહલાદ સિંહ પટેલે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ભોપાલની સાથે જબલપુરને નવું સર્કલ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. એમાં જબલપુર, રીવા, શાહડોલ અને સાગર વિભાગના સ્મારકો સામેલ હશે. સંસ્કૃતિ મંત્રીએ એ પણ જાણકારી આપી હતી કે, ઉત્તરપ્રદેશમાં લખનઉ અને આગ્રાની સાથે બુંદેલખંડમાં ઝાંસી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં મેરઠ સહિત બે નવા સર્કલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp