આબુ રોડની પૌરાણિક ચન્દ્રાવતી નગરીના અવશેષો રફેદફે થઇ રહ્યા છે

PC: khabarchhe.com

રાજસ્થાનમાં સરકાર બદલાઇ છે ત્યારે રફેદફે થઇ રહેલા પૌરાણિક ચન્દ્રાવતી નગરીના અવશેષોને એકત્ર કરી કોંગ્રેસની સરકારે આ નગરીના અસ્તિત્વને જાળવવા પગલા લેવા જોઇએ તેવું પુરાતત્વ વિભાગ માને છે. આબુની તળેટીમાં 1400 મંદિરોનો ઈતિહાસ ધરાવતી ચન્દ્રાવતી નગરીમાં અવશેષો જર્જરીત થઇ રહ્યા છે. ભાજપની વસુંધરા રાજે સરકાર તો આ નગરીને બચાવી શકી નથી ત્યારે તેને ફરી બેઠી કરવા રજૂઆતો શરૂ થઇ છે. કારણ કે આ સ્થળ એક પ્રવાસન સ્થળ તરીકે ઉપસી શકે છે.

પૌરાણિક અને ઐતિહાસિક ધરોહરને બચાવવાના પ્રયાસો રાજસ્થાન સરકારે શરૂ કર્યા હતા પરંતુ આ યોજના અધૂરી છોડી દેવામાં આવતા બાકી બચેલા અવશેષો રઝળી રહ્યા છે. હવે કોંગ્રેસની સરકાર આવી છે ત્યારે કેટલાક પુરાતત્વવિદ્દોએ સરકારનું ધ્યાન દોર્યું છે. પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે ઉપર અમીરગઢ, માવલ, ચંદ્રાવતિ, સિયાવા, સાંતપુર, પાલડી, મુંગથલા જેવા સાતેક ગામોમાં આજે વિખરાયેલી પડેલી આ ચંદ્રાવતિ નગરી અંગે એક પ્રાચીન ગ્રંથ ઉપદેશ સપ્તશતિમાં જણાવ્યા અનુસાર અહીં 444 જૈન મંદિર અને 999 અન્ય મંદિર હતા.

કર્નલ ટોડ અને અન્ય ઇતિહાસકારોના મતે પરમાર રાજાઓની રાજધાની એવી આ ચંદ્રાવતિ નગરી 11મી કે 12મી સદીમાં અતિ ધનાઢ્ય, જાજરમાન અને ધાર્મિકતાની ચરમસીમાએ હતી. આબુમાં દેલવાડાના દહેરાસરોના નિર્માણકર્તા વસ્તુપાળના પત્નિ અનુપમાદેવી પણ આ ચંદ્રાવતિના પોરવાડ મહાજન ધારણીંગજીના પુત્રી હતા. 1311માં પરમાર વંશજના છેલ્લા રાજાની હત્યા બાદ આ નગરીની પડતી શરૂ શઇ હતી.

ગુજરાત દિલ્હીના રાજમાર્ગ ઉપરની આ નગરીને મુસ્લિમ આક્રમણકારોએ અનેકવાર લૂંટી હતી. તેમાંય 1405માં બહાદુર શાહ ઝફરે ચિત્તોડ વિજયથી વળતાં અહીં મચાવેલા હાહાકારથી બચાવવા અહીંની સંગેમરમરની અનેક મૂર્તિઓ, આરસની કમાનો અને અનેક કલાકૃતિઓ લોકો દૂર-દૂર સુધી લઇ ગયા હતા.

આ આક્રમણથી ભયભીત અને ખાલસા થઇ ગયેલી નગરી કાળક્રમે ભૂકંપ, પુર અને ચોરી લૂંટ જેવી અનેક રીતે સતત નષ્ટ થતી રહી છે. ભારતમાં એન્ટીક મૂર્તિઓની ચોરીઓમાં કુખ્યાત એવા વામનઘીયાએ પણ આ વિસ્તારની અનેક મૂર્તિઓ વિદેશ ભેગી કરી દીધી હોવાનું મનાય છે.

1924મા લેખક ચાર્લ્સ પારીતે પણ અહીં બચેલા 20 મંદીરોને લઇને અહીંના ભૂતકાળની ભવ્યતાનો ઉલ્લેખ તેમના પુસ્તકમાં કર્યો છે. લગભગ છસો વરસ સુધી ખુલ્લા આકાશ નીચે લાવારીસ પડેલા મંદિરો અને કલાકૃતિઓ એક પછી એક પગ કરી ગયા બાદ જાગેલી રાજસ્થાન સરકારે આ વિસ્તાર રક્ષિત જાહેર કરી અહીં સંગ્રહાલય ખોલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેના ઠેકેદારના વિવાદમાં સંગ્રહાલયનું નિર્માણ અધુરૂ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp