અચુક માણવા જેવા ગુજરાતના લોકમેળાઓ

PC: flickr.com

ગુજરાતમાં વૌઠા (અમદાવાદ), ભવનાથ (જૂનાગઢ), તરણેતર (સુરેન્દ્રનગર), ડાકોર (ખેડા), શામળાજી (અરવલ્લી), પલ્લી (રૂપાલ ગાંધીનગર), માધવરાય (પોરબંદર), રવેચી (કચ્છ), વરાણા (પાટણ), સોમનાથ (ગિર-સોમનાથ), ફાગવેલ (ખેડા), અંબાજી (બનાસકાંઠા), માધ (ભરૂચ), ગોપનાથ (ભાવનગર) વગેરે લોકમેળા યોજાય છે. રાજ્યમાં સૌથી વધુ ૧૫૯ મેળા સુરત જિલ્લામાં અને સૌથી ઓછા ૭ મેળા ડાંગ જિલ્લામાં યોજાય છે.

ગુજરાતના લોકમેળાઓ

ચિત્રવિચિત્રનો મેળો ભારત દેશના ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે.

કવાંટાનો ગેરનો મેળો:

છોટાઉદેપુર જીલ્લાના કવાંટનો ભાન્ગુરીયાનો મેળોએ વિદેશી સેહલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. આ મેળામાં વિદેશોમાંથી ઘણા સહેલાણીઓ આવે છે. આ તહેવારોઓ આદિવાસીઓ પોતાના સાંસ્કૃતીય વેશભૂષાથી સજી તેમજ વાજીન્ત્રાઓની રમઝટ બોલાવી ઉત્સાહભેર નાચગાન કરે છે. પોતે માનેલી માનતાઓ પૂરી કરે છે.આ તહેવાર પૂરો થતા ગામના લોકો ભેગા મળી ઉજવણી કરે છે.

ચુલનો મેળો:

હોળી બાદ પંચમહાલ, ભરૂચ અને વડોદરા જીલ્લામાં આ મેળો આદિવાસી વિસ્તારોમાં ભરાય છે. જેમાં ચુલ એટલે મોટો ચૂલો જેમાં અંગારા પર આદિવાસી લોકો સાતવાર ચાલે છે અને પોતાની અગ્નિ દેવતા પ્રત્યેની શ્રધ્ધા વ્યક્ત કરે છે.આ પ્રક્રિયાને અંતે જેમ હોળીમાં કરવામાં આવે છે તેમ અંગારાની આજુબાજુ પાણીની ધાર આપવામાં આવે છે અને અગ્નિ દેવતાને નાળીયેર પધરાવવામાં આવે છે.

ઢોલ મેળો:

દાહોદ ભીલ સુધારણા મંડળ દ્વારા દાહોદમાં છેલ્લા પાંચ – છ વર્ષથી ઢોલ મેળા નું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત જુદા જુદા વિસ્તારમાંથી આદિવાસીઓ પરંપરાગત ઢોલ, થાળી, ઘુઘરા જેવા વાધ્યો વગાડતા વગાડતા દોહોદમાં ભેગા થાય છે. આ મેળા નો ઉદેશ્ય આદિવાસી સંસ્કૃતિમાં નૃત્ય અને ઢોલ ની પરંપરા ને લુપ્ત થતી બચાવવાનું છે.

ડાંગ દરબાર:

ડાંગ જીલ્લાના મુખ્ય મથક આહવા માં હોળીના ઉત્સવ દરમિયાન ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચ ડાંગ દરબારોને સરકારશ્રી તરફથી પેન્શન આપવામાં આવે છે. ડાંગ વિસ્તારમાં પરંપરાગત રીતે ડાંગ દરબારનું આયોજન થતું જેમાં આદિવાસી લોકો પોતાના નૃત્યો અને સંગીત રજુ કરતા અને એક ઉત્સવના રૂપમાં દંગ દરબાર ને ઉજવવામાં આવતો. બ્રીટીશરોની સામે પણ આ ડાંગી દરબારો કદી ઝુક્યા ન હતા, તેઓ પ્રજામાં અનહદ ચાહના ધરાવે છે તદ્દઉપરાંત તેઓ સામાન્ય આદિવાસી જેવું જ જીવન વ્યતિત કરે છે.

ભવનાથનો મેળો:

મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાની ખીણમાંથી પસાર થાય છે. એણે જે કંઈ સહન કર્યુ, જીરવ્યું, જોયું એની વેદના અથવા આનંદ વ્યકત કરતો રહે છે. વ્યકત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય જેવાકે રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો ભકિત-કીર્તનનો મેળો ભરાય છે, ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો ભરાય છે. જયારે ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.

માધવપુરનો મેળોઃ

અહીં માધવપુરમાં ચૈત્ર સુદ ૯ એટલેકે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભકિત-કીર્તનનો પાંચ દિવસનો માધવપુરનો મેળો ભરાય છે. જે ચૈત્ર સુદ ૧૩ નાં દિવસે પુર્ણ થાય છે. કહેવાય છે કે આ મેળાની શરૂઆત લગભગ તેરમી સદીની આસપાસથી થઈ હશે.

 

રણુજા (રામદેવપીરનુ મંદિર)નો મેળો:

ભાદરવા સુદ નોમ,દસમ,અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે.

તરણેતરનો મેળો-તરણેતરનો મેળો:

યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે.તરણેતરનો મેળો ચોથ,પાંચમ અને છઠ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.. પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે અને આ દિવસેજ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને ૨૦૦-૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. ભરવાડની ત્રણેય પખાની નાતનો જ મોટાભાઈ, નાનાભાઈ અને દુધયા ભરવાડ ભેગા થાય છે.

ધ્રાંગ મેળો:

ધ્રાંગ દક્ષિણ સીમામાં એક નાનું કચ્‍છ જિલ્‍લામાં આવેલું ગુજરાતનું ગામડું છે. ગામ પાકિસ્‍તાનની સીમા પર આવેલ છે. અને ભુજ થી લગભગ ૫૦ કિ.મી. દૂર છે. ધ્રાંગ મકરંદ દાદા માટે જાણીતું ગામડું છે. જેમણે ભક્તિ સાથે સમુદાયની સેવા કરી હતી. આ જગ્‍યામાં તેમની સમાધિ આવેલ છે. તેમના અનુયાયીઓ ગુજરાતમાં વિવિધ ભાગો અને રાજસ્‍થાનથી મોટી સંખ્‍યામાં તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા અને ધાર્મિક અનુષ્‍ઠાનોમાં ભાગ લેવા માટે આવે છે.

વૌઠાનો મેળો:

પુરાણ-કથાઓમાં વૌઠાના મેળોનો ઉલ્લેખ જોવા મળે છે. અને આ સંસ્કૃતિ હજી પ્રચલિત છે.આ મેળો દરવર્ષે વૌઠામાં ઉજવવામાં આવે છે. વૌઠા એ સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્‍થળ છે. વૌઠાના વિસ્‍તારને સપ્ત-સંગમના રૂપમાં પણ પ્રચલિત છે. જ્યાં સાત નદીઓનો સંગમ છે. કિંદ વંદિતીઓ દર્શાવે છે કે ભગવાન કાર્તિક, ભગવાન શીવ અને ‘મા’ પાર્વતીના પુત્રએ આ સ્‍થળની મુલાકાત લીધી હતી. લોકપ્રિય મુરુગાના રૂપમાં ઉજવવામાં આવે છે. દેવોના સેનાના સેનાપતિ છે તેવા કાર્તિકેયને આ મેળો અર્પિત છે. કાર્તિક પૂર્ણિમા, (ઓકટોમ્‍બર, નવેમ્‍બર) ની રાત્રે આ મેળો ઉજવવામાં આવે છે. અહીંનું શીવ મંદિર સિદ્ધનાથ પણ અગત્‍યનું છે.

અંબાજી ભાદરવી પૂનમ મેળો:

દર વર્ષે અંબાજી મંદિરના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવે છે અને ૫૧ શક્તિપીઠોમાંનું એક પીઠ આવેલું છે. ભરમહિનાની પૂર્ણિમા સૌથી મહત્‍વનો તહેવાર છે.ભાદરવી પૂનમ દરમિયાન (સપ્‍ટેમ્‍બરમાં) અંબાજી ખાતે એક મોટા ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવેલ છે. સરાસુર દેવસ્‍થાન ટ્રસ્‍ટ દ્વારા અને જિલ્‍લા પ્રશાસન દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ભાગ લેવા માટે ૧૭-૨૦ લાખ શ્રદ્ધાળું અંબાજી ખાતે આવે છે.

ચાડિયાનો મેળો:

દાહોદ જિલ્લાનો સૌથી મોટો ગણાતો ચાડીયાનો મેળો ધાનપુર ગામે યોજાયો હતો. આ મેળામાં વર્ષો જૂની નોખી પરંપરા નિહાળી આવનારા લોકો મંત્રમુગ્ધ થયા હતા. ધાનપુર ખાતે ધુળેટીના બીજા દિવસે ઉજવાતા ચાડીયાનો મેળા પણ બહુ જ મહત્ત્તવનો હોય છે. આ મેળામાં મેળાની વચ્ચોવચ આવેલ આંબાના ઝાડની ટોચ ઉપર એક સફેદ કલરના કાપડમા ગોળ, ધાણા અને રોકડ ઇનામો મૂકાતા હોય છે. તેમજ આ ગોળની પોટલી લેવા યુવાનો થનગનતા હોય છે. ત્યારે આંબાના ઝાડની ફરતે મહિલાઓ વાંસની સોટી લઈને આદિવાસી સમાજના લોકગીતો ગાતી ગાતી ગોળ ફરે છે.જે પણ યુવાન પોટલી લેવા નીકળે તો, મહિલાઓ તેને વાંસની સોટી મારે છે. પણ યુવાનો પોટલી લઈને જ નીચે આવે છે. આ ચાડીયો કરવા પાછળનું કારણ વર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે, જેમાં લોકો સંતાન સુખની પ્રાપ્તિ, માટે પણ ગોળની પોટલી ઉતારવાની માનતા રાખતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp