26th January selfie contest

સુરતનું ગોપી તળાવ બનાવનાર ગોપી મલિક કોણ હતા?

PC: khabarchhe.com

સુરતના રાજકીય, સામાજિક અને આર્થિક ઇતિહાસ સાથે મલિક ગોપીનું નામ અભિન્ન રીતે જોડાયેલું છે. સુરતનો ગોપીપરા વિસ્તાર અને ગોપીતળાવ ગોપી મલિકના નામ સાથે જોડાયેલા છે. સુરત આર્થિક, સામાજિક અને ધાર્મિક ઇતિહાસના ઘડતરમાં ગોપીનો ફાળો ખૂબ જ વિશાળ હતો. સુરતના ઉદય અને વિકાસને અનુલક્ષીને લખાયેલી કે પ્રચલિત થયેલી દંતકથાઓના પાત્ર તરીકે ગોપી મલિક પ્રસિધ્ધ થાય હતા. તેના વિષે સ્થાનિક કવિઓએ કવિતાઓ લખી છે અને પોર્ટુગીઝ ઇતિહાસકારોએ સુરતના અગ્રગણ્ય રાજપુરુષ અને વેપારી તરીકે મલિક ગોપી વિષયક વિસ્તૃતમાં નોધ પણ મુકી છે. ગોપીની કિર્તી તેના મૃત્યુ પછી પણ સુરતના લોકો ગાતા રહ્યા છે.

ગોપી મુળ ઉત્તર ગુજરાતના વડનગરનો નાગર બ્રાહ્મણ હતો. શરૂઆતથી જ તેનું કુટુંબ વેપારવણજ સાથે સંકળાયેલું હતું. ગોપે તેની વેપારી પ્રવૃતિ અને વસવાટ માટે સૂર્યપુર સુરતને પસંદ કર્યુ તે માટે તત્કાલીન રાજકીય અને સામાજિક સ્થિતીએ મહત્વનો ભાગ ભજવ્યો હશે એમ ઇતિહાસમાં ઉલ્લેખનીય છે. ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત સ્થપાયા પછી અમદાવાદ, ખંભાત, ભરૂચ, રાંદેર વગેરે મુસ્લિમ વેપારીઓના મહત્વના વેપારી કેન્દ્રો બન્યા હતા. તેમની વેપારી હરીફાઇથી બચવા જ જેમ રાંદેરથી જૈન વેપારીઓ સૂર્યપુર સુરત વસ્યા હતા તેવી રીતે ગોપી પણ તેવી રીતે જ આવ્યો હતો. સુલતાન મહમૂદ બેગડા (1459-1511)ના શાસન દરમ્યાન ગોપી પંદરમી સદીના અંતિમ વર્ષો સુરતમાં આવીને વસ્યો હતો. આશરે 20 વર્ષ વેપારી પ્રવૃતિને લઇને તે સુરતનો અગ્રગણ્ય વેપારી બન્યો હતો. ગુજરાતના સુલતાને તેની રાજકીય અને વેપારી તરીકેની યોગ્યતાને પીછાણીને ઇ.સ. 1509માં સુરત રાંદેર અને ભરૂચનો હાકેમ બનાવ્યો હતો.

ગોપીને સુલતાન મહમૂદ બેગડાએ નાઝિમ પદ આપ્યા બાદ તેને શાહી દરબારમાં મુખ્ય અમીર તરીકે પણ પ્રતિષ્ઠિત થયો હતો અને સંભવતહ તેને ગુજરાતનું મુખ્ય વજીરપદ પણ મળ્યુ હતુ. તે એકમાત્ર બિનમુસ્લિમ વજીર હતો. સુલતાન મહમૂદનું 1511માં નવેમ્બરમાં તેનું અવસાન થયા પછી ગોપીની રાજકીય કારકિર્દીમાં પણ પરિવર્તન આવ્યુ હતુ. આ દિવસોમાં સુલતાન મુઝ્ઝફર 2ને સુલતાન બનાવવા માટે ગોપીએ મદદ કરી હતી તેથી તેને ગુજરાતનો મુખ્ય વજીર બનાવ્યો અને ત્યારબાદ તેને મલિકનો ખિતાબ મળ્યો હતો. મલિક ગોપીએ તેના સુરત નિવાસ દરમ્યાન વસાવેલું પરું અને બંધાવેલું તળાવ તેના નામથી આજે પણ ગોપીપરું અને ગોપી તળાવ તરીકે ઓળખાય છે.

મલિક ગોપી મુસ્લિમ અમીરોની ઇર્ષાનો ભોગ બન્યો તે પ્રસંગ સુરતના પ્રજા જીવનમાં લાંબા સમય સુધી ચર્ચાતો રહ્યો હતો. બે સદીઓ પછી લખાયેલા નિર્વાણચરિત્ર પ્રકાશ નામક હિંદી કાવ્યમાં દુલારામે કાવ્યાત્મક ભાષામાં રજુ કર્યો હતો.

ગોપી અબ તો નાઝિમ હો આગે હોગે વજીર

ગોપી રહે ન વજીર રહે બૂરી ઇર્ષા કી પીર

રાજનીતિ પ્રપંચ હૈ જાકે વેરી અનેક

ગોપી તો હૈ ફસાવહી મિત્ર શયાને નેક

સત્તરમી સદી દરમ્યાન પ્રસિદ્ધ જૈનાચાર્ય વિનયવિજય ઉપાધ્યાય ચારેકવાર સુરત રાંદેરમાં ચાતુર્માસ રહ્યા હતા. તેમણે ઇ.સ. 1660 પહેલાં લખેલા ઇન્દુદૂતમ્ કાવ્યમાં ગોપી તળાવનું કાવ્યાત્મક ભાષામાં સુંદર શબ્દ ચિત્ર દોર્યું છે. તેઓ લખે છે..

અહીં ગોપી નામનું તળાવ છે તેના મહત્વનું શું વર્ણન કરું, કે જે ક્ષીર સાગરનું મંથન કરીને અથવા તો તેમાંથી નીકળેલી એક કળાન હોય એમ લાગે છે અથવા તો દુખમાં અત્યંત ઘવાયેલું મેરું હોય અથવા તો મંથનના ત્રાસથી અહીં આવેલ સાગરના તંરગોનો અતિ વેગવાન સંચાર ન હોય તેમ લાગે છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp