26th January selfie contest

ફક્ત પથ્થરોથી બનશે અયોધ્યાનું રામ મંદિર, ટ્રસ્ટે જણાવ્યું ક્યારે બની જશે મંદિર

PC: toiimg.com

બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિનો વિવાદ વર્ષો સુધી ચાલતો રહ્યો. આ વિવાદનો અંત ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં આવ્યો હતો, જ્યારે સુપ્રીમ કોર્ટે આ જમીન રામલલાને સોંપી અને બાબરી મસ્જિદ માટે મુસ્લિમ સમુદાયને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવા કહ્યું હતું. સાથે જ સુપ્રીમ કોર્ટે રામ મંદિર માટે એક ટ્રસ્ટનું નિર્માણ કરવા પણ કહ્યું હતું. ત્યારબાદ 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન દ્વારા ભૂમિપૂજન કરીને પાયો નાંખવામાં આવ્યો હતો. ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે, મંદિર નિર્માણ કાર્ય ક્યાં સુધીમાં પૂરું થઈ જશે અને લોકો ક્યારે ત્યાં પોતાના આરાધ્યા દેવની પૂજા કરી શકશે. આ બાબતે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનું કહેવું છે કે, આવતા 36-40 મહિના એટલે કે, લગભગ 3 વર્ષમાં પૂરું થઈ જશે અને નિર્માણ કંઈક એવી રીતે કરવામાં આવશે કે આવતા 1 હજાર વર્ષ સુધી કોઈ નુક્સાન વિના ઊભું રહેશે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે માત્ર પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે. એમ કહેવું છે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયનું. તેમણે કહ્યું કે, પથ્થરથી બનેલું મંદિર 1 હજાર વર્ષથી વધારે સમય સુધી ઊભું રહેશે. ચંપત રાય જે, વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ પદાધિકારી પણ છે તેમણે કહ્યું કે, રામ મંદિરના નિર્માણની પ્રક્રિયામાં IIT ચેન્નાઈ અને કેન્દ્રીય ભવન અનુસંધાન સંસ્થા (CBIRI)ના સભ્યોનું મંતવ્ય પણ લેવામાં આવ્યું છે. અહીં સંવાદાતાઓ સાથે વાતચીત કરતાં ચંપત રાયે કહ્યું હતું કે, લાર્સન એન્ડ ટુબ્રો મંદિરનું નિર્માણ કરશે. જમીનની ક્ષમતાની તપાસ IIT ચેન્નાઈના એન્જિનિયર કરશે. જ્યારે, CBIRIના લોકોની સલાહ મંદિરને ભૂકંપરોધી બનાવવા માટે લેવામાં આવે રહી છે.

ચંપત રાયે કહ્યું કે, મંદિર નિર્માણમાં લગભગ 10 હજાર તાંબાના સળિયાઓનો ઉપયોગ કરવામાં આવશે. મંદિર નિર્માણમાં મદદ કરવા માગતા લોકો તાંબું દાન કરી શકે છે. પથ્થરોથી મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવશે, જેનાથી હવા, પાણી અને તડકામાં તેને નુકસાન નહીં પહોંચે અને મંદિર હજાર વર્ષ સુધી આ રીતે જ ઊભું રહે. તમને જણાવી દઈએ કે, વર્ષ 1989માં પ્રસ્તાવિત આ મંદિરનું મોડલ બદલીને તેને વધુ ભવ્ય કરી દેવામાં આવ્યું છે. પહેલા મંદિરોના શિખરની ઊંચાઈ 128 ફૂટ હતી, હવે 161 ફૂટ હશે. ત્રણ જગ્યાએ 5 ગુંબજ અને એક મુખ્ય શિખર હશે. મંદિરની કુલ ભૂમિ 67 એકર છે, પરંતુ મંદિર 2 એકરમાં જ બનશે. બાકી 65 એકરની જમીનમાં રામ મંદિરના પરિસરનો વિસ્તાર કરવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp