ઓખી ઈફેક્ટ: આખા ગુજરાતમાં કુદરતી AC...

PC: thehindubusinessline.com

ઓખી વાવાઝોડું ગુજરાતનાં સાગર તટ પર ત્રાટકે તે પહેલાં જ દરીયામાં સમાઈ ગયા બાદ બુધવારે એટલેકે આજે સમગ્ર ગુજરાતને ઠંડુગાર કરી નાંખ્યું છે. ગુજરાતનાં લોકો કાશ્મીરનો અનુભવ કરી રહ્યા છે. ભારે વરસાદ અને ભારે પવનનાં કારણે દરીયામાં જ ગરક થયેલા ઓખી ચક્રાવાત બાદ રાજ્યનાં વાતાવરણમાં આજે પણ વાદળો ઘેરાયેલા રહ્યા છે.

સ્કાયમેટનાં જણાવ્યા પ્રમાણે પશ્ચિમ દિશામાંથી આવતા સૂકા પવનો ઓખીની સિસ્ટમમાં દાખલ થયા હતા. જોકે, આ પવનની દિશા અને નિર્દેશ ગુજરાતમાં વધારે પ્રભાવક રીતે જોવા મળતી નથી. પરંતુ ઓખીનાં કારણે પશ્ચિમી પવનો ખેંચાયા હતા. આજની દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડ્યો ન હતો પરંતુ ગુજરાતે ભારે ઠંડીનો ચમકારો જરૂર અનુભવ્યો હતો. પરંતુ કેટલાક વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.

આવતીકાલે હવામાન સંપૂર્ણપણે સ્પષ્ટ થવાની સંભાવના જોવા મળી રહી છે અને સૂર્ય નારાયણ દર્શન આપી શકે છે અને સવારમાં સૂર્યદેવના દર્શન કરી પૂજા કરી શકાશે. ઓખીની અસર સીધી રીતે કર્ણાટક અને ઉત્તરપ્રદેશ સુધી જોવા મળી હતી.

પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. લોકોમાં ગભરાટ અને ભયનાં માહોલનું નિર્માણ થયું હતું પરંતુ ગત મધ્યરાત્રીએ ઓખી વાવાઝોડું દરીયામાં જ ફિનિશ થઈ ગયું હોવાના સમાચાર પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત સહિત સમગ્ર દ.ગુજરાતમાં દિનસ દરમિયાન ઠંડીનો સૂસવાટો જોવા મળ્યો હતો. લોકોએ ઘરોમાં રહેવાનું વધારે પસંદ કર્યું હતું. શાળા-કોલેજોમાં રજા આપી દેવામાં આવી હતી. આજે પણ શાળા અને કોલેજો બંધ રહી હતી. આવતીકાલે હવામાન નોર્મલ રહેશે તો શાળા-કોલેજો ખૂલવાની શકયતા જોવાઈ રહી છે નહિંતર આવતીકાલે પણ રજા પાળી દેવામાં આવે એવું મનાય છે.

સરકારી તંત્ર દ્વારા ઓખી વાવાઝોડાને પહોંચી વળવા માટે અગમચેતીનાં પૂરતા પગલા ભરવામાં આવ્યા હતા. સુરતનાં કલેકટર મહેન્દ્ર પટેલે પોતે ખડેપગે રહી તંત્રને પણ દોડતું રાખ્યું હતું. સુરત મહાનગર પાલિકા દ્વારા સેફટીનાં તમામ પગલા ભરી ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટને કામે લગાડી દેવામાં આવ્યું હતું. ઓખી વાવાઝોડાની ઘાત ટલી જતા હવે પ્રથમ તબક્કાનાં ચૂંટણી પ્રચાર માટે અંતિમ બે દિવસ રાજકીય પાર્ટીઓએ જોર લગાવી દેશે. વાવાઝોડાનાં પરિણામે પ્રચાર પર વિપરીત અસર પડી હતી અને ચૂંટણી પંચ પણ હરકતમાં આવી ગયું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp