હિન્દીફિલ્મ જગતના મહાન શૉ મેન રાજકપૂરને જન્મદિનની હાર્દિક શુભકામના

હિન્દી ફિલ્મ જગતના મહાન શો મેન રાજ કપૂરનો આજે જન્મદિવસ છે. રાજ કપૂરને આમ તો કોઈ જ ઓળખાણની જરૂર નથી. રાજ કપૂરની ત્રીજી પેઢી આજે રણબીર કપૂર અને કરિના કપૂર તરીકે બોલિવુડ પર રાજ કરે છે. પરંતુ તેમ છતાં તેમના વિષે કેટલીક અજાણી હકીકતો છે તેના પર આપણે આજે એક નજર નાખીએ છીએ.

  • રાજ કપૂરે તેમની ફિલ્મ કારકિર્દી એક ક્લેપર બોય તરીકે શરુ કરી હતી. રાજ કપૂર તે સમયે હિન્દી ફિલ્મોના મોટા એક્ટર પૃથ્વીરાજ કપૂરના પુત્ર તરીકે જાણીતા હતા. તેમ છતાં તેમણે કેદાર શર્માની ફિલ્મ વિષકન્યા (1943) માં તેઓએ ક્લેપર બોય તરીકે કાર્ય કર્યું હતું. ફિલ્મોના શોખીન અને ફિલ્મનો હિરો બનવાની તમન્ના ધરાવતા રાજ કપૂર કાયમ પોતાનું માથું વ્યવસ્થિત ઓળી અને ફિલ્મોના શોટ્સને ક્લેપ આપતા.
  • એક વાર વિષકન્યાના શુટિંગ દરમ્યાન જ સાંજે જ્યારે લાઈટ ઓછી થઇ રહી હતી અને કટોકટીની મિનિટો ગણાઈ રહી હતી. ત્યારે રાજ કપૂર ક્લેપ આપવા હિરોની ખુબ નજીક ગયા. તેમણે જ્યારે ક્લેપ ઉંચો કરીને નીચો કર્યો ત્યારે હિરોની દાઢી એમાં ફંસાઈ ગઈ અને તે નીકળી ગઈ. આમ શૂટિંગ કરવા માટે હવે બિલકુલ સમય ન રહેતા ડાયરેક્ટર કેદાર શર્મા ખુબ ગુસ્સે થયા હતા અને એવું કહેવાય છે કે તેમણે ઉભા થઇને રાજ કપૂરને એક સણસણતો તમાચો છોડી દીધો હતો.
  • રાજ કપૂરે 1935માં બનેલી ફિલ્મ ‘ઇન્કિલાબ’માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમને તેમનો સૌથી મોટો બ્રેક બાર વર્ષ પછી મધુબાલા સામે ‘નીલ કમલ’માં મળ્યો હતો.
  • રાજ કપૂરનું ખરું નામ રણબીર હતું. જે તેમના જ પૌત્ર રણબીર કપૂરે જાળવી રાખ્યું છે. ખરેખર તો રાજ એ કપૂર ખાનદાનનું વચલું નામ છે. જેમકે, પૃથ્વી રાજ કપૂર, શમશેર રાજ કપૂર (શમ્મી કપૂર) અને બલબીર રાજ કપૂર (શશી કપૂર).
  • એક્ટર બનવાની તમન્ના ધરાવતા રાજ કપૂર શરૂઆતના દિવસોમાં મ્યુઝિક ડાયરેક્ટર બનવા માંગતા હતા. પરંતુ ત્યાર બાદ તેમણે એક્ટિંગને પોતાની પ્રથમ પસંદગી બનાવી. રાજ કપૂર ત્યાર બાદ ખુદ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ બન્યા અને આ સમયે તેમની ઉંમર માત્ર 24 વર્ષની હતી. રાજ કપૂરમાં સંગીતની સમજ ખૂબ ઊંડી હતી અને એવું કહેવાય છે કે તેમની ફિલ્મોમાં મોટાભાગની ધૂનો તેમણે જ તૈયાર કરી હતી.
  • રાજ કપૂરના પ્રખ્યાત બેનર RK ફિલ્મ્સની સર્વ પ્રથમ ફિલ્મ હતી ‘આગ’. પરંતુ RK ફિલ્મ્સનો સુપ્રસિદ્ધ લોગો રાજ કપૂર અને નરગીસની ફિલ્મ ‘બરસાત’ના એક સીનમાંથી લેવામાં આવ્યો છે. જેમાં રાજ કપૂર વાયોલિન લઈને ઉભા છે.
  • રાજ કપૂર અને નરગીસ વચ્ચેના પ્રેમ સંબંધો જગજાહેર હતા. તેમણે એક સાથે કેટલીયે ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સંબંધ જ્યારે ખૂબ આગળ વધવા લાગ્યો ત્યારે એવું કહેવાય છે કે રાજ કપૂરના પત્ની ક્રિશ્ના રાજ કપૂર ઘર છોડીને પોતાને પિયર ચાલ્યા ગયા હતા. છેવટે રાજ કપૂરે પ્રેમિકા અને પત્ની વચ્ચે પત્નીને પસંદ કરી અને નરગીસ સાથેના તમામ સંબંધો પૂર્ણ કરી દીધા. રાજ કપૂર અને નરગીસ ફિલ્મ ‘બૂટ પોલિશ’ના અંતિમ સીનમાં અંતિમ વાર સાથે દેખાયા હતા.
  • બરસાત ફિલ્મ ખુબ મોટી હીટ રહી હતી અને આને લીધે રાજ કપૂરે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક જગ્યા લીધી અને ખુદનો RK સ્ટુડિયો ઉભો કર્યો. અહીં તેમની પ્રથમ ફિલ્મ શૂટ થઇ જેનું નામ હતું ‘આવારા’.
  • એક સમયમાં રાજ કપૂર અને દિલીપ કુમારને એક બીજાના હરીફ ગણવામાં આવતા, પરંતુ દિલીપ કુમારના લગ્ન દરમ્યાન તેની બારાતનું નેતૃત્વ રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર કરી રહ્યા હતા.
  • રાજ કપૂર અને એક અન્ય મહાન ડાયરેક્ટર હ્રીશીકેશ મુખરજી એકબીજાના પાકા દોસ્ત હતા. રાજ કપૂરે હ્રીશીકેશ મુખરજીના નિર્દેશનમાં બનેલી ‘અનાડી’ ફિલ્મમાં હિરો પણ બન્યા હતા. હ્રીશીકેશ મુખરજીને એક સમયે ખુબ ખરાબ વિચાર આવ્યો હતો કે તેમના મિત્ર રાજ કપૂરનું અકાળે અવસાન થઇ જશે તો? આ જ વિચાર પરથી તેમણે ‘આનંદ’ ફિલ્મ બનાવી હતી જેમાં તે સમયના સુપર સ્ટાર રાજેશ ખન્ના અને તે સમયે સંઘર્ષ કરી રહેલા પરંતુ હવે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને એકસાથે કામ કર્યું હતું.
  • પુત્ર રિશી કપૂરને હિરો તરીકે લોન્ચ કરતી ફિલ્મ ‘બોબી’ માં જ્યારે રિશી કપૂર અને ડિમ્પલ કાપડિયા પહેલીવાર એકબીજાને મળે છે અને બારણું ખોલતી વખતે ડિમ્પલ પોતાના વાળ સરખા કરતી હોય છે અને તે વખતે તેના પર લોટ ચોંટી જાય છે એ દ્રશ્ય રાજ કપૂર પોતે સૌથી પહેલીવાર નરગીસને મળવા તેને ઘેરે ગયા હતા ત્યારે એવું ખરેખર બન્યું હોવાનું કહેવાય છે.
  • ‘આવારા’ ફિલ્મમાં કપૂર ખાનદાનની ત્રણેય પેઢીઓ એકસાથે પહેલીવાર આવી હતી. આ ફિલ્મમાં રાજ કપૂર સાથે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરની મહત્ત્વની ભૂમિકા હતી. ફિલ્મના કોર્ટરૂમ સીનમાં રાજ કપૂરના દાદા બશેશ્વરનાથ કપૂર પણ જજ તરીકે જોવા મળ્યા હતા. ત્યારબાદ વર્ષો પછી આવેલી ફિલ્મ ‘કલ આજ ઔર કલ’ જે RK ફિલ્મ્સે જ બનાવી હતી તેમાં પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર અને રણધીર કપૂર એમ ત્રણ પેઢીઓ એક સાથે દેખાઈ હતી. આ ફિલ્મને રણધીર કપૂરે ડાયરેક્ટ કરી હતી. આ ઉપરાંત ‘શ્રી 420’ ફિલ્મના અતિશય લોકપ્રિય ગીત “પ્યાર હુઆ ઈકરાર હુઆ” ના એક દ્રશ્યમાં રાજ કપૂરના ત્રણેય સંતાનો રણધીર કપૂર, રિશી કપૂર અને રાજીવ કપૂર દેખાય છે.
  • રાજ કપૂર માત્ર ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સોવિયેત યુનિયન, આફ્રિકા, ગલ્ફના દેશો તેમજ ચીન અને તુર્કીમાં પણ એટલા જ લોકપ્રિય હતા. તેમની સ્ટાઈલ લોકોને ચાર્લી ચેપ્લિન જેવી લગતી.
  • રાજ કપૂરે લોકપ્રિયતાની સાથે સાથે ઘણા બધા એવોર્ડ્સ પણ જીત્યા હતા. જેમાં બે નેશનલ એવોર્ડ્સ બેસ્ટ ફિચર ફિલ્મ માટે અને 11 ફિલ્મફેર એવોર્ડ્સ શામેલ હતા. આ ઉપરાંત 1971માં તેમને ભારત સરકારે પદ્મભૂષણથી પણ સન્માનિત કર્યા હતા. 1988માં તેમના અવસાન અગાઉ થોડા જ દિવસો પહેલા રાજ કપૂરને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા આ જ સમારંભ દરમ્યાન રાજ કપૂરને દમનો ભયંકર હુમલો થયો હતો અને રાષ્ટ્રપતિ આર વેંકટરમણ સ્ટેજ પરથી ઉતરીને રાજ કપૂર પાસે આવીને તેમને આ એવોર્ડ આપ્યો હતો. અહીંથી જ તેમને સીધા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp