લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે થાય તો શું? આ છે ફાયદાઓ...

PC: indianexpress.com

શું દેશના રાજકારમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવામાં ફાયદો છે કે નુકશાન? હાલની સરકાર ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરી નવેસરથી કાયદો બનાવવાની ફિરાકમાં છે.

બિહરામાં સરકાર ચલાવી રહેલા જનતા દળ-યુનાં મહાસચિવ કેસી ત્યાગીએ તાજેતરમાં નિવેદન આપી સમય પહેલા ચૂંટણી થવાની અટકળોને જોરમાં લાવી દીધી છે. તેમણે કહ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવા માટે જદ-યુ ટેકો આપે છે. કેસી ત્યાગીના મત મુજબ જદ-યુએ બિહારની ચૂંટણી 2018માં કરવા માટે પણ તૈયારી રાખી છે. બિહારમા વિધાનસભાની ચૂંટણી 2020માં થવાની છે.

પાછલા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દેશમાં આ માટે અનુકુળ વાતાવરણ ઉભું કરવાની કોશીશ કરી રહી છે. વડાપ્રધાન મોદી પોતે આ વાત અનેક વખત કહી ચૂક્યા છે. પીએમનાં નિવેદન બાદ ચૂંટણી પંચે પણ કહ્યું કે આ માટે પંચ પોતાની કાર્યક્ષમતા વધારી રહ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે 2018 સપ્ટેમ્બર સુધીમાં પંચની વ્યવસ્થા એવી થઈ જશે કે લોકસભા અને વિધાનસભીની ચૂંટણી એક સાથે યોજી શકાય તો એનો પહોંચી વળાશે.

આઝાદીનાં પ્રારંભકાળામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થતી હતી. આ માટે કોઈ બંધારણીય ગૂંચ કે મૂંઝવણ રહેલી નથી. પરંતુ સુવિધાના કારણોસર 1952માં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ અને તેની સાથે જ વિધાનસભાની પણ ચૂંટણી યોજવામાં આવી હતી. લગભગ 15 વર્ષ સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકી સાથે યોજાતી રહી પરંતુ ત્યાર બાદ આ ચક્રમાં ભંગાણ થયું. કારણ કે કેટલાક રાજ્યોમાં રાજકીય અસ્થિરતાના કારણે કોઈ એક પાર્ટીને બહુમતિ ન મળી અને તે સરકારો પડી ગઈ. હવે ફરી એક વાર બન્ને ચૂંટણી એકી સાથે યોજવાની ચર્ચા ચાલી રહી છે તો એના ફાયદા પર શું હોઈ શકે છે, તે બાબત વિચાર માંગી લે તેમ છે.
રાજનીતિક અસ્થિરતા દુર થશે

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાનું સૌથી મોટો ફાયદો એ બતાવવામાં આવી રહ્યો છે કે રાજનીતિક સ્થિરતા આવી જશે. કારણ કે જો કોઈ રાજ્યમાં કાર્યકાળ પૂર્ણ થયા પહેલાં જ સરકાર પડી ગઈ અથવા ચૂંટણીમાં કોઈ પાર્ટીને બહુમતિ ન મળી તો નવેસરથી કોઈ ચૂંટણી થશે નહી. ચૂંટણી પાંચ વર્ષનાં નિર્ધારિત સમય પર જ થશે. અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે. આના કારણે રાજકીય સ્થિરતા આવી જશે.

પાંચ વર્ષ સુધી કોઈ પણ રાજ્યએ વિધાનસભાની રચના કરવાનો ઈન્તેજાર કરવો પડશે નહી. આના માટે સૂચન આપવામા આવી રહ્યું છે કે અઢી-અઢી વર્ષનાં આંતરે બે ચૂંટણી થાય. અડધા રાજ્યની વિધાનસભાની ચૂંટણી લોકસભા સાથે થાય અને બાકી રાજ્યોની ચૂંટમી અઢી વર્ષ બાદ. જો વચ્ચે કોઈ રાજકીય સંકટ આવી જાય અને ચૂંટણીની જરૂરત પડે તો ત્યાં અઢી વર્ષની મુદ્દત માટે જ સરકાર રચાશે અને ત્યાર બાદ જ ચૂંટણી થશે. એટલે કે કોઈ પણ ચૂંટણી પાંચ વર્ષ પહેલા થશે નહી અને લોકસભા સાથે જ સાંકળી લેવાશે. વિધિ આયોગે 1999માં પોતાના 117માં રિપોર્ટમાં રાજનીતિક અસ્થિરતાને આધાર બનાવી બન્ને ચૂંટણી એક સાથે કરવાની ભલામણ કરી હતી.

ચૂંટણી ખર્ચ અને અન્ય બચત

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય તો ચૂંટણી ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બન્ને ચૂંટણી એક સાથે કરવાથી આશરે 4500 કરોડ રૂપિયાની બચત થઈ શકે છે.

બચતની વાત અને પ્રકારે કરવામાં આવી રહી છે. જો બન્ને ચૂંટણી સાથે થાય તો મોટા પ્રમાણમાં સરકારનું કામ એક જ ખર્ચમાં આટોપાઈ જશે. અલગથી ચૂંટણી કરવી કે વિશેષરૂપે સુરક્ષા આપવાના ઉપાયોમાંથી મૂક્તિ મળી જશે. એક જ વખતની વ્યવસ્થામાં બન્ને ચૂંટણી થઈ જશે અને સાધનોની બચત થશે. સુરક્ષા વ્યવસ્થાને પણ વારંવાર ચૂંટણીના કાર્યોમાં જોતરવા પડશે નહી અને સુરક્ષા દળોનો અન્ય જગ્યાએ જ્યાં ખરેખર જરૂરીયાત છે ત્યાં ઉપયોગ કરી શકાશે.

રાજકીય પાર્ટીઓને પણ અલગ-અલગ ખર્ચ કરવામાંથી મૂક્તિ મળી જશે. સ્ટાર પ્રચારકો એક જ સભાથી બન્ને ચૂંટણીનો પ્રચાર કરી શકશે. સાથે ચૂંટણીનાં કારણે હેલિકોપ્ટરથી લઈ સભા, રેલી અને અનેક પ્રકારના ખર્ચ સાવ જ ઘટી જશે.

તંત્રને મળશે સુવિધા અને સરળતા

એક સાથે ચૂંટણી થવાના કારણે કેટલીય બાબતોમાં સુવિધા અને સરળતા આવી શકે છે. અલગ અલગ ચૂંટણી થવાથી દરેક વખતે આચારસંહિતાનું અલગ અલગ અમલીકરણ થાય છે. આચારસંહિતા લાગુ થાય છે તો એવું બને છે કે વિકાસ સંબંધિત કે કેપિટલ પ્રોજેક્ટ સંબંધિત નિર્ણય લેવામાં વિલંબ થઈ જાય છે. જાણકારો પ્રમાણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થવાથી વહીવટીતંત્રને પડતી અગવડો દુર થઈ જશે અને તંત્ર પ્રભાવી રીતે કાર્ય કરી શકશે.

સામાન્ય જનજીવનની અસુવિધામાં ઘટાડો

જ્યારે પણ ચૂંટણી થાય છે ત્યારે જનજીવન પ્રભાવિત બની જાય છે. ચૂંટણીની રેલીઓની વાહન વ્યવહાર પર અસર થાય છે. અનેક પ્રકારના પ્રતિબંધના કારણે લોકોને અનેક હાલાકી પડે છે. આવામાં વારંવાર તથી ચૂંટણીના બદલે બન્ને ચૂંટણી એક સાથે થાય છે તો લોકોને પડતી મુશ્કેલીઓમાં મોટાપ્રમાણમાં ઘટાડો થઈ શકે છે.

લોકોની ભાગીદારી વધશે

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય તો લોકોની ભાગીદારી વધી જશે. દેશમાં ઘણા એવા લોકો છે જેમનું વોટર આઈડી કાર્ડ બન્યું છે અલગ સરનામે અને તેઓ કામ કરે છે અન્ય કોઈ સરનામે. અલગ અલગ ચૂંટણી થવાથી તેઓ વોટીંગ કરી શકતા નથી. હવે એવું કહેવાય છે કે એક સાથે ચૂંટણી થવાથી આવ મતદારો એક જ સમયે વોટ આપી શકશે અને આના કારણે ચૂંટણીમાં લોકોની ભાગીદારી પણ વધી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp