‘ઓખી’ વાવાઝોડું 5 મીએ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટકશે

PC: khabarchhe.com

સુરત પાસેના દરિયા કાંઠેથી અત્યારે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં 870 કિલોમીટર દૂર રહેલું 'ઓખી' વાવાઝોડું તા.5મી ડિસેમ્બરને મંગળવારે લગભગ મધ્યરાત્રીએ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાને સ્પર્શે એવી હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકારનું વહીવટીતંત્ર છેલ્લા ચોવીસ કલાકથી એલર્ટ થઇ ગયું છે.

રાજ્યના મુખ્યસચિવ ડૉ. જે.એન.સિંહે આજે બપોરે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓના બનેલા આપત્તિ વ્યવસ્થાપન ગ્રુપની તાકીદની બેઠક બોલાવીને વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરાં પગલાં લેવા અને અન્ય કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ રહેવાની તાકીદ કરી હતી. દરિયા કાંઠાના જિલ્લાઓના વહીવટી તંત્રને ચોવીસ કલાકના કંટ્રોલ રૂમ શરૂ કરવા અને ખડેપગે રહેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 'ઓખી' જ્યારે ગુજરાતના દરિયાકાંઠાનો સ્પર્શ કરશે ત્યારે તેની તીવ્રતા ઘણી ઓછી થઇ ગઇ હશે, પરંતુ ડીપ ડીપ્રેશન કે ડીપ્રેશનની સ્થિતિ સર્જાશે. તે વખતે પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગના અગ્રસચિવ પંકજ કુમારે નાગરિકોને ભયભીત નહીં થવા અને ચિંતા નહીં કરવા પરંતુ સજાગ અને જાગૃત રહેવાની અપીલ કરી છે. પંકજકુમારે હવામાન વિભાગ તરફથી મળેલી માહિતીના અનુસંધાનને જણાવ્યું હતું કે, આવતીકાલ 5 મીની મધ્યરાત્રીએ 'ઓખી' વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને સ્પર્શે એવું અનુમાન છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ અને તાપી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર ઉપરાંત દીવ અને દમણ ઉપરાંત દાદરાનગર હવેલી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્રને ખડેપગે રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ જિલ્લાઓમાં તમામ તાલુકા મથકોએ પણ ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાની તાકીદ કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવા અને ગયેલા માછીમારોને તાત્કાલિક પરત આવી જવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ અને પોર્ટ ઓફિસરોને હેડ કવાર્ટર પર રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

ભારે પવન અને વરસાદને કારણે ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારનું વહીવટી તંત્ર સુસજ્જ છે. અગ્રસચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, આગોતરા પગલાં તરીકે એન.ડી.આર.એફ.ની બે ટુકડીઓને સુરત અને નવસારી મોકલી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી જવા માટે રાજકોટથી એન. ડી. આર. એફ. ની બે ટીમો મોકલી દેવામાં આવી છે. જિલ્લા કલેકટરો અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરોને જરૂર પડે તો રાહત અને બચાવ કામગીરી માટે તમામ સાધનો સાથે સુસજ્જ અને સજાગ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આવતીકાલ; તા.૫મી ડિસેમ્બરની રાતથી તા.૬ઠ્ઠી ડિસેમ્બરની સાંજ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લોકોને સજાગ રહેવા અને દરિયાની નજીક નહીં જવાની વિનંતી કરવામાં આવી છે.

મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મળેલી આપત્તિ વ્યવસ્થાપન ગ્રુપની તાકીદની બેઠકમાં રાજ્ય સરકારના તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, ભારત સરકારના હવામાન વિભાગના અધિકારી ડૉ. જયંત સરકાર, લશ્કર, વાયુસેના, નૌ-સેના અને એન. ડી. આર. એફ. ના ઉચ્ચ અધિકારીઓએ 'ઓખી'ની સંભાવના અને ઉભી થનારી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી, અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp