WIFI ગુજરાત: તપાસ કરો, એજન્સીઓ બ્લેકલિસ્ટેડ કરવી પડશે

PC: commons.wikimedia.org

ગુજરાતને ડિજીટલ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું અધુરૂં રહ્યું છે. પાંચ વર્ષમાં ભાજપના વાયદા પ્રમાણે સંપૂર્ણ ગુજરાત વાયફાય યુક્ત બની શક્યું નથી. માત્ર સચિવાલયમાં પાસવર્ડ સાથે ઇન્ટરનેટ ચાલે એનો મતલબ એ નથી કે આખું ગુજરાત વાયફાય ફ્રી થઇ ગયું. શરૂઆતમાં ગામડા અને શહેરો વાઇફાઇ યુક્ત બનાવવા સરકારે અભિયાન ઉપાડ્યું પરંતુ પાંચ સાત જગ્યાએ કનેક્ટિવિટી આપીને 75 ટકા ગુજરાતને બાકી રાખ્યું છે.

ગુજરાતને ડિજીટલ બનાવવાનું લક્ષ્ય 2012ના ચૂંટણી ઢંઢેરામાં રાખવામાં આવ્યું હતું અને ભાજપની સરકારે કહ્યું હતું કે આવનારા પાંચ વર્ષમાં આખું ગુજરાત ડિજીટલ બની જશે. તમામને ઇન્ટરનેટ કનેક્ટિવિટી અપાશે પરંતુ રાજ્યના પાટનગરમાં જ કનેક્ટિવિટી મળતી નથી. સરકારે તેના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ પાસેથી ડેટા લેવો જોઇએ કે માત્ર કાગળ પર નહીં, રિયલમાં કેટલી જગ્યાએ નેટની સુવિધા આપવામાં આવી છે.

કેન્દ્રની યુપીએ સરકારે ઇ-વોલેટ અને ડિજીટલ મની સહિત કેશલેસ ઇકોનોમીની શરૂઆત કરી છે ત્યારે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટમાં વિલંબ કર્યો હોય તેમ દેખાઇ રહ્યું છે. મુખ્યમંત્રી ખુદ ડિજીટલ બની રહ્યાં છે પરંતુ તેમની સરકારનું વહીવટી તંત્ર લોકોને ડિજીટલ બનતાં રોકી રહ્યું છે. હાલ ગુજરાતની જનતા તેમના મોબાઇલમાંથી નેટ યુઝ કરે છે જ્યારે સરકારે નક્કી કરેલો પ્રોજેક્ટ હજી પુરેપુરો શરૂ થઇ શક્યો નથી. સચિવાલયમાં મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં જ્યારે સર્વેક્ષણ રિપોર્ટ મૂકવામાં આવ્યો ત્યારે આ બાબત સામે આવી છે.

રાજ્ય સરકારે પાટનગર ઉપરાંત રાજ્યોના જિલ્લાઓમાં નેટ કનેક્ટિવિટ માટે હોટસ્પોટ ખરીદવાનું નક્કી કર્યું હતું પરંતુ હજી મોટાભાગના જિલ્લામાં સરકારી નેટ કનેક્ટિવિટી બાકી છે. કેન્દ્રની સરકારે સોશ્યલ માધ્યમનો વધુ ઉપયોગ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ, વિકાસ કામો અને પ્રજાના હિતમાં લેવાયેલા નિર્ણયોનો બહોળો પ્રચાર કરવાની સૂચના આપી છે ત્યારે ગુજરાતમાં હવે ધીમે ધીમે બ્યુરોક્રેસી અને પ્રજાના પ્રતિનિધિઓ સોશ્યલ સાઇટ્સની શરૂઆત કરી રહ્યાં છે. મંત્રીમંડળના સભ્યો અને બ્યુરોક્રેસી ઓનલાઇન બની ચૂકી છે પરંતુ સરકારની 250 થી વધુ વેબસાઇટ પૈકી 70 ટકા વેબસાઇટ્સ અપડેટ થતી નથી. આ વેબસાઇટમાં તારીખ જરૂર અપડેટ થાય છે પરંતુ ડેટા 2001 અને 2005નો દર્શાવાય છે.

સરકારનો દાવો છે કે ગાંધીનગર એ દેશનું પ્રથમ ડિજીટલ સિટી બન્યું છે અને વાઇફાઇ સેવાઓ અસરકારક બની છે. જો કે તપાસ કરતાં માલુમ પડે છે કે પાટનગરના કેટલાક વિસ્તારો હજી પણ વાઇફાઇ સુવિધાથી બાકાત છે. સરકારે આ દિશામાં તપાસ કરીને જવાબદાર એજન્સીઓને નશ્યત કરવી જોઇએ, કારણ કે તેઓ સરકારના રૂપિયા લઇને પણ પુરતી સેવાઓ આપી શકતા નથી.

સચિવાલયમાં વાઇફાઇ ચાલે એટલે આખા ગુજરાતમાં વાઇફાઇ ચાલે છે તેમ કહેવું ભૂલભરેલું છે. ભાજપના મેનિફેસ્ટો પ્રમાણે 2017ના અંત સુધીમાં સમગ્ર ગુજરાત વાઇફાઇ બનવું જોઇએ પરંતુ હજી અડધા ભાગનું ગુજરાત વાઇફાઇ થવાનું બાકી છે. સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડિજીટલ ગુજરાતનો પાયો નાંખવા સરકારે બજેટમાં સૌથી મોટી નાણાંકીય જોગવાઇ કરી છે. સરકારે જીસ્વાન નેટવર્કને 20 ગણું ઝડપી બનાવવાની કામગીરી પૂર્ણ કરી છે. જિલ્લા કક્ષાએ હાલ 34 એમબીપીએસની બેન્ડવિથ છે તે વધારીને 500 એમબીપીએસ કરવાનો તેમજ તાલુકા કક્ષાની હાલની 10 એમબીપીએસને વધારીને 200 એમબીપીએસ કરવાનો પ્લાન શરૂ કર્યો છે.

ભારતમાં ડિજીટલ ઇન્ડિયાની જાહેરાત પણ થઇ ન હતી ત્યાર પહેલાં એટલે કે 2011માં વસલાડનું એક ગામ તિઘારા એ વિશ્વ સાથે જોડાઇ ચૂક્યું હતું. ગુજરાતનું તે પહેલું વાઇફાઇ ગામ હતું, જેમાં સરકારની કોઇ સહાય ન હતી. આ ગામના એક્સપર્ટ લોકો લંડન, પનામા અને એટલાન્ટા જઇને વસેલા છે. તેમણે આ ગામને વાઇફાઇ બનાવી દીધું હતું. એનઆરઆઇ યુવાનોની આ કમાલ હતી. આ ગામના લોકો 10 થી 15 જીબી ડેટાનો ઉપયોગ માત્ર માસિક 300 રૂપિયા અને વાર્ષિક 7000 રૂપિયાથી કરી રહ્યાં હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp