અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકારનો મોટો નિર્ણય

PC: dnaindia.com

અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં.

જે જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ જમીનો અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળને પણ જાણ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડીયમની આસપાસ બીજા સ્પોટ્ર્સ સંકુલ બનાવવાનું સરકારનું આયોજન છે. ઓલમ્પિક અને બીજી આંતરરાષ્ટ્રીય રમતો માટે સરકાર અત્યારથી જ તૈયારી કરી રહી છે, જેના માટે સરકારને જમીનની આવશ્યકતા છે તેથી સરકારી જમીનનો ઉપયોગ કરવાનો થાય છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એ સ્પોર્ટ્સને ઉત્તેજન આપવા તેમજ બુનિયાદી સુવિધા ઉભી કરવા માટે નિવિદા જાહેર કરી છે અને સલાહકારોની નિયુક્તિ કરવાનું નક્કી કર્યું છે. ઔડાએ સરદાર પટેલ સ્પોટ્સ એન્કલેવની આસપાસ સાત ગામડાઓની સરકારી જમીન માટે પ્રતિબંધ મૂકતા આદેશ બહાર પાડ્યા છે. એટલે કે સરકારનો મહેસૂલ વિભાગ આ સાત ગામોની સરકારી જમીન વેચી શકશે નહીં કે લીઝ પર આપી શકશે નહીં. કોઇ સંસ્થાને ભાડે પણ આપી શકશે નહીં.

ઔડાએ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ ગામડાની તમામ સરકારી જમીનનો ઉપયોગ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કરવાનો થતો હોવાથી તેમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેથી કોઇપણ સંસ્થાને આ જમીન આપવામાં આવે નહીં.

સ્પોર્ટ્સ એક્ટિવિટીના પ્રથમ ચરણમાં એશિયાડ અને ઓલમ્પિક ખેલોનું યજમાન પદ અમદાવાદને લેવાનું હોવાથી આ જગ્યાએ સ્પોર્ટ્સ સંકુલોનું નિર્માણ કરવામાં આવશે. આ જગ્યા એટલા માટે પસંદ કરવામાં આવી છે કે બાજુમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને એરપોર્ટ પણ નજીક છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ માટે ઔડા ટૂંક સમયમાં ટેન્ડરો ઇસ્યુ કરશે અને એજન્સીઓ નક્કી કરશે.

અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સ સિટી બનાવવાની આ કવાયત છે. સલાહકારોની સલાહ પ્રમાણે કેન્દ્રીય એજન્સી અને કેન્દ્ર સરકાર ભાવિ યોજનાઓ જાહેર કરશે. જ્યાં સુધી અંતિમ યોજનાને મંજૂરી મળે નહીં ત્યાં સુધી આ સાત ગામોની કોઇપણ સરકારી જમીન જિલ્લા કલેક્ટર વેચી શકશે નહીં કે લીઝ પર આપી શકશે નહીં. જો કોઇ કાર્યવાહી ચાલતી હોય તો તેને તાત્કાલિક રોકવામાં આવે. આ જગ્યાએ ફાઇવસ્ટાર હોટલો પણ બનાવવામાં આવનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp