ગુજરાત સરકારે જાહેર કર્યા મગફળીના ટેકાના ભાવ, જાણો ભાવ

PC: dnaindia.com

કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. જે મુજબ ખેડૂતોને પાક ઉત્પાદનના વ્યાજબી ભાવ મળે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી પણ કરાય છે જેના ભાગ રૂપે ગુજરાતમાં મગફળીનું અંદાજે 26.92 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી આગામી 15 મી નવેમ્બર 2018થી શરૂ કરાશે રાજ્યમાં 122 સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રીયા હાથ ધરાશે.

મંત્રીઓએ કહ્યુ કે રાજ્યના ખેડૂતોની મગફળીની ખરીદી ટેકાના ભાવે પારદર્શી રીતે થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. કેન્દ્ર સરકારના નાફેડની સાથે રહીને અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે ખરીદી કરશે. ભારત સરકારે મગફળી માટે જાહેર કરેલ ટેકાના ભાવ રૂ.4890 પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂ.110 પ્રતિ ક્વિન્ટલ બોનસ જાહેર કરવામાં આવે છે. મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી ભારત સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ રૂ.4890 પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત રૂ.110 પ્રતિ ક્વિન્ટલ રાજ્ય સરકારનું બોનસ સહિત કુલ રૂ.5000 પ્રતિ ક્વિન્ટલથી ખરીદી કરવામાં આવશે. ભારત સરકારની છત્ર યોજના પીએમ-આશા હેઠળની ટેકાના ભાવની યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી નાફેડ વતી રાજ્યની નોડલ એજન્સી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે.

તેઓએ ઉમેર્યુ કે, ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની તા.01/11/2018 થી તા.30/11/2018 સુધી ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. ખેડૂતોની નોંધણી ખરીદ કેન્દ્રો ખાતે તેમજ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે થઇ શકશે. ખેડૂતોએ નોંધણી સમયે અધ્યતન 7-12, 8-અ નકલ, ફોર્મ નંબર 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો આધાર કાર્ડની નકલ/ આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો IFSC સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ્ડ ચેક રજૂ કરવાના રહેશે. પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતોની ક્રમાનુસાર 7/12 અથવા તલાટીના પ્રમાણપત્રમાં દર્શાવેલ વાવેતર વિસ્તાર અને જમીન ધારક્તાને ધ્યાને લઇ રાજ્યની સરેરાશ ઉત્પાદક્તાને આધારે નિયત ગુણવત્તાવાળી (એફ.એ.ક્યુ.) મગફળીની ખરીદી કરવામાં આવશે.

તેઓએ કહ્યું કે, રાજ્યમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા હાલ કુલ 122 ખરીદ કેન્દ્રો પરથી મગફળીની ખરીદીની શરૂઆત થશે. તમામ ખરીદ કેન્દ્રો એપીએમસી ખાતે જ શરૂ કરવામાં આવશે. ખરીદ પ્રકિયા દરમ્યાન ખરીદ કેન્દ્ર ખાતે CCTV કેમેરાની સુવિધા રાખવામાં આવશે તથા તેના ફૂટેજ સંગ્રહિત કરવામાં આવશે.ખરીદ કેન્દ્ર ખાતે દરરોજ ખરીદી પ્રકિયાનું વિડીયો રેકોર્ડીગ કરવામાં આવશે. ખરીદ કેન્દ્ર ખાતે દરરોજ સર્વેલન્સ માટે વર્ગ-1ના નાયબ કલેકટર કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ સ્કવોડની રચના કરી ખરીદ કેન્દ્રની સમયાંતરે ચકાસણી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મગફળીનો અંદાજિત કુલ 14.68 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે જેમાં કુલ 26.95 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાની ધારણા છે. આમ હેક્ટર દિઠ સરેરાશ ઉત્પાદકતા 1836 કિલો અંદાજિત છે.રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે તેવી અપેક્ષા છે.ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોની દિન એકમાં વધુમાં વધુ 1750 કિલો મગફળી ખરીદવામાં આવશે અને પ્રતિ ખેડૂતે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp