GST અંતર્ગત ટેક્સપેયર્સ માટે રાહત આપવા આ જાહેરાત કરાઈ

PC: facebook.com

કોરોના મહામારીના બીજા તબક્કાના ઉપદ્રવના કારણે કરદાતાઓને વસ્તુ અને સેવા કર (GST) કાયદા અંતર્ગત કાનુની અને નિયમનકારી અનુપાલનોમાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, સરકારે 1 મે 2021ના રોજ અધિસૂચના બહાર પાડીને કરદાતાઓ માટે રાહતના વિવિધ પગલાંઓની જાહેરાત કરી. આ પગલાંઓની વિગતો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

નીચે ઉલ્લેખ કરેલા કિસ્સાઓમાં કરવેરાની ચુકવણીમાં વિલંબ બદલ વાર્ષિક 18% વ્યાજદરના સામાન્ય દરના બદલે રાહતના વ્યાજદર સૂચવવામાં આવ્યા છે.

જેમનું કુલ ટર્નઓવર રૂપિયા 5 કરોડથી વધારે હોય તેવા નોંધાયેલા લોકો માટે: કર ચુકવવાની તારીખ વીતી ગયા પછી શરૂઆતના 15 દિવસમાં ઘટાડેલો વાર્ષિક વ્યાજદર 9 ટકા રહેશે અને તે પછી 18 ટકા રહેશે, જે માર્ચ 2021 અને એપ્રિલ 2021ના સમયગાળા માટે અનુક્રમે એપ્રિલ 2021 અને મે 2021માં ચુકવવા પાત્ર કરવેરા માટે લાગુ પડશે, તેમ સૂચના આપવામાં આવી છે.

જેમનું કુલ ટર્નઓવર રૂપિયા 5 કરોડ સુધી હોય તેવા નોંધાયેલા લોકો માટે: કર ચુકવવાની તારીખ વીતી ગયા પછી શરૂઆતના 15 દિવસમાં વાર્ષિક વ્યાજદર શૂન્ય (Nil) રહેશે, તે પછીના 15 દિવસ માટે 9 ટકા રહેશે અને તે પછીના સમય માટે 18 ટકા રહેશે, જે QRMP યોજના અંતર્ગત આવતા અને સામાન્ય એમ બંને પ્રકારના કરદાતા માટે માર્ચ 2021 અને એપ્રિલ 2021ના સમયગાળા માટે અનુક્રમે એપ્રિલ 2021 અને મે 2021માં ચુકવવા પાત્ર કરવેરા માટે લાગુ પડશે, તેમ સૂચના આપવામાં આવી છે.

જેમણે કોમ્પોઝિશન યોજના હેઠળ કર ચુકવવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તેવા નોંધાયેલા લોકો માટે: કર ચુકવવાની તારીખ વીતી ગયા પછી શરૂઆતના 15 દિવસમાં વાર્ષિક વ્યાજદર શૂન્ય (NIL) રહેશે અને તે પછીના 15 દિવસ માટે 9 ટકા રહેશે તેમજ ત્યારપછીના સમય માટે 18 ટકા દર સૂચવવામાં આવ્યો છે, જે 31 માર્ચ 2021ના રોજ સમાપ્ત થઇ રહેલા ત્રિમાસિક ગાળા માટે એપ્રિલ 2021માં ચુકવવા પાત્ર કરવેરા માટે રહેશે.

જેમનું કુલ ટર્નઓવર રૂપિયા 5 કરોડથી વધારે હોય તેવા નોંધાયેલા લોકો માટે: માર્ચ 2021 અને એપ્રિલ 2021ના કરવેરાના સમય ગાળા માટે અનુક્રમે એપ્રિલ 2021 અને મે 2021માં ભરવાપાત્ર ફોર્મ GSTR-3B રિટર્નના સંદર્ભમાં અંતિમ તારીખ વીતી ગયા પછી શરૂઆતના 15 દિવસ માટે રિટર્ન દાખલ કરવા માટેની વિલંબ ફી (લેઇટ ફી)માંથી માફી આપવામાં આવશે.

જેમનું કુલ ટર્નઓવર રૂપિયા 5 કરોડ સુધીનું હોય તેવા નોંધાયેલા લોકો માટે: માર્ચ 2021 અને એપ્રિલ 2021ના કરવેરાના સમય ગાળા માટે (જેઓ માસિક રિટર્ન ફાઇલ કરતા હોય તેવા કરદાતાઓ માટે) અનુક્રમે એપ્રિલ 2021 અને મે 2021માં ભરવાપાત્ર/ અને જાન્યુઆરી-માર્ચ 2021ના કરવેરાના સમયગાળા માટે (જેઓ QRMP યોજના અંતર્ગત ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરતા હોય તેવા કરદાતાઓ માટે) એપ્રિલ 2021માં ભરવાપાત્ર ફોર્મ GSTR-3B રિટર્નના સંદર્ભમાં અંતિમ તારીખ વીતી ગયા પછી શરૂઆતના 30 દિવસ માટે રિટર્ન દાખલ કરવા માટેની વિલંબ ફી (લેઇટ ફી)માંથી માફી આપવામાં આવશે.

GSTR-1, IFF, GSTR-4 અને ITC-04 ફાઇલ કરવાની અંતિમ તારીખમાં વધારો

એપ્રિલ મહિના માટે (મે મહિનામાં ભરવાપાત્ર) ફોર્મ GSTR-1 અને IFF ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 દિવસ માટે લંબાવવામાં આવી છે.

નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ GSTR-4 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2021થી લંબાવીને 31 મે 2021 કરવામાં આવી છે.

જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિક સમયગાળા માટે ફોર્મ ITC-04 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2021થી લંબાવીને 31 મે 2021 કરવામાં આવી છે.

CGST નિયમોમાં ચોક્કસ સુધારા:

ITC લાભ પ્રાપ્તિમાં રાહત: નિયમ 36(4) એટલે કે ફોર્મ GSTR-3Bમાં ITC લાભ પ્રાપ્તિમાં ટોચ મર્યાદા 105% લાગુ પડશે જે એપ્રિલ અને મે 2021ના સમયગાળા માટે સંયુક્ત ધોરણે લાગુ થશે અને મે 2021ના સમયગાળામાં ભરવાપાત્ર કરવેરા માટેના રિટર્ન માટે લાગુ પડશે. અન્યથા, નિયમ 36(4) દરેક કરવેરા સમયગાળા માટે લાગુ થવા પાત્ર છે.

ઇલેક્ટ્રોનિક ચકાસણીનો ઉપયોગ કરી રહેલી કંપનીઓ દ્વારા 27.04.2021 થી 31.05.2021 સુધીના સમયગાળા માટે GSTR-3B અને GSTR-1/ IFF ફાઇલ કરવાનું પહેલાંથી સક્ષમ કરી દેવામાં આવ્યું છે.

CGST અધિનિયમની ધારા 168A અંતર્ગત કાનુની સમય મર્યાદામાં વધારો: CGST અધિનિયમ અંતર્ગત કોઇપણ સત્તામંડળ અથવા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ક્રિયા કે જે, 15 એપ્રિલ 2021થી 30 મે 2021 સુધીના સમયગાળામાં આવતી હોય તેને પૂર્ણ કરવાની સમય મર્યાદા, લંબાવીને 31 માર્ચ 2021 કરવામાં આવી છે જે અધિસૂચનામાં ઉલ્લેખિત કેટલાક અપવાદોને આધીન રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp