ભારત સરકારની SIDBI અને ગુજરાતના ઉદ્યોગ વિભાગ વચ્ચે થયા MoU, જુઓ કોને થશે ફાયદો

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગુજરાતના 35 લાખથી વધુ MSME ઉદ્યોગોને આત્મનિર્ભરતા તેમજ કેપેસિટી બિલ્ડીંગ અને માર્કેટ સપોર્ટ સહિતના ક્ષેત્રોમાં ભારત સરકારની સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડીયા SIDBIનો સક્રિય સહયોગ અને માર્ગદર્શન મળતા થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અંગેના MoU ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા SIDBI વચ્ચે ગાંધીનગરમાં સંપન્ન થયા છે.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ ખાણના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા SIDBIના ડી.એમ.ડી. વસંત સત્યવૈંકટરાવે આ MoU પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જાહેર કરેલી નવી ઉદ્યોગ નીતિ-2020 અન્વયે MSME માટે વિવિધ પ્રોત્સાહન સહાય યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી રાજ્યના ઉદ્યોગ-વેપાર ક્ષેત્રની કરોડરજ્જુ-બેકબોર્ન સમાન MSME સેકટરને સતત પ્રોત્સાહન આપી વિશ્વમાં રાજ્યના MSMEને આર્થિક સદ્ધરતા આપવા પ્રતિબદ્ધ છે. એટલું જ નહિ, આવા MSME ઉદ્યોગોને કેપિટલ સબસિડી, વ્યાજ સહાય સબસિડી, પેટન્ટ સહાય, ટેક્નોલોજી એકવીઝેશન જેવા પ્રોત્સાહનોથી ગ્લોબલ માર્કેટ સ્પર્ધામાં ટકી રહેવા સક્ષમ બનાવવાનો પણ મુખ્યમંત્રીનો ધ્યેય રહ્યો છે.

આ સંદર્ભમાં SIDBI સાથે થયેલા આ MoUથી રાજ્યના MSME એકમો માટે ટ્રેનિંગ તથા કેપેસિટી બિલ્ડીંગના કાર્યક્રમો દ્વારા ટેક્નોલોજી ટ્રાન્સફર, ઇનોવેશનને વેગ મળશે. SIDBI દ્વારા રાજ્યના MSME કલસ્ટર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ અને કોમન ફેસેલિટી સેન્ટર્સની સંભાવના ચકાસવા સાથે તેનું મૂલ્યાંકન પણ કરાશે. ભારત સરકારની આ SIDBI બેન્ક રાજ્યના નાના ઉદ્યોગોને પ્રવર્તમાન કોવિડ-19ની સ્થિતિમાંથી સક્ષમતાથી બેઠા થવામાં મદદરૂપ થશે.

એટલું જ નહિ, રાજ્યમાં MSME ક્ષેત્રની યોજનાઓ, પ્રોજેકટસ તથા પહેલરૂપ બાબતોના પ્રવર્તમાન માળખાનો અભ્યાસ કરીને તેની વ્યાપકતા, અસરકારકતા વધારવાના સૂચનો પણ રાજ્ય સરકારને SIDBI કરશે. MSME એકમોને વિશ્વના પ્રવાહો સાથે કદમ મિલાવવા સજ્જ કરવા ડિઝીટલ પ્લેટફોર્મ પુરૂં પાડવા હેન્ડહોલ્ડીંગમાં પણ SIDBI સહાયક બનવાની છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં મહત્તમ રોજગારી આપતા MSME એકમોને કોરોનાની સ્થિતિમાંથી પૂર્વવત ધમધમતા કરવામાં આ MoU અત્યંત ફળદાયી નિવડશે તેવો વિશ્વાસ આ વેળાએ વ્યકત કર્યો હતો. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીએ કોવિડ-19ની સ્થિતિમાં MSMEને સહાયરૂપ થવા માટે આત્મનિર્ભર પેકેજ જાહેર કરીને MSME એકમોને રૂ. 768 કરોડની વિવિધ સહાય આપી બેઠા કરવાનો સંવેદનશીલ અભિગમ દર્શાવ્યો છે.

આવા MSME એકમોને નાણાંકીય તકલીફથી મુકત કરવા ભારત સરકારના આત્મનિર્ભર પેકેજ અન્વયે ઇમરજન્સી ક્રેડીટ લીંક ગેરન્ટી સ્કીમમાં અત્યાર સુધીમાં રાજ્યના 2,11,532 MSME એકમોને રૂ. 10,56,268 લાખની લોન મંજૂર કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ યોજના અન્વયે રૂ. 50 હજાર સુધીની લોન પર બેન્કો દ્વારા લેવામાં આવતી સ્ટેમ્પ ડયુટી માફ કરવાનો ઉદાત્ત અભિગમ દર્શાવ્યો છે.

MSMEના સર્વગ્રાહી વિકાસથી રાજ્યના નાના-મધ્યમ ઉદ્યોગોને વર્લ્ડ માર્કેટમાં સ્પર્ધા કરવામાં SIDBI સાથેના MoU તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ MSME માટે આપેલા પ્રોત્સાહનો નવી ચેતના આપનારા બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp