હાથી ખેતરમાં પહોંચે તો ખાવા કરતા નુકસાન વધુ કરેઃ નાણામંત્રીએ કોને કહ્યા હાથી?

PC: /khabarchhe.com

દેશના પહેલા મહિલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટ વખતે તેમણે એક કવિતા સંભળાવી હતી તેની ચર્ચા હજુ થઇ રહી છે.આ કવિતા તેમણે પહેલા તામિલમાં સંભળાવી હતી અને પછી તેનો અંગ્રેજી અનુવાદ રજૂ કર્યો હતો. આ કવિતાની વાત કરીએ તો તે દક્ષિણ ભારતના ખૂબ જાણીતા ક્લાસિક સંગમ લિટરેચરનો એક ભાગ છે. આ લિટરેચરને પુરાનાનુંરૂ કહેવામાં આવે છે. પુરાનાનુરૂ 400 કવિતાઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં પ્રાચીનકાળના જુદા જુદા કવિઓની કવિતાઓ છે. નાણામંત્રીએ જે કવિતા રજૂ કરી તે એક પાંડિયન રાજાને આપેલી સલાહ છે. આ કવિતા ઇસ્વીસન પૂર્વેની ત્રીજી સદીથી લઇને ઇસ્વીસન પછી ત્રીજી સદી વચ્ચેની હોવાનું મનાય છે. 

આ કવિતા કહે છે કે-

જો એક હાથીને જમીનના નાના ટૂકડામાં ઉગેલા ભાત ખવડાવવામા આવે તો પણ તે લાંબા સમય સુધી ચાલશે. પરંતુ જો તે હાથીને છૂટો મૂકી દેવામાં આવે અને તે ખેતરમાં જઇને ભોજન કરશે તો તે જેટલુ ખાશે તેનાથી વધુનો પાક બગાડશે. એક શક્તિશાળી રાજા પદ્ધતિસર રીતે ટેક્સ ઉઘરાવે છે. જેનાથી લોકોને નુક્સાન થતું નથી. રાજાનો ખજાનો પણ હમેશા ભરેલો રહે છે. પરંતુ એક નબળો રાજા તેના અધિકારીઓ મારફતે એ રીતે ટેક્સ ઉઘરાવે છે કે તેનાથી લોકોને ભારે નુક્સાન થાય છે.

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી સીતારમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેક્સની ઉઘરાણી કઇ રીતે કરવામાં માને છે તે અંગેની ફિલોસોફી રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પદ્ધતિસર રીતે ટેક્સની ઉઘરાણી કરવામાં માને છે જેનાથી લોકોને વધુ નુક્સાન પણ ન થાય.

નાણામંત્રીના આ વિધાનને એ રીતે પણ જોવામાં આવી રહ્યું છે કે તેઓ હવે ઇન્કમટેક્સ હોય કે એક્સાઇઝ હોય તેના અધિકારીઓના ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા ઇચ્છે છે. તેમણે બજેટ પહેલા જ ટેક્સ વિભાગના જુદા જુદા ભ્રષ્ટ અધિકારીઓને સમય પહેલા જ નિવૃત્તિ આપી તેનો સંકેત આપ્યો હતો. આ ઉપરાંત ઇન્કમટેક્સમાં જે સ્ક્રુટિનીના કેસ આવે છે તે પણ ઓનલાઇન કરવાની પદ્ધતિ શરૂ થઇ ગઇ છે. આ પદ્ધતિમાં સ્ક્રુટિની કરનારા અધિકારીને કોમ્પ્યુટરની સિસ્ટમ જ નક્કી કરે છે. તે દેશમાંથી કોઇપણ હોઇ શકે છે. એટલે સ્થાનિક લેવલે કોઇ અધિકારી સ્ક્રુટિની કરીને ભ્રષ્ટાચાર કરી શકે નહીં. જોકે, આપણા દેશમાં દરેક બાબતનો તોડ થોડા જ સમયમાં આવી જતો હોય છે.

એટલે હાથીઓને સરકાર ભલે ખેતરમાં મોકલવા ન ઇચ્છતી હોય પરંતુ તેઓ એક યા બીજી રીતે ભેલાણ કરી જ આવતા હોય છે. સરકાર આ વાતને પણ ધ્યાન રાખે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp