26th January selfie contest

ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહેનારા પર ભડક્યા નિતિન પટેલ, જાણો શું કહ્યું

PC: thebetterindia.com

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રમાણિક, મહેનતું અને સચ્ચાઇને વરેલાં ખેડૂતો જે ધિરાણ મેળવે છે તે પરત કરે છે. ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં તેમને બદનામ કરવાનું બંધ કરવું જોઇએ. રાજ્ય વિધાનસભામાં સન-2018ના ગુજરાત ખેડૂત દેવા માફી અંગેના બિન સરકારી વિધેયકની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ યુ.પી.એ. સરકારે રૂ.72 હજાર કરોડના કૃષિ દેવાની માફી આપી હતી. છતાં ખેડૂતો ફરીથી દેવાદાર કેમ બને છે? એવો વેધક સવાલ ઉઠાવીને જણાવ્યું હતું કે, ખેડૂતોને જે જે સુવિધાઓ સમયસર મળવી જોઇએ તે સુવિધા અગાઉની સરકારે સમયસર પૂરી પાડી નથી. જેના પરિણામે ખેડૂતોની સ્થિતિ કથળી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ બન્યા છે.

કેટલાંક લોકોની દેવા માફીની વાત ઉપર પીન ચોંટી ગઇ છે, એવી માર્મિક ટકોર કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકોએ ધિરાણ અને દેવા વચ્ચેનો તફાવત સમજવો જોઇએ. પોતાની આવશ્યકતા અનુસાર ખેડૂતો લોન મેળવે એટલે દેવાદાર કહેવાય નહીં. ધિરાણ પરત કરવામાં અસમર્થ ખેડૂતો દેવાદાર કહેવાય અને ગુજરાતના 95 ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે. આવા નિષ્ઠાવાન ખેડૂતોને દેવાદાર કહીને બદનામ કરનારાઓએ રાજ્યના ખેડૂતોના હિતમાં આવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઇએ.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, ગુજરાતના પ્રમાણિક ખેડૂતો પ્રતિ વર્ષ રૂા.45 હજાર કરોડથી વધુનું ટૂંકી મુદતનું ધિરાણ લે છે અને 95 % ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ 2014-15માં જે ધિરાણ લીધી હતું તે 89.60 % પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ 2015-16માં 95.87 % ધિરાણ, વર્ષ 2016-17માં 95.46 ટકા, વર્ષ 2017-18માં 94.61 ટકા તથા વર્ષ 2018-19માં જે ધિરાણ લીધુ હતું તે પૈકી 95.70 ટકા ધિરાણ ખેડૂતોએ સમયસર ભરપાઇ કર્યુ હતું. આવા નિષ્ઠા ધરાવતા ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને શુ કામ બદનામ કરવામાં આવે છે એ મને સમજાતું નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.

નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોને કૃષિલક્ષી સુવિધા અને ધિરાણ સુવિધા સમયસર મળી રહે અને કૃષિ વિકાસ લક્ષી વાતાવરણ સર્જાય તો મહેનતું ખેડૂતોની આર્થિક સ્થિતિ આપોઆપ સુધરે અને કોઇ ખેડૂતની આર્થિક સ્થિતિ કથળે નહી તેમ ભારપૂર્વક જણાવ્યુ હતું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp