2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશેઃ પરસોતમ રૂપાલા

PC: khabarchhe.com

કૃષિ એ નાગરિકોના પોષણ અને સ્વાસ્થ્યથી લઇને સમગ્ર દેશના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારીને ખેડૂત અને ખેતીને વધુ સમુદ્ધ કરવા ગુજરાતમાં બહુઆયામી આયોજન અને પગલા લેવામાં આવી રહ્યા છે. 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ધારને સાર્થક કરવા ગુજરાતે આધુનિક ટેક્નોલોજી અને આનુષાંગિક સવલતો સાથે કૃષિ ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવા કમર કસી છે. આ પરિપ્રેક્ષમાં ગ્લોબલ સમિટમાં કૃષિ ક્ષેત્રના વિકાસને વધુ ગતિશિલતા આપવા દ્રિપક્ષીય વ્યાપાર રોકાણને પ્રોત્સાહિત કરવા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘‘સસ્ટેનેબલ ટેક્નોલોજી ડ્રીવન એગ્રીકલ્ચર ફોર ન્યુ ઇન્ડિયા’’ વિષયક આ સેમિનારમાં કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલાની હાજરીમાં મહત્ત્વપૂર્ણ કૃષિ વિકાસલક્ષી પરામર્શ યોજાયો હતો.

કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા જે સૌથી મહત્ત્વનું પગલું લેવાયુ તે છે-ટેકાના ભાવો નક્કી કરી ખેડૂતોના પાકોની ખરીદી કરવી. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આમાં વધુ સંવેદનશીલ અભિગમ દાખવી ખેડૂતોના પાક ઉત્પાદનમાં જે કુલ ખર્ચ થાય છે તેમાં તેની મહેનતને પુરુતું વળતર મળી રહે તે માટે 50 ટકા વધુ ઉમેરીને ટેકાના ભાવ આપવાનું સરકારે નક્કી કર્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા 22 પાકોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે પરંતુ અન્ય પાકો માટે રાજ્ય સરકારોની ભલામણોને આધારે ખેડૂતોની પાક ઉત્પાદકતાની સ્થિતિને ધ્યાનમાં રાખી ટેકાના ભાવો નક્કી કરવાની તૈયારી કેન્દ્ર સરકારે દર્શાવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ ઉપરાંત એફ.પી.ઓ.ને ઇન્કમટેક્ષમાંથી મુક્તિ આપવાનો જે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તેના કારણે કૃષિ ક્ષેત્રને વિકાસના નવા આયામો મળશે તથા દૂરોગામી રીતે ખેડૂતોને પણ ફાયદો થશે. ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવામાં પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા વિશેષ સમિતિની રચના કરવા સહિત બહુઆયામી આયોજન કરવામાં આવ્યું છે. સહકારી માળખું કૃષિની કરોડરજ્જુ સમાન છે તેથી તમામ સહકારી મંડળીઓને વધુ ગતિશિલ બનાવવા તેને કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2003થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરવામાં આવેલી શૃંખલાએ આજે આંતરરાષ્ટ્રીય બિઝનેસ માટેના કોમન પ્લેટફોર્મ તરીકે ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં અગ્રહરોળમાં મુકી દીધું છે. રાજ્ય સરકારના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતું કે, ગુજરાતે કૃષિમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા ખેડૂત હિતલક્ષી વ્યાપક પ્રયાસો આદર્યા છે તેના પરિણામે કૃષિ ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર વિકાસ થયો છે. ખાદ્ય ચીજોની ગુણવત્તા તથા આરોગ્ય જાળવણી માટે વિશ્વસ્તરે વધતી જતી જાગૃતિનો ઉલ્લેખ કરીને આર.સી.ફળદુએ ગુજરાતમાં કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા અને પાકોની ગુણવત્તા સુધારવા થયેલા વ્યાપક પ્રયાસોની રૂપરેખા પણ આપી હતી.

ઊર્જા ક્ષેત્રે ગુજરાતે સાધેલા વિકાસને કારણે ખેડૂતોને પર્યાપ્‍ત માત્રામાં વીજળી ઉપલબ્ધ બની છે તથા જળસંચય અને જળવ્યવસ્થાપની ઉત્કૃષ્ઠ કામગીરીને કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોની પાયાની જરૂરિયાત પાણી, વીજળી, બિયારણ વગેરે અંગેની સુયોગ્‍ય વ્‍યવસ્‍થાને લીધે કૃષિ ઉત્પાદનમાં ગુજરાત રાષ્ટ્રમાં અગ્રીમ સ્થાને પહોંચ્યુ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતુ કે, કૃષિ ક્ષેત્ર સાથે સૌથી વધુ સંલગ્ન એવા પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક ટેક્નોલોજીનો મહતમ ઉપયોગ કરીને આ ક્ષેત્રને બળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પશુઓના આરોગ્યની જાળવણી તથા પશુઓની નસલ સુધારવા માટેની વ્યવસ્થા ઉપરાંત પ્રત્યેક ગામમાં પશુ ચિકિત્સા કેન્દ્ર મળે તે દિશામાં સરકાર પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે. કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત પહેલું એવું રાજ્ય છે જેણે કૃષિમાં રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને સહાયરૂપ બની રહી છે.

સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેતી અને ખેડૂતોના વિકાસ માટે રાજ્ય સરકારના વ્યાપક આયોજન અને અમલી બનાવેલ વિવિધ યોજનાની વિગતોની છણાવટ કરી હતી. કૃષિ વિભાગના અધિક સચિવ સંજય પ્રસાદે આધુનિક ટેક્નોલોજીને સાથે રાખીને ટકાઉ ખેતીના અભિગમની વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં રાષ્ટ્રમાં અગ્રીમ રહ્યા છે. ન્યુનતમ ખર્ચ અને મહત્તમ ઉત્પાદન માટે રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે ટેક્નોલોજીકલ ઇનોવેશન ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને રિમોટ સેન્સીંગના ઉપયોગ દ્વારા પાક મેપીંગ ઉપર ભાર મૂકવામાં આવે છે. સોઇલ હેલ્થ મેનેજમેન્ટના માધ્યમથી જમીનનું સંરક્ષણ, ટેક્નોલોજીના ઉપયોગથી જળવ્યવસ્થાપન તથા પાક ઉત્પાદનના અંદાજો મેળવવા અને પાકની નુકશાની-આકારણી જેવી બાબતો માટે એડવાન્સ રીમોટ સેન્સીંગ તથા પોસ્ટ હાર્વેસ્ટ ટેક્નોલોજી ઉપર આ પરિસંવાદમાં ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

સસ્ટેનેબલ ટેક્નોલોજી આધારિત કૃષિ અંગે આ સેમિનાર દરમિયાન ટેકનિકલ સત્ર તથા પેનલ ડિસ્કશનનું સંચાલન અશોક દલવાઈએ કર્યું હતું. ગ્રીન રીવોલ્યુશનથી આગળ વધીને ખેડૂતોની ઇન્કમ રીવોલ્યુએશનના લક્ષ્યને સ્પષ્ટ કરતા નેશનલ રેઇનફેડ ઓથોરીટીના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર ડૉ. અશોક દલવાઇએ જણાવ્યું હતું કે, ઇન્કમ રીવોલ્યુએશન થકી ખેડૂતોની સમૃદ્ધિ સમગ્ર કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિના મંડાણ કરશે.

સામાજિક-આર્થિક વિકાસના વૈશ્વિક સ્તરના એજન્ડાને કેન્દ્રમાં રાખીને આ ક્ષેત્રે રહેલી વિવિધ તકોને આ સેમિનારમાં રજૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય અને ભારત દ્વારા વિશ્વના દેશોને આ ક્ષેત્રે ભાગીદારી માટે ઉપલબ્ધ ઓફરો અને સવલતો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. કૃષિ ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, ઉત્પાદન વૃદ્ધિ, ઉત્પાદકતા, પ્રોસેસિંગ વગેરે વિષયોને આવરી લેવામાં આવી હતી. ફ્રાન્સ, રશિયા, નેધરલેન્ડ, યુએઈ તથા અમેરિકા જેવા દેશોએ ભારતમાં વેપાર માટેની ઉત્‍સુકતા દાખવી હતી. ખેડૂતોને લાંબાગાળા સુધી ટકાઉ ધોરણે સર્વ પ્રકારે લાભદાયી બને તેવી નવી ટેક્નોલોજી આધારિત કૃષિના વિવિધ પાસાઓ ઉપર પરિસંવાદમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp