ગુજરાતના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત

PC: Khabarchhe.com

કોરોનાના કપરાકાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો નિર્ણય લીધો છે. ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત તા. 30 જૂન સુધી લંબાવીને રાજ્યના ધરતીપુત્રોને આર્થિક રાહત આપતો નિર્ણય વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો નિર્ણય પણ કર્યો છે કે સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટે રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારતના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ કિસાન હિતકારી નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. 16.30 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા આ અંગે ની યાદીમાં વધુમાં જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડીટ પોલીસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ, ધિરાણ સંસ્થાઓ મારફત 7 ટકાના દરે પુરૂં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને 3 ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જયારે 4 ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે.

કોરોનાના સેકન્ડ વેવમાં પણ માર્ચ-2021થી મહામારીના કેસોમાં વધારો થયેલ છે. જેના પરિણામે ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા તા. 31-03-2021 સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ સંજોગોમાં તા. 01-04-2020થી તા. 30-09-2020 સુધીનું સહકારી ધિરાણ માળખા મારફત પાક ધિરાણ લીધેલું હોય તેવા ખેડૂતો દ્વારા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. 30-06-2021 સુધી વધારવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આના પરિણામે જે ખેડૂતો દ્વારા સહકારી ધિરાણ માળખા મારફત તા. 01-04-2020થી તા. 30-09-2020 સુધીમાં પાક ધિરાણ લીધેલ હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. 30-06-2021 સુધી વધારવામાં આવી છે. તા. 01-04-2021થી તા. 30-06-2021 સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. 30-06-2021 સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા સહકારી ધિરાણ માળખાના ખેડૂતોને ભારત સરકાર દ્વારા મળતી 3 ટકા વ્યાજ રાહતની રકમ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી 4 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp