રાસાયણિક કૃષિથી કૃષિનું ભાવિ અંધકારમય પ્રાકૃતિક કૃષિ આશાનું કિરણઃ રાજ્યપાલ

PC: khabarchhe.com

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના કૃષિ વિભાગ અને આત્મા યોજના દ્વારા અડાલજ ખાતે યોજાયેલી સાત દિવસીય તાલીમ કાર્યશાળામાં સ્વયં ઉપસ્થિત રહીને પ્રાકૃતિક કૃષિના સંશોધનો, અનુભવો અને વૈજ્ઞાનિક તથ્યોને ખેતરે-ખેતરે પહોંચાડવા તાલીમાર્થી પ્રગતિશીલ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલે આ તાલીમ શિબિરને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ સ્વરૂપ ગણાવી ઉમેર્યુ હતુ કે, આ તાલીમ શિબિરમાં પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો, કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન અને નિલકંઠધામ પોઈચાના કૈવલ્યસ્વરૂપ સ્વામીના કૃષિ સત્સંગથી તાલીમાર્થી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું ઉપયોગી માર્ગદર્શન મળ્યું છે.

પ્રાકૃતિક કૃષિને ઇશ્વરીય વ્યવસ્થામાં સહયોગ કરનારી પદ્ધતિ ગણાવતા રાજ્યપાલે જણાવ્યુ હતું કે, ભૂમિ, જળ, વાયુ, આકાશ અને અગ્નિ એમ પંચતત્વની રક્ષા પ્રાકૃતિક કૃષિથી થાય છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. કૃષિ ખર્ચ ઘટે છે. ખેડૂતોની આવક વધે છે.

આ તાલીમ કાર્યશાળામાં રાજ્યપાલે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ખેતરે-ખેતરે પહોંચાડવા, ખેતરોની જમીનનું સોઇલ ટેસ્ટીંગ કરવા દેશી ગાયના છાણ-ગૌ મૂત્ર ઉપર વિશેષ સંશોધનો કરવા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોને અનુરોધ પણ કર્યો હતો.

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યુ હતું કે, રાસાયણિક કૃષિથી કૃષિનું ભાવિ અંધકારમય છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ આશાનું કિરણ છે. ખેડૂતોએ ઓછા ખર્ચે પ્રાકૃતિક કૃષિથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી શકાય છે, તેમ પણ જણાવ્યું હતું.

આ તાલીમ કાર્યશાળામાં કૃષિ તજજ્ઞો ડૉ. રમેશ સાવલિયા, નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. ટીંબડિયા, પ્રો. પ્રદીપ વાઢેરે પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામો મળે છે, તેની ઉદાહરણ સાથે માહિતી આપી હતી.

કૃષિ વૈજ્ઞાનિકોએ દેશી બીજની જાળવણી માટે ખેડૂતોને અનુરોધ કરી આગ્રહ કર્યો હતો. જ્યારે કૈવલ્યસ્વરૂપ સ્વામીએ ખેતરોમાં વૃક્ષારોપણ, આચ્છાદનનું મહત્ત્વ, કલ્ચર સહિતના વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ કાર્યશાળામાં પ્રગતિશીલ ખેડૂતોએ પંચસ્તરીય બાગબાની, શેરડી અને આદુના પાકમાં પ્રાકૃતિક કૃષિ જેવા વિષયો ઉપર પોતાના અનુભવ રજૂ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp