વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019નું સમાપન, જુઓ તસવીરો

PC: khabarchhe.com

સાચા અર્થમાં ‘ગ્લોબલ’ બની રહેલી નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળતાપૂર્વક સમાપન થયું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સમાપન સમારોહમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, માત્ર સંસ્કૃતિના દેશ તરીકેની ઓળખ ધરાવતો ભારત દેશ હવે વિકાસની સંભાવનાઓના દેશ તરીકે ઓળખાવા લાગ્યો છે અને ગુજરાતની ઓળખ ઢોકળા, દાંડિયા અને ડાયમંડ હતી તેમાં હવે કૌશલ્ય અને સાહસિકતાનો પણ સમાવેશ થયો છે. ગુજરાતની પાવન ભૂમિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેવાં સપૂતો આપ્યા છે. ભારતનો આર્થિક વિકાસ નોંધપાત્ર છે ત્યારે સમગ્ર વિશ્વ ભારત ભણી મીટ માંડીને બેઠું છે, અને ભારતની નજર ગુજરાત પર મંડાયેલી છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુએ સંબોધનની શરૂઆત ગુજરાતી ભાષામાં કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતીઓ ઉદ્યોગ સાહસિકતા, વ્યાપારી કુશળતા અને મહેનતુ સ્વભાવ માટે જાણીતા છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા માટે હું ગુજરાતને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં પ્રભાવક સુધારા અને બદલાવની શરૂઆત કરી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ‘રિફોર્મેશન ચીફ’ તરીકે ઓળખાવ્યા હતા એમ કહીને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો સિદ્ધાંત આપ્યો છે. સમગ્ર દેશ આ રિફોર્મનું સમર્થન કરી રહ્યો છે. ભારતમાં 65 ટકાથી વધુ વસ્તી 35 વર્ષથી નીચેની વયના યુવાનો છે એમ કહીને વેંકૈયાનાયડુએ કહ્યું હતુ કે, યુવાઓની આ તાકાત ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભારતના રાજયો પણ પોતાના વિકાસ માટે એકબીજાની તંદુરસ્ત સ્પર્ધા કરી રહ્યાં છે.

ઉપરાષ્ટ્રપતિએ વિશ્વ સમક્ષના ત્રણ પડકારો સામે આંગળી ચીંધતા જણાવ્યું હતું કે, આજે વિશ્વ ત્રાસવાદની સમસ્યાથી પીડાય છે તેનો સામનો કરવા સમગ્ર વિશ્વના દેશોએ સહિયારો પુરુષાર્થ કરવો પડશે. ક્લાઈમેટ ચેન્જ એ વિશ્વ સામેનો બીજો સૌથી મોટો પડકાર છે. જયારે ત્રીજી સમસ્યા ભ્રષ્ટાચારની છે. તેમણે જમાવ્યું હતું કે, આ વૈશ્વિક પડકારોનો સામનો સૌએ સાથે મળીને કરવો પડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પરસ્પર સહયોગ અને એકબીજાની સંભાળ લેવી એ ભારતીય જીવન દર્શનનું હાર્દ છે. ‘‘વસુધૈવ કુટુંમ્બકમ’’ની ભાવના સાથે ભારત દેશ હંમેશાં વિશ્વશાંતિની જ હિમાયત કરે છે. સર્વ સમાવેશક વિકાસ માટે તમામ દેશોએ સહિયારો પ્રયાસ કરવો પડશે તેમ પણ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતુ.

ગુજરાતમાં ઉદ્યોગકારો-મૂડીરોકાણકારો માટે રેડ ટેપ નહીં પરંતુ રેડ કાર્પેટ પાથરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુએ ઉમેર્યું હતુ કે, સમગ્ર ભારત દેશમાં વિકાસને કારણે બદલાવ આવી રહ્યો છે ત્યારે, લોકોનું જીવન સરળ-સુવિધાપૂર્ણ બને તે વાતને અમે વિકાસના કેન્દ્રસ્થાને રાખી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ-ર019ની નવમી એડીશનનું સમાપન કરાવતાં જણાવ્‍યું હતું કે, આ સમિટે હવે દશેય દિશામાં ગુજરાતની ખ્‍યાતિ વિસ્‍તારી છે. ગુજરાત હવે વિશ્વના ઉદ્યોગ-રોકાણકારો માટે ગ્‍લોબલ ઓફિસ બન્‍યું છે અને આ સમિટ દ્વારા આપણે દુનિયા સાથે બ્રાન્‍ડિંગનો જ નહીં, બોન્‍ડીંગનો નાતો પ્રસ્‍થાપિત કર્યો છે.

મુખ્યમંત્રીએ ત્રિદિવસીય સમીટના ભવ્‍ય સમાપન સમારોહમાં કહ્યું કે, ગુજરાતના વિકાસને વૈશ્વિક ઓપ આપવાના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસો આજે સફળતાના સિમાચિન્‍હ બની ગયા છે. ગુજરાત હવે ગેટ-વે ટૂ ધી વર્લ્‍ડ બની ગયું છે અને સારી ભાવનાથી બિઝનેસ કરવા ઇચ્‍છનારા સૌ માટે એક આઇડીયલ પ્‍લેટફોર્મ, નેટવર્કીંગ, નોલેજ શેરિંગ અને વિશ્વની માનવજાતના કલ્‍યાણના વૈચારિક આદાન-પ્રદાન માટેનો મંચ બન્‍યો છે.

વિજયભાઈ રૂપાણીએ 135 દેશો સહિતના 42 હજારથી વધુ લોકોની સહભાગીતા અને 16 રાષ્‍ટ્રો તથા 6 ભારતીય રાજ્યોના ખાસ સેમિનારો આ ત્રણ દિવસોમાં યોજાયા તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, આ આપણા માટે એક બહુ સારો સંકેત છે. નોલેજ શેરીંગ અને સીધા મૂડીરોકાણ માટે 207,000 પાર્ટનર્સશીપની રચના, 28,360 જેટલા એમ.ઓ.યુ. અને 21 લાખથી વધુ રોજગારીની ભાવિ તકો આ સમિટના આગવા પાસાં રહ્યાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ માર્મિક શૈલીમાં કહ્યું કે, 2003માં આ સમિટ નરેન્‍દ્રભાઈએ શરૂ કરી ત્‍યારે વિરોધીઓને લાગતું હતું કે, આવું તે કોઇ આયોજન હોય. પરંતુ નરેન્‍દ્રભાઈએ પોતાના આગવા વિઝન અને લોકોના તેમના પરના વિશ્વાસને ભરોસે 1000 લોકોની ભાગીદારીથી શરૂ કરેલી આ સમિટ ‘લોગ સાથ આતે ગયે કાંરવા બનતા ગયા’ જેમ આજે સમગ્ર વિશ્વના રોકાણકારો માટેનું મંચ બની ગઇ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના ધોલેરા સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજનનું વડાપ્રધાનનું વિઝન આ નવમી વાયબ્રન્‍ટ સમિટમાં સુપેરે સાકાર થયું છે. આ સમિટમાં નોલેજ શેરીંગ અને સીધા મૂડીરોકાણ માટે 27,000થી વધુ પાર્ટનરશીપની રચના થઇ છે, એમ તેમણે ઉમેર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, નાના અને મધ્‍યમ કદના ઉદ્યોગકારોને સુયોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપલબ્‍ધ થાય તે માટે સમિટમાં MSME એકમોને વૈશ્વિક ફલક ઉપર જવાનો અદ્દભૂત અવસર સાંપડયો છે. ગુજરાતમાં યોજાયેલી પ્રત્‍યેક વાયબ્રન્‍ટ સમિટમાં વિશ્વના અનેક રાષ્‍ટ્રોનો ગુજરાત સાથેનો સંબંધ વધુ દ્રઢીભૂત બન્‍યો છે.

આ સમિટમાં યોજાયેલા ‘આફ્રિકા ડે’માં આફ્રિકાના લગભગ 45 જેટલા રાષ્‍ટ્રોના મહાનુભાવો ઉત્‍સાહપૂર્વક જોડાયા હતા એ ગુજરાત માટે ગૌરવની બાબત છે. વર્ષ 2022માં ગુજરાતના વિકાસની પરિભાષા પ્રસ્‍તુત કરતું ‘સ્‍પ્રિન્‍ટ ટુ 2022’ના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં દેશ અને દુનિયાને ગુજરાતના ઉજ્જવળ ભાવિની ઝાંખી મળી હતી. તેમણે કહ્યું કે, વાયબ્રન્‍ટ સમિટ માત્ર બિઝનેશ, વેપાર, ઉદ્યોગના અવસર ઉપરાંત હવે સમસ્‍ત વિશ્વની માનવજાતના કલ્‍યાણ માટેનું પ્‍લેટફોર્મ બની ગયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમાપન પ્રસંગે હૃદયપૂર્વક જણાવ્‍યું કે, ‘‘ન અમારૂં, ન તમારૂં.... આ વિશ્વ છે સહુંનું સહિયારૂં... આવો આપણે સૌ સાથે મળીને પ્રશસ્‍ત કરીએ વિશ્વઉજાસનું અજવાળું....’’ તેમણે સહુ કોઇને ગુજરાતની આગામી વાયબ્રન્‍ટ માટે પુન: પધારવા ભાવભીનું નિમંત્રણ પણ પાઠવ્‍યું છે.

હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે ગુજરાતની જેમ હરિયાણા પણ ઔદ્યોગિક વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘મેઈક ઈન ઈન્ડિયા’, ‘સ્કીલ ઈન્ડિયા’, ‘સ્વચ્છ ભારત’ જેવાં અભિયાનોને હરિયાણાએ પણ આત્મસાત કર્યા છે. તેના પગલે હરિયાણા પણ ઈઝ ઓફ ડુઈંગ ક્ષેત્રે અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.

વર્ષ 2016માં હેપનીંગ હરિયાણાનો ઉલ્લેખ કરતાં ખટ્ટરે જણાવ્યું હતું કે લાખો-કરોડોનું રોકાણ હરિયાણામા આવ્યું છે. એટલું જ નહીં હરિયાણાએ ડિજિટલ ઈન્ડિયાને પણ અમલી બનાવ્યું છે. તેના પગલે રાજ્યમાં ચાર પોલિસી કાર્યરત બનાવી છે. સાથે સાથે ડિજિટલ ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રાધાન્ય આપ્યું છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશનને પણ પરિણામલક્ષી અમલ કરીને હરિયાણા દેશ આખામાં અગ્રેસર બને તેવા પ્રયાસ કરાયા છે. હરિયાણાનાં છ જિલ્લાએ સ્વચ્છતા ક્ષેત્રે અગ્રીમસ્થાન મેળવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતમાં સ્ટેટ સેમિનાર હરિયાણા અને તેના પગલે દેશ આખાની ઔદ્યોગિક પ્રગતિ રોકાણ ઉપયોગી બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લા વર્ષોમાં ભરેલી ઔદ્યોગિક હરણફાળ વિશ્વ આખાએ જોઈ છે. આજે ગુજરાત વિશ્વ આખામાં વિકાસના માઈલસ્ટોન તરીકે ઓળખાય છે. ગુજરાતમાં વેપાર ઉદ્યોગ ખેતીવાડી રોજગારી નિર્માણ ઉપરાંત માળખાગત સુવિધા વધારવા રાજ્ય સરકારે પરિણામલક્ષી કામગીરી કરી છે. આજે રાજ્યનો એકપણ પરિવાર કે એકપણ જિલ્લો વિકાસનાં સફળતાપૂર્ણ અમલથી વંચિત નથી. રાજ્ય સરકારે આ દિશામાં સુગ્રથિત આયોજન કરીને રાજ્યની પ્રજાનાં કલ્યાણ-વિકાસ માટે કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરિત કરેલું ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નું સૂત્ર આજે વૈશ્વિક બન્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે આ સમિટમાં વિશ્વભરનાં અનેક ઉદ્યોગકારો-રોકાણકારોએ ઉપસ્થિત રહીને તેમના સૂચનો માર્ગદર્શનો આપ્યા છે. તેમના આ સૂચનો રાજ્યનાં વિકાસમાં અને તેના પગલે રાષ્ટ્રનાં વિકાસમાં અમલી બનાવી રાજ્યની વિકાસયાત્રા વધુ વેગવાન બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ફીક્કીના ચેરમેન રાજીવ વસુપાલે વાયબ્રન્ટ સમિટની સફળતાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ સમિટએ ઉદ્યોગકારો-રોકાણકારો અને વૈશ્વિક પ્રવાહો માત્ર બ્રેઈન સ્ટોર્મિંગ સેશન પુરવાર થયું છે. આ સમિટમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો છે તે જ પુરવાર કરે છે કે ગુજરાત રેપીડ અને ઈન્ક્લુઝિવ ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે.

દેશમાં રોકાણ ક્ષેત્રે ગુજરાત અગ્રિમ હરોળમાં હોવાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશમાં સરાહનિય કાર્ય કર્યું છે. ટેક્ષટાઈલ, જેમ્સ એન્ડ જવેલરી, ફાર્મા જેવાં ક્ષેત્રોમાં વર્ષોથી અગ્રીમ ગુજરાત હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ડિફેન્સ જેવાં ક્ષેત્રોમાં પણ નવા સોપાનો સર કરી રહ્યું છે. ફીક્કી એ પણ એમઓયુ કર્યાં છે ત્યારે ફીક્કી પણ રાજ્યના વિકાસમાં સહયોગી બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

હવે ગુજરાતના લઘુ ઉદ્યોગો કોમનવેલ્‍થ રાષ્‍ટ્રોમાં પોતાના ઉત્‍પાદનો પહોંચાડી શકશે તેમ જણાવી વસુપાલે ઉમેર્યું હતું કે, દેશભરમાં પ્રથમ વખત ફિક્કીએ 60 જેટલા સ્‍મોલ એન્‍ડ મીડિયમ એન્‍ટરપ્રાઇઝ કોમનવેલ્‍થ રાષ્‍ટ્રોમાં પોતાના ઉત્‍પાદનોની નિકાસ કરી શકે તે માટે ગુજરાત સરકાર સાથે સમજૂતિ કરાર કર્યા છે. જેનાથી ગુજરાતના લઘુ ઉદ્યોગને વૈશ્‍વિક બજારનો લાભ મળશે. વિકાસની નવી ક્ષિતિજો ઉઘડશે.

સીઆઈઆઈ વેસ્ટર્ન રીજીયનના ચેરમેન પીરુઝ ખંભાતાએ જણાવ્યું હતું કે, સમય હતો કે વિશ્વના નકશામાં ગુજરાતને શોધવું પડતું હતું અને આજે વૈશ્વિક નકશામાં ગુજરાત ઝળહળી રહ્યું છે. જાપાન જેવાં દેશો પણ ગુજરાતના વિકાસની નોંધ લઈ રહ્યાં છે. આજે વિશ્વના રોકાણકારોમાં ‘ગુજરાત’ એ રોકાણ માટે શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાત સસ્ટેનેબલ વિકાસ માટે તેમણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપ્યા હતા. દેશનો જીડીપી વધારવા વિકાસ જરૂરી છે ત્યારે, જેટલો વ્યાપાર-વણજ વધશે તેટલો વિકાસ વધશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને વૈશ્વિક આવકાર મળી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

એસોચેમના ચેરમેન અને વેલસ્પન ગ્રૃપના ગોયેન્કાએ જણાવ્યું હતું કે, ગુજરાતની વેપારી તરીકેની ઓળખ આજે વધુ મજબૂત બની છે. વાયબ્રન્‍ટ ગુજરાતની શ્રુખંલા એક નવા આયામો પ્રસ્‍થાપિત કરી ચૂકી છે. આ સમિટ વર્લ્‍ડ ઇકોનોમીક ફોરમ માટે ‘દાઓસ‘ સમાન પુરવાર થઇ છે. વેલ્થફંડનો ઉલ્‍લેખ કરી તેમણે જણાવ્‍યુ હતું કે, અમારી કંપની 30 હજાર લોકોને રોજગારી આપી રહી છે. સાથે સાથે નિકાસ ક્ષેત્રે કાઠું કાઢયુ છે. યુરોપમાં દર છઠૃી વ્‍યકિત કચ્‍છના વેલસ્‍પનમાં બનેલો ટુવાલ વાપરે છે. એટલું જ નહીં મોટા ડાયા મીટરથી પાઇપલાઇન પણ નાંખી છે. કંપનીએ રાજ્યમાં 10 હજાર કરોડનું રોકાણ કર્યું છે. અત્‍યારે ગુજરાત અને ભારતમાં રોકાણ માટેનો શ્રેષ્‍ઠ સમય છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના મહેમાન બનેલા ફ્રાન્સથી આવેલા ADEPTAના યુત ફ્રાન્કોઈસ બર્ગાઉડે કહ્યું હતું કે, પ્રમુખ ભારત અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસથી તે ખૂબ જ પ્રભાવિત છે. આથી જ ફ્રાન્‍સ ભારત તથા ગુજરાતમાં રોકાણને પ્રાધાન્‍ય આપે છે. વાયબ્રન્‍ટ સમિટ-2019માં પણ ફ્રાન્‍સની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે એમઓયુ સાઇન કર્યા છે. આગામી વાયબ્રન્‍ટ સમિટ-2021માં પણ ભાગ લેશે એમ જણાવી યુતે સમિટમાં આમંત્રણ બદલ રાજ્ય સરકારનો આભાર માન્‍યો હતો.

ઓમાનના સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોનના ચેરમેન અને ઇથરા-ઓમાનના ચેરમેન યુત યાહ્યાબિન સઇદ અલજાબ્રીએ જણાવ્‍યુ હતું કે, સમિટ-2019 એ ખરા અર્થમાં ગ્‍લોબલ સમિટ હતી. ઓમાન ડેલિગેશન સાથે ગુજરાતના મહેમાન બનેલા યુત અલજાબ્રીએ ઉમેર્યુ હતું કે, આ સમિટ ભારત-ઓમાન ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારતને લાર્જેસ્‍ટ ઓઇલ પાર્ટનર ગણાવી તેમણે ભારત-ઓમાનના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્‍લેખ કર્યો હતો.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના સમાપન કાર્યક્રમની શરૂઆતમાં સમિટ-2019ની સમગ્રતયા રૂપરેખા આપતા મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે. દાસે જણાવ્યું હતું કે, આ સમિટમાં પહેલી વખત ગુજરાત સાથે 15 દેશો પાર્ટનર કન્ટ્રી સાથે જોડાયેલા છે, એટલું જ નહીં આ સમિટમાં વિક્રમજનક 135 દેશોના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો.

આ સમિટ દરમિયાન જુદાં-જુદાં 22 સેમિનાર અને 6 સ્ટેટ સેમિનાર યોજાયા હતા. તેમણે માહિતી આપી હતી કે, સમિટમાં જોડાવા માટે એક લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 3,040 જેટલાં ઈન્ટરનેશનલ ડેલિગેશન્સે આ સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટ દરમિયાન 2,458 બિઝનેસ ટુ બિઝનેસ મીટીંગ અને 1,140 જેટલી બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટીંગ યોજાઈ હતી. સમિટ દરમિયાન પહેલી વખત યોજાયેલી રિવર્સ બાયર્સ સેલર્સ મીટમાં અંદાજે રૂ.15,000 કરોડના વેપાર થયા હતા. તેમણે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાતના પ્રવાસન વિભાગના અગ્રસચિવ એસ.જે.હૈદર અને એમ.ડી. જેનુ દેવન તેમજ ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય વચ્ચે લીજન્ડ ગ્લોબલ સ્ટૂડિયો પ્રા.લિ. સ્થાપવા માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘ગુજરાત ઈન્વેસ્ટર્સ પેરેડાઈઝ’ કોફી ટેબલ બૂકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

સમાપન સત્રના અંતમાં ગુજરાતના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે ગ્લોબલ સમિટની નવમી આવૃત્તિની સફળતા બદલ તમામનો આભાર માનતા જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત વિવિધ દેશોના વડાઓ, મંત્રીઓ, કંપનીના CEO, ઉદ્યોગપતિઓ અને રોકાણકારોની સહભાગિતાને પરિણામે વાયબ્રન્ટ સમિટની નવમી આવૃત્તિ સફળ રહી છે. તેમણે જણાવ્યું કે, આ સમિટમાં પ્રથમવાર 135 દેશોએ ભાગ લીધો. 22 સેમિનાર અને 6 સ્ટેટ સેમિનાર યોજાયા. સૌ પ્રથમ વાર નાસાના સહયોગથી સ્પેસ સાયન્સનું પ્રદર્શન યોજાયું. સમિટમાં સૌ પ્રથમ વાર સોવરિન વેલ્થ ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, પ્રથમ વાર આફ્રિકા ડે ની ઉજવણી, પ્રથમ વાર ગુજરાતનું ભાવિ વિકાસ દર્શાવતા રોડ મેપ-સ્‍પ્રિન્‍ટ 2022નું આયોજન, પહેલી જ વખત દુબઇ શોપિંગ ફેસ્ટવલની જેમ અમદાવાદ શોપીંગ ફેસ્ટિવલ યોજાયો હતો, તેમ ઉમેરી ડૉ. સિંઘે આગામી વાયબ્રન્ટ સમિટ 2021 માટે સૌને આમંત્રિત કર્યા હતા.

સમાપન સત્રમાં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી, મોરક્કો દેશના ઉદ્યોગ, રોકાણ, ટ્રેડ અને ડિજીટલ ઈકોનોમીના મંત્રી યુત રાકીયા ઈડહેરમ, રાજ્ય મંત્રીમંડળના સર્વસભ્‍યઓ, કેન્‍દ્રિય કૃષિ રાજ્યમંત્રી પરસોતમ રૂપાલા, MNREના સચિવ આનંદકુમાર, ઉદ્યોગપતિઓ, રોકાણકારો, કેન્‍દ્ર અને રાજ્યના ઉચ્‍ચ અધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp