ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યની કારે મોપેડને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત

PC: youtube.com

રાજ્યમાં રોડ એક્સિડન્ટની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં એક ધારાસભ્યની કારે મોપેડ ચાલકને પાછળથી ટક્કર મારતા મોપેડ ચાલકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે કારચાલક સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ધારાસભ્યની કારથી અકસ્માત થતા તેમને દિલગીરી વ્યક્ત કરી હતી.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતો પ્રફૂલ પટેલ નામનો યુવક 2 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાનું મોપેડ લઇને અમદાવાદના 132 રીંગ રોડ પરથી મેમનગર તરફ જતો હતો તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક કારે પ્રફૂલ પટેલના મોપેડને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, મોપેડ પરથી નીચે નીચે પટકાઇને પ્રફૂલ પટેલ રસ્તા પર થોડો ઘસડાયો હતો. આ ઘટનામાં પ્રફૂલ પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત થતાની સાથે જ કારનો ચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો.

અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા પ્રફૂલ પટેલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રફૂલ પટેલને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે કેટલીક ગંભીર ઈજાઓ થતા પ્રફૂલને ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ મોપેડને ટક્કર મારનાર કાર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

આ ઘટનાને પગલે ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે, હું દિલગીર છું મારો ડ્રાઈવર કાર લઇને નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp