કોરોના કેસ વધતા ગુજરાતમાં આ જગ્યાએ પાલિકાએ પાનના ગલ્લા બંધ કરાવ્યા

PC: jdmagicbox.com

રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે પરંતુ અમદાવાદમાં મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘંટયું હતું અને અનલોકમાં છૂટછાટ મળ્યા બાદ લોકોએ તંત્રની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન ન કરતા ફરીથી અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ગત મહિનાની તુલનામાં આ મહિનામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે, જેથી હવે ફરીથી તંત્ર દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાની દુકાન અને પાનના ગલ્લા પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને નિયમ ભંગ કરતા લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા કેટલીક ચા અને પાનની દુકાનોને સીલ પણ કરવામાં આવી છે

રિપોર્ટ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ચાની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ જણાતા ચાની દુકાનોને બંધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 20 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. ત્યારે હવે આજે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં બોપલ અને ધૂમા વિસ્તારમાં પાનના ગલ્લા પર ઘણી જગ્યા પર માસ્ક લોકો વગર અને સામાજિક અંતરના નિયમનું પાલન ન કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી તંત્ર દ્વારા કાર્યવાહી કરીને બોપલ વિસ્તારમાં પાન પાર્લર ધારકોને ફરજિયાત પણે દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જો કે, અગાઉ પણ મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બોપલ વિસ્તારમાં 8 પાનની દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ કડક કાર્યવાહી બાદ પણ લોકો પાનના ગલ્લા પર નિયમોનો ભંગ કરતા બોપલ વિસ્તારના પાનના ગલ્લા બંધ કરાવવાનો નિર્ણય તંત્રએ લીધો છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાનું નિવેદન અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર મોદી દ્વારા આપવામાં આવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, ગત મહિની તુલનામાં આ મહિનામાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ તેમને નવરાત્રિના આયોજનને લઇને પણ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, તંત્રની ગાઈડલાઈનનું પાલન થાય તો જ તહેવારો કરી શકાય નહીં તો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થશે. એક વ્યક્તિ 16 જેટલા વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે. જેના કારણે ગરબા લેવાતા હોય તેવી જગ્યા પર એક વ્યક્તિ સંક્રમિત થયો હોય અને તે અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે તો તે ગરબા લેતા તમામ વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp