માતરના ધારાસભ્યનો કોની સાથે થયો ઝઘડો, જુઓ વીડિયો

ખેડાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણ વચ્ચે ઝપાઝપીનો વીડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. ઝપાઝપીની ઘટના બાદ લવાલ ગામના સરપંચે ધારાસભ્યએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. જે બાબતે પોલીસ ફરિયાદ કરવા અને પોલીસ પ્રોટેક્શન મેળવવા પોલીસ સ્ટેશને પહોંચેલા સરપંચ અને સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો.

'માતર ધારાસભ્ય ગુંડો છે એવા સૂત્રોચ્ચાર માતર પોલીસ મથક બહાર ધારાસભ્ય વિરુદ્ધ લવાલ ગામના લોકો કરી રહ્યા છે, જેનું કારણ છે આ વાયરલ વીડિયો. આ વાયરલ વીડિયોમાં ધારાસભ્ય અને સરપંચ વચ્ચેની ઝપાઝપીના દૃશ્યો કેદ થયા છે. એટલું જ નહી મોબાઇલમાં વીડિયો ઉતારી રહેલા માણસનો મોબાઇલ પણ ધારાસભ્ય ખૂંચવી રહ્યા હોય તેવા દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટનાને પગલે લવાલ ગામના સરપંચ અને ગામના લોકો માતર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા ઉગ્ર માગણી તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તબક્કે લવાલ ગામના સરપંચે આક્ષેપ કર્યો છે કે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ તેમને જાનથી મારી નાખવાની અને જોઈ લેવાની ધમકી આપી છે.

બીજી તરફ માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આ તમામ આક્ષેપોને રદિયો આપી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે જો મારે સરપંચ જોડે મારામારી જ કરવી હોત તો હું તેમને તેમના ગામમાં શા માટે બોલાવતે. લવાલ સરપંચે માછીયેલ સરપંચના ઝઘડામાં ઝંપલાવી ધારાસભ્ય અને સાસંદ પર ખોટા આક્ષેપો કર્યા હતા. જે બાબતે તેમને સમજાવવા હું ગામમાં ગયો હતો અને સરપંચે સામેથી મારી જોડે ઝઘડો કર્યો હોવાનું ધારાસભ્ય જણાવી રહ્યા છે. જોકે સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે જાણવા પોલીસે તજવીજ હાથધરી છે.

મહત્ત્વની વાત છે કે માતર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજના સરપંચો અને સત્તાધારી પક્ષના નેતાઓ વ્ચચે ગજગ્રાહ વધી રહ્યો છે. બને સરપંચો સાથે બનેલી ઘટનાઓમાં હવે ક્ષત્રીય ઠાકોર સેના પણ એન્ટ્રી કરે તેવી શક્યતા છે. બીજી તરફ લોકસભાના ઇલેક્શન પણ નજીક આવી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજની નારાજગી ક્યાંક સત્તાધારી પક્ષના નેતાઓને નડતર રૂપ ન બને તેનું ધ્યાન રાખવુ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp