ભાનુભાઈ વણકરની અગનપિછોડી: જિગ્નેશ-હાર્દિકનો આક્રોશ, ઉંઝામાં તોડફોડ

PC: abpnews.com

દલિત સમાજના ભાનુભાઈ વણકરે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે અગનપિછોડી ઓઢી લેતા દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગઈકાલે પાટણએ સજ્જડ બંધ રાખ્યો હતો જ્યારે ઉંઝા પણ બંધ રહ્યું હતું. કેટલીક જગ્યાએ તોડફોડની ઘટના નોંધાઈ હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલે મૃતકનાં પરિવારજનોની મુલાકાત લીધી હતી.

ઉંઝામાં રબારી કોલોની ખાતે ડીસાથી આવી રહેલી બસ પર ગુસ્સામાં લાલધુમ લોકોએ પથ્થરમારો કર્યો હતો અને સરકારની સામે પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. હાઈ-વે પર પણ ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં દલિત યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુધ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

જિગ્નેશ મેવાણીએ પત્રકારોને જણાવ્યું કે ભાનુભાઈ વણકરના પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો છે. જ્યાં સુધી સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યાં સુધી દલિત સમાજ રસ્તા પર ઉતરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરશે. સરકારે 24 કલાકમાં જવાબદારો સામે પગલા ભરવા જોઈએ.કોઈ ગરીબ માણસને જમીનનો ટૂકડો મળે તેના માટે ભાનુભાઈએ પોતાનો જાન ગુમાવવાો પડ્યો છે.

મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં દલિતોને આવા અંતિમ પગલા ભરવાની જરૂર કેમ પડી રહી છે. આના માટે ગુજરાત સરકાર જવાબદાર છે. વિકાસની વાતો થાય છે પરંતુ દલિત સમાજને લઈને કોઈ વાત કરવામાં આવી રહી નથી. દલિત સમાજને અન્યાય અને અત્યાચારોનો ભોગ બનવું પડી રહ્યું છે.

જ્યારે હાર્દિક પટેલે કહ્યું કે ગંભીર વાત એ છે કે બે દિવસ પૂર્વે જ દલિત પરિવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે અમે આત્મવિલોપન કરીશું. પરંતુ તંત્ર દ્વારા તેના તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. પાછલા કેટલાક મહિનાથી ગુજરાતમાં પટેલ, દલિત અે પછાત વર્ગોના સમુદાયોની જમીન પર કબજો કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સરકારના ખાસ માણસો હોવાના કારણે ગુંડા તત્વો આ કામ કરી રહ્યા છે. પોલીસ અને તંત્ર આ બધું જોઈ રહ્યા છે અને નિર્દોષ લોકો જાન ગુમાવી રહ્યા છે.

હાર્દિકે કહ્યું કે ગુજરાત મોડેલના ધજાગરા ઉડી રહ્યા છે. ન્યૂ ઈન્ડીયાની વાત કરનારા લોકો ઈન્ડીયનને બચાવવાનું કામ કેમ કરી રહ્યા નથી. બેવડા ધોરણોવાળા નેતાઓની દેશમો કોઈ અછત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp